સુરત શહેર દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી માત્ર ૧૪ કિલોમીટરના અંતરે આવેલ શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. તેનું ભૌગોલિક સ્થાન ૨૧.૧૭° ઉ. અક્ષાંશ તથા ૭૨.૮૩° પૂ. રેખાંશ છે. તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું શહેર છે. તાપીનાં મુખ પ્રદેશથી ૧૪ કિલોમીટર અંતરે આવેલું છે. આ શહેર ખૂબ જ રમણીય છે. સુરત ગુજરાતનું બીજા નંબરનું અને ભારતનું નવમા નંબરનું મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે. વિશ્વનાં ૯૦ થી ૯૫ ટકા જેટલા હીરા સુરતમાં ઘસીને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ (જરી, કિનખાબ અને અન્ય) અને ડાઈંગ–પ્રિન્ટિંગનો છે. સાલ ૨૦૦૮માં સુરત ૧૬.૫% જી.ડી.પી સાથે ભારતનાં સર્વાધિક જી.ડી.પી. વિકાસ દર ધરાવતા શહેરોમાંનું એક હતું.