કાજુ સ્વાદિષ્ટ, પોષક અને પથ્ય હોય હે કાજુના ૬-૮ ફૂટ ઊંચા ઝાડ થાય છે. તેને રસાદાર ફળ બેસે છે. એ ફળની બહાર બી હોય છે. તે બીનું મીંજ તે કાજુ. તે શરીરના કીડની-મૂત્રપિંડના આકારનું છે. તેથી પેશાબના રોગોમાં તેનો ઉપયોગ કરી શકાય.
કાજુ સહેજ તૂરાશ પડતાં મીઠા છે. પચવામાં હલકાં, તાસીરે ગરમ, સહેજ ચીકાશવાળા, અગ્નિવર્ધક, ત્રિદોષશામક છે. તે સ્વાદિષ્ટ, ધાતુવર્ધક, પોષક અને પથ્ય છે. ઝાડા, મરડો, સંગ્રહણી, હરસ, આફરો, પેટનાં કૃમિ, પેટના રોગો, ચામડીના રોગો, સફેદ કોઢ, વ્રણ (ઘા), વાળના રોગો, તાવ, પેટનો ગોળો, અગ્નિમાંદ્ય વગેરેમાં તે ઉપયોગી છે.
બદામ અને કાજુના ગુણોમાં ઘણું સામ્ય છે. છતાં કાજુ પ્રમાણમાં ઘણાં સસ્તા છે. વળી સુપાચ્ય છે. એટલે તેનો બહોળો ઉપયોગ શક્ય છે.
શક્તિવર્ધક પાકોમાં, કામોત્તેજક ચાટણોમાં, વીર્યવર્ધક ઔષધોમાં, રોજિંદા મિષ્ટાન્નમાં, સવારે પીવાતા દૂધમાં તેનો છૂટથી ઉપયોગ કરવો જોઈએ. જેથી તેના ઉપર પ્રમાણેના લાભો મેળવી શકાય છે.
કાજુને ઘીમાં સાંતળી મીઠું-મરી ભભરાવવાથી વધુ રોચક, પાચક અને સ્વાદિષ્ટ બને છે. બાળકોને આવા કાજુ રોજ ખાવા આપવા જોઈએ. કાજુનો ભૂકો દૂધમાં ઉકાળી બાળકને આપવાથી બાળકનું પોષણ, વર્ધન અને રોગપ્રતિકારત્વ વધે છે.