આપણામાંના મોટાભાગના લોકો પોતાના જીવનમાં ન જાણે શું-શું શોધતા હોય છે, જીવનમાં ન જાણે શું-શું મેળવવાની આશા રાખે છે. તેઓ વિચારે છે કે, જો અમને ફલાણું-ફલાણું મળી જાય તો અમે જીવનભર સુખી રહી શકીશું. પરંતુ, આ મેળવવાની લાલસામાં સમય અને નાની નાની ખુશીઓ મુઠ્ઠીમાંની રેતની જેમ સરકતી જાય છે. જો તમે તમારી વિચારધારાને બદલો અને અત્રે આપેલા ૭ ઉપાય અજમાવો તો જીવનભર ખુશ રહી શકો છો.
૧. તમને ખુશ રહેવાનો હક્ક છે : જો તમે એવું વિચારતા હોવ કે, ખુશી ક્યાં છે જ. તો તમે ખરેખર ખુશ રહી જ નહીં શકો. તમે તમારી જાતને જે પ્રકારનો સંદેશ આપશો, તે જ પ્રકારનું તમારું જીવન ચાલશે. જો તમે તમારી જાતને ખુશ રહેવાના હકદાર નહીં સમજો, તો પછી ખુશ રહેવાની આશા જ કેવી રીતે રાખી શકશો. એટલા માટે ઉત્તમ એ રહેશે કે તમે તમારી વિચારધારા બદલો અને પોતાની જાતને કહો કે, ‘‘હું ખુશ રહી શકું એમ છું, અને હું આજે પણ ખુશ જ છું.’’
૨. જેવા હો તેવા સ્વીકારો : આપ કેવા છો, તે વિચાર્યા વગર સારી – બુરી કે આકર્ષક નથી તેવું બધું ન વિચારો. તમે જેવાં પણ છો, સારાં જ છો. તમે જે પણ કરી શકો છો, તે સારામાં સારું અને સર્વશ્રેષ્ઠ પણ કરી શકો છો.
૩. હંમેશા ખુશ રહો : હંમેશાં ખુશ રહેવાનો અર્થ એ છે કે, તમે જ્યાં પણ હોવ, ખુશ જ છો. તમે એ નથી જાણતા કે તમારા જીવનમાં કાલની શરૃઆત કેવી રીતે થવાની છે, એટલા માટે આજે જે પણ સ્થિતિમાં હોવ, જ્યાં પણ હોવ, ત્યાં ખુશ થઈને જ રહો. ભવિષ્યમાં શું થવાનું છે, તે કોઈ જ નથી જાણતું, પરંતુ ભવિષ્યની ચિંતામાં આજે મળનારી નાની-નાની ખુશીઓને જવા ન દો.
૪. જીવન મૂલ્યને ઓળખો : આપના મનમાં પણ જિંદગી પાસેથી કંઈક અલગ મેળવવાની કંઈક અલગ કરવાની ભાવના જાગી હશે. જો આપનો જવાબ હોય…. ‘‘હા.. ઘણીવાર’’, પરંતુ કરી ન શક્ય હોવ તો તેમાં દુઃખી થવાની જરૃર નથી. તેમ એકલાં નથી. તમારા જેવાં જ અનેક લોકો દુનિયામાં છે. દોડધામવાળી જિંદગી જીવનારા લોકો, જેમની પાસે પોતાની ઈચ્છાઓ અને નાના-મોટાં સપનાંને પૂર્ણ કરવાનો સમય નથી તો પણ તેઓ કાંઈ આખી જિંદગી એવું નથી વિચાર્યા કરતા કે, અમે કશું જ કરી શક્યા નથી. તમે પણ તેમની જેમ સકારાત્મક વિચારધારા અપનાવો. તમારા જીવનના મૂળભૂત મૂલ્યોમાંથી તમે કોને કેટલું મોટું માનો છો, તેને કેવી રીતે, મૂલવો છો, તે મૂલ્યોમાં તમારી શું પ્રાથમિકતા છે, તે તમારી પર નિર્ભર કરે છે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમે તમારા જીવનમૂલ્યોને કેવી રીતે નિભાવો છો, જે દિવસે તમે જીવનને અર્થપૂર્ણ રીતે જીવતા શીખી જશો, એ જ પળથી ખુશીઓ તમારા ખોળામાં ભરાઈ જશે.
પોતાની ઉત્સુકતાને ઊંચા પદ પર રાખનાર વ્યક્તિ શાંત ચિત્તે સમજી વિચારીને અને ભણી-શીખીને જિંદગીનો અર્થ મેળવી શકે છે. અર્થપૂર્ણ જીવન એટલે એવું જીવન કે જેમાં દંભ-દેખાડા ન હોય, નરી વાસ્તવિકતા હોય જરૃરિયાત હોય પોતાની જિંદગી જોઈને ચાલવાનું નહીં કે અન્યની.
૫. જીવનને માણો : ખુશ રહેવા માટે તમારા જીવનમાં મળેલા સુખને આનંદને માણતા શીખો. પછી ભલે તે તમારું સારું સ્વાસ્થ્ય હોય, નોકરી હોય, રહેણીકરણી હોય, ઘર હોય, રોજના આહારની ચિંતા ન હોય અને પરિવારનો સંપૂર્ણ સહયોગ અને પ્યાર મળતો હોય. જો આ બધી જ બાબતો આપના જીવનમાં હોય, તો તમારે તમારા જીવનનો આભાર માનવો જોઈએ. આ બધાં માપદંડોથી તમે ખુશ રહી શકો છો.
એવું નહીં કે જે નથી તેના દુઃખડાં જ રડયા કરો. પરંતુ જીવન પાસેથી તમને જે મળ્યું છે તેની ખુશી વ્યક્ત કરો. સાથોસાથ તમે વર્તમાનમાં જીવો. કાલ કોણે જોઈ છે. એવું વિચારીને વર્તમાનમાં જીવો અને તમારી આજને ઉત્તમ અને સુદૃઢ બનાવો. તમને જેવું જીવન મળ્યું છે, તેમાં ખુશ રહો અને તેને સ્વીકારીને જીવનને ખુશીઓથી ભર્યું-ભર્યું બનાવી દો.
૬. સહાયતા મેળવો : પોતાની સમસ્યાઓનું નિવારણ હંમેશા જાતે જ મેળવવાની કોશિશ ન કરો. તમારી સમસ્યા અન્ય સાથે વહેંચો અને તેમની પણ મદદ માંગો. હંમેશાં દુઃખી રહીને ન જીવો, કેમ કે એથી સમસ્યાનું નિવારણ કદાપી આવવાનું નથી. શક્ય છે કે અન્ય વ્યક્તિ કદાચ તમને ઉત્તમ અને સારો રસ્તો સૂઝાડે. એટલા માટે મદદ માંગવામાં પીછેહઠ ન કરો. મદદ એટલે માત્ર પૈસાની નહીં, પણ માનસિક પણ હોઈ શકે છે. શું તમારી પાસે કોઈ મદદ માગશે તો તમે નહીં કરો ? જો તમે મદદ કરી શકતા હોવ, તો તમને પણ કોઈક મદદ કરી શકે છે. જરૃર છે તમારે મદદ માગવાની.
૭. સારું કરો : જ્યારે તમે કોઈ અન્ય માટે સારું કામ કરશો, તો તમને જે ખુશી મળશે તે વાસ્તવમાં સૌથી મોટી ખુશી હશે. પછી ભલે તમે કોઈ વૃદ્ધાને રસ્તો પાર કરાવ્યો હોય, કે પછી તમારી પાછળ આવનાર માટે લિફટનો દરવાજો પકડી રાખ્યો હોય કે પછી કોઈને બેસવા માટે બસમાં કે રેલવેમાં જગ્યા આપી હોય.
આવી નાની-નાની બાબતો અને ઘટનાઓ તમને પળ-પળની આપી જાય છે અને આ બધી જ ખુશીઓ તમને વર્તમાનમાં મળશે. નહીં કે ભવિષ્યમાં. કહેવાનો અર્થ એ છે કે, પહેલાં તમે તમારા વર્તમાનને ખુશીથી ભર્યો-ભર્યો બનાવો, કાલની ચિંતા ન કરો કેમ કે તે તો કોઈએ જોઈ જ નથી. જો તમે તમારી સમસ્યા વિશે દરેક પળે નહીં વિચારો તો તે આપમેળે જ નાની અને ઓછી થઈ જશે. તો પછી મોડું શા માટે કરો છો. તમારી જાતને સજાવો અને જેવું જીવન મળ્યું છે, તેને સ્વીકારીને હરપળ હર ક્ષણને ખુશ બનીને જીવતાં શીખો.