મહાન દાર્શનિક
સૉક્રેટિસનો દેખાવ વિચિત્ર હતો. ટાલિયું માથું, પ્રમાણમાં નાનો ચહેરો, ફૂલેલા ટોપકાવાળું નાક અને લાંબી દાઢી. ચેતનવંતા માણસનો આવો દેખાવ હોય ખરો ? સૉક્રેટિસ પ્રમાદી અને પૈસાની તાણ ભોગવતો આદમી હતો. ધંધો પથ્થર ઘડવાનો પરંતુ પતિ-પત્ની અને પુત્રો ખાતર પેટ પૂરતું મળી રહે એટલે કામ છોડી વાતો કરવા માંડતો. પત્ની કર્કશા હોવાથી મોટે ભાગે બહાર જ ફરતો.
સવારે વહેલા ઊઠી જેવોતેવો નાસ્તો કરી કોઈક દુકાને, ક્યાંક દેવળમાં કે મિત્રને ઘેર, જાહેર સ્નાનઘરમાં કે છેવટે શેરીને નાકે જ્યાં દલીલબાજીમાં સાથ મળે ત્યાં તે પહોંચી જતો. પૂરા ઍથેન્સ નગરને તેણે તર્કવાદી બનાવ્યું હતું. જેવો તેનો દેખાવ રમૂજી તેવા જ તેના વિચારો પણ વિચિત્ર હતા. તેના એક મિત્રે ડેલ્ફિમાં આવેલા એક ધર્મસ્થાનમાં પ્રશ્ન પૂછ્યો, ‘ઍથેન્સમાં અત્યારે સૌથી શાણું કોણ ?‘ સૌના આશ્ચર્ય વચ્ચે ઉત્તર મળ્યો, ‘સૉક્રેટિસ.‘ પોતે પૂછેલા પ્રશ્નોના ઉત્તર પોતાને જ આવડતા નથી તેવો ડોળ કરી વધુ પ્રશ્નો પૂછી દંગ કરે તેવા જવાબ લોકો પાસેથી કઢાવતો. કેવળ મન માનવીનું ઘડતર કરે છે. માણસ લાગણી પર કેટલો કાબૂ મેળવી શકે છે તેના પર જ સર્વ સદ્દગુણો નિર્ભરિત છે. આ હતું તેના ઉપદેશનું કેન્દ્રબિન્દુ.
તેના જીવનકાળ દરમિયાન ગ્રીક સત્તા અને ગ્રીક સંસ્કૃતિની બોલબાલા હતી. ગ્રીક અને પછીથી રોમ સુધી ફેલાયેલ તત્વજ્ઞાન એ સૉક્રેટિસનું પ્રદાન હતું. પ્લેટો એનો શિષ્ય હતો. તત્કાલીન સત્તાધીશોએ શહીદ તરીકે જો સૉક્રેટિસનો ભોગ ન લીધો હોત તો તેના ઉપદેશની વિશ્વ પર જે ઊંડી અસર પડી છે તે ન પડી હોત. યુવાન શિષ્યોને તે અતિ વિનમ્ર લાગતો હતો પરંતુ હજારો અંધશ્રદ્ધાળુઓને અને કેટલાય બુદ્ધિવાદીઓને મન તે ત્રાસવાદી અને ઝનૂની હતો. તેના પર બે આરોપ મૂકવામાં આવ્યા હતા. એક : જે દેવતાઓમાં પાટનગર શ્રદ્ધા ધરાવે છે તેને સૉક્રેટિસે અમાન્ય કર્યા છે. બે : યુવાન પેઢીને તે બહેકાવી રહ્યો છે.
૫૦૧ નગરજનોના બનેલા એક નિર્ણાયક પંચે સૉક્રેટિસ પર કામ ચલાવ્યું. ૬૦ પંચોની બહુમતીથી તેને ગુનેગાર ઠરાવી મોતની સજા ફટકારવામાં આવી. પંચના સભ્યો જાણતા હતા કે દેહાંત દંડ કરવા જેવા સૉક્રેટિસના ગુના સાબિત થયા નથી. સૌ માનતા હતા કે દયાની યાચના કરશે તો તેની સજા હળવી થશે. પણ તેણે દયાની યાચના કરવાનો ઇન્કાર કર્યો.
કારાવાસમાંથી નસાડી જવા આવેલા શિષ્યોને તેણે કહ્યું, ‘હું કાયદાના પાલનમાં માનું છું. સુનાગરિક કાયદો માન્ય રાખે જ છે. ઍથેન્સના કાયદાએ મને મૃત્યુદંડ આપ્યો છે તો સાચા નાગરિક તરીકે મારે મોતને ભેટવું જોઈએ.‘
પ્લેટોએ સૉક્રેટિસની અંતિમ રાતનું વર્ણન કર્યું છે. તે રાત્રે સૉક્રેટિસ યુવાન શિષ્યો સાથે તત્વજ્ઞાનની ચર્ચા કરતો રહ્યો. ચર્ચાનો વિષય હતો, ‘મૃત્યુ પછી જીવન છે ?‘ સંધ્યાકાળ થયો. સૉક્રેટિસે વિષનો પ્યાલો મગાવ્યો. વિષ તેના હાથમાં મૂકવામાં આવ્યું અને કહેવામાં આવ્યું, ‘હેમલૉકનું પાન કરી તમારે ચાલ્યે રાખવાનું. પગ ભારે લાગે એટલે લેટી જજો. હ્રદય સુધી મોતનો ઓછાયો પહોંચી જશે.‘
વિષપાન કરી સૉક્રેટિસે ચાલવા માંડ્યું. રડતા શિષ્યોને ઠપકો આપવા વચ્ચે વચ્ચે તે રોકાતો. છેવટે ચહેરા પરના કપડાને તેણે ખેસવી નાખ્યું. પથારીમાં સૂઈ જઈ આંખો બંધ કરી. એક શિષ્યે તેની આખરી ઇચ્છા વિષે પૂછ્યું. કશો જવાબ ન મળ્યો.
પ્લેટોએ લખ્યું છે : ‘જેમને અમે અતિ બુદ્ધિશાળી અને વિદગ્ધ માનતા તેવા અમારા મિત્રનો આ રીતે અંત આવ્યો.‘