હિંમતનગર શહેરની સ્થાપના સુલતાન અહમદ ૧લાએ (ઈ. સ. ૧૪૧૧ થી ઈ. સ. ૧૪૪૩) કરી હતી. ઇડરના રાવને અંકુશમાં રાખવા માટે સુલતાન અહમદ ૧ લાએ જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરની મુળ સ્થાપના ઇ. સ. ૧૪ર૬ માં કરી હતી. સુલતાનને આ સ્થળ ખુબ પસંદ હતું, એમ કહેવાતું અને તેથી તેનું નામ અહમદનગર રાખવામાં આવ્યું. ત્યાર બાદ ઇ. સ. ૧૮૪૮ માં ઇડર રાજયને તે પાછું સોંપવામાં આવ્યું અને ઇ. સ. ૧૯૧ર માં ઈડરના મહારાજા હિંમતસિંહના નામ ઉપરથી શહેરનું જૂનું નામ અહમદનગરમાંથી તેનું હાલનું નામ હિંમતનગર બદલવામાં આવ્યું.
શહેરમાં ર દિગંબર અને ૩ શ્વેતામ્બર એમ પાંચ અગત્યના જૈન મંદિર છે. ભોલેશ્વર મહાદેવ, ઝરણેશ્વર મહાદેવ, જૂની દરગાહ પાસેનું મહામંદિર અને સ્વામીનારાયણ મંદિર અગત્યનાં સ્થળો છે. શહેરમાં ત્રણ વાવ છે, તેમજ બાજુની દિવાલ પર લેખવાઈ સૌથી જૂની વાવ \’કાઝીની વાવ\’ તરીકે પ્રખ્યાત છે, જે રેલ્વે પુલ અને રસ્તાના પુલ વચ્ચે આવેલી છે.