પરિચય :
હિંગને આપણે સારી રીતે જાણીએ છીએ. તેનો ઉપયોગ દરેક ઘરમાં નિયમિત થતો હોય છે. શુદ્ઘ હિંગ બહુ મોંઘી હોય છે. વળી શુદ્ઘ હિંગ મળવી પણ મુશ્કેલ છે. તેને સસ્તી વેચવા માટે વેપારીઓ તેમાં જાતજાતની ભેળસેળ કરે છે. હિંગનો વધારે ઉપયોગ પાપડ બનાવવામાં થાય છે. પાપડ સારા બને તે માટે હિંગ પણ સારી ખાતરીની લેવી જોઇએ. લિજ્જત પાપડવાળા આ બાબતમાં ખૂબ જ ચોકસાઇ અને ખ્યાલ રાખતા હોય છે. આ જ કારણે આજે તે દેશ-પરદેશમાં ખૂબ જ જાણીતા બન્યા છે.
ગુણધર્મ :
હિંગ તીખી, ઉષ્ણ, હ્રદ્ય, પિત્તકર,પાચન, રુચિકર, તીક્ષ્ણ તેમજ વાત, કફ, શૂળ, વાયુગોળો, આફરો મટાડનાર અને કૃમિનાશક છે.
ઉપયોગ :
(૧) અજીર્ણ અને વાયુગોળો ઉપર : હિંગના ચૂર્ણની નાના ચણા જેવડી ગોળી બનાવી ઘી સાથે દિવસમાં બે વખત ગળવી.
(૨) તાવ ઉપર : હિંગ અને ઘીનું મિશ્રણ કરીને પીવું.
(૩) પ્રસૂતાને ચક્કર અને શૂળ આવે તો : હિંગને ઘીમાં શેકીને ખવડાવવી.
(૪) માસિક સાફ આવે તેમજ ગર્ભાશયનું સંકોચન બરાબર થાય તે માટે હિંગ દિવસમાં બે વખત પાણી સાથે લેવી.
(૫) ઊલટી બંધ થાય તે માટે : હિંગને પાણી સાથે વાટી પેટ પર તેનો લેપ કરવો.
(૬) આધાશીશી ઉપર : હિંગને પાણીમાં ઉકાળી તેનાં ટીપાં નાકમાં નાખવાં.
(૭) દાંતના દુખાવા ઉપર : હિંગને પાણીમાં ઉકાળી તેનાં કોગળા કરવા.
(૮) હડકાયું કૂતરું કરડ્યું હોય તો : હિંગને પાણીમાં વાટીને જખમ પર ચોપડવી.
(૯) અપસ્માર ઉપર : હિંગ, સિંધવ અને ઘી ત્રણે સરખા ભાગે દસ-દસ ગ્રામ લઇ તેમાં ૧૨૦ ગ્રામ સ્વમૂત્ર નાખી તેને ઉકાળવું. મૂત્ર બળી જાય ત્યારપછી દર્દીની પ્રકૃતિ પ્રમાણે દરરોજ સવારે અને રાતે ખાવા આપવું.
(૧૦) હેડકી ઉપર : હિંગ અને અડદનું ચૂર્ણ દેવતા ઉપર નાખી તેની ધૂમાડી મોઢામાં લેવી.
(૧૧) વાળા ઉપર : (ગામડામાં ગંદું પાણી પીવાથી પગમાં દોરા જેવો તાંતણો નીકળે છે) હિંગનું ચૂર્ણ ૧૦ ગ્રામ દહીંમાં નાખી ત્રણ દિવસ પીવું.
(૧૨) શરદીને કારણે કાનમાં ધાક પડી હોય તો : હિંગને કાપૂસને વીંટાળી કાનમાં ખોંસી રાખવું.
(૧૩) પરિણામ શૂળ ઉપર : હિંગ, સિંધવ અને જીરાનું ચૂર્ણ મધ અને ઘીમાં નાખી ચાટી જવું.
(૧૪) હિંગ અને લીમડાના પાન સાથે વાટી તેનો લેપ જખમ પર ચોપડવાથી જખમમાં પડેલા કીડા મરી જાય છે અને જખમ જલદી ભરાય છે.