હાસ્યસમ્રાટ જ્યોતીન્દ્ર દવે
કહેવાય છે કે : ‘એક શોકસભા શોકસભાની રીતે ન ભરી શકાય જો મંચ પર શ્રી જ્યોતિન્દ્ર દવેની ઉપસ્થિત હોય તો !’ આવા હાસ્યસમ્રાટ લેખકનો જન્મ ૧૯૦૧માં સુરત ખાતે થયો હતો. કોઈપણ સમારંભમાં તેઓ ભાષણ માટે ઊભા થાય ત્યારે તેમના બોલતાં પહેલા હાસ્યનું એક મોજું શ્રોતાઓમાં ફરી વળે એટલી પ્રભાવક તેમની લોકપ્રિયતા હતી. એમ.એ નો અભ્યાસ પૂર્ણ કરી સુરતની કોલેજમાં સંસ્કૃત અને ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. નિવૃત થયા પછી પણ કચ્છ માંડવીની કોલેજમાં આચાર્ય તરીકે સેવાઓ આપી હતી. મુનશીના ‘ગુજરાત’ માસિક દ્વારા ઘણા લેખો લખ્યા. તેમણે ‘રંગતરંગ’ ના કુલ છ ભાગ, ‘રેતીની રોટલી’, ‘નજર-લાંબી અને ટૂંકી’ ‘બીરબલ અને બીજા’, ‘રોગ-યોગ અને પ્રયોગ’, ‘વડ અને ટેટા’ જેવા સાહિત્યનું સર્જન કર્યું. ગગન વિહારી મહેતા તેમને ‘હસતા ફિલસૂફ’ કહેતા. જ્યોતિન્દ્ર બોલે એટલે ગુજરાતી પ્રજા માટે હસવું ફરજિયાત બનતું. કવિ સંમેલન અને મુશાયરાઓમાં એમનું સંચાલન અનોખી રંગત ઉમેરતું. તેમને નર્મદ ચંદ્રક, રણિજતરામ સુર્ણચંદ્રક, ગલિયારા પારિતોષિક, ગુજરાતી સાહિત્ય પરિષદનું અને હીરક મહોત્સવ વગેરે માનથી ગુજરાતે તેમને નવાજ્યા છે. તા. ૧૧-૯-૧૯૮૦ના રોજ આ હાસ્યહોજના સ્વામીએ ચિરવિદાય લીધી.