સૂંઠથી ભાગ્યે જ કોઇ અપરિચિત હશે. દરેક ઘરમાં તેનો નિત્ય ઉપયોગ થતો હોય છે. આદુને સૂકવીને સૂંઠને તૈયાર કરવામાં આવે છે.
સૂંઠ તીખી, સ્નિગ્ધ, લઘુ, ઉષ્ણ, રુચિકર અને આમવાતનાશક છે.
ઉપયોગ :
(૧) આમવાત અને પેટ શૂળ ઉપર : સૂંઠનો કાઢો પીવો.
(૨) હ્રદયરોગ, અગ્નિમાંદ્ય, શ્ર્વાસ, ખાંસી, અરુચિ, સળેખમ અને ઉધરસ ઉપર : સૂંઠનો કાઢો દિવસમાં ત્રણ વખત પીવો.
(૩) હરસ ઉપર : સૂંઠનો ચૂર્ણ છાશમાં પીવું.
(૪) બાળકોની સંગ્રહણી ઉપર : સૂંઠનો ઘસારો અર્ધી ચમચી દિવસમાં બે વખત ચટાડવો.
(૫) આધાશીશી ઉપર : સૂંઠને દૂધમાં અગર પાણીમાં ઘસીને તે ઘસારાનાં ટીપાં નાકમાં નાખવાં તેમજ તેનો પાતળો લેપ કપાળ પર લગાડવો.
(૬) બહુમૂત્રતા ઉપર : સૂંઠને ચૂર્ણ ખડી સાકર સાથે દિવસમાં બે વખત લેવું.
(૭) આમવાત ઉપર : સૂંઠને ચૂર્ણ ૪ ભાગ અને વરિયાળીનું ચૂર્ણ ૧ ભાગ દિવસમાં બે વખત પાણી સાથે આપવું.
(૮) અગ્નિમાંદ્ય અને કૃમિ ઉપર : સૂંઠ અને વાવડિંગનું ચૂર્ણ મધમાં દિવસમાં બે વખત આપવું.
(૯) સળેખમ અને શરદી ઉપર : સૂંઠ, તજ અને ખડી સાકરનો કાઢો દિવસમાં બે વખત લેવો.
(૧૦) શરીરની કાંતિ અને પુષ્ટિ માટે : સૂંઠનો ઉકાળો દિવસમાં બે વખત લેવો.
(૧૧) કમળા ઉપર : સૂંઠનો ચૂર્ણ અને ગોળ ખાવા આપવો.
(૧૨) ધાતુ સ્ત્રાવ થાય અને પેશાબમાં ધાતુ જાય તો : સૂંઠનો ઉકાળામાં હળદર અને ગોળ નાખી તે પીવો.
(૧૩) પેશાબમાં લોહી આવે અને દુખાવો થાય તો : ગાય અગર બકરીના દૂધમાં ૫ થી ૬ ગ્રામ સૂંઠનું ચૂર્ણ નાખી પીવું.
(૧૪) અતિસાર અને આમની તકલીફ ઉપર : સૂંઠ, જીરું અને સિંધવનું ચૂર્ણ દહીંના મઠામાં નાખીને જમ્યા પછી લેવું.