સીમંતોન્નયન સંસ્કાર
પ્રાગ્-જન્મ સંસ્કારો
ગર્ભાધાન, પુંસવન અને સીમંતોન્નયન સંસ્કારોનો પ્રાગ્-જન્મ સંસ્કારોમાં સમાવેશ થાય છે.
સીમંતોન્નયન સંસ્કાર
આજે સીમંતોન્નયનને ‘ખોળો ભરવો’ એ નામથી ઓળખવામાં આવે છે. તેમાં નણંદ કે પાંચ સૌભાગ્યવતી સ્ત્રીઓ ગર્ભવતીના ખોળામાં ચોખા (સવા પાંચ શેર), નાળિયેર, સાકર કે પીસ્તા, સોપારી વગેરે ભરે છે. સૌરાષ્ટ્રમાં આ સંસ્કાર ‘ખોળાભરણું’ કે ‘અઘરાણી (अग्गहणिया – અગૃહિણી) કરવી’ એ નામથી પ્રચલિત છે.
ગર્ભવતી સ્ત્રીની ફરજોઃ
અમંગલકારી શકિતઓથી રક્ષા, શારીરિક શ્રમનો નિષેધ અને માનસિક તથા શારીરિક સ્વાસ્થયની રક્ષા એ ગર્ભવતીની ફરજો મનાતી. ગર્ભવતી માટેના કેટલાક નિષેધો પણ હતા, જેમ કે તેણીએ અશુચિ સ્થાન પર બેસવું નહીં, નદીમાં સ્નાન કરવું નહીં, ઉજજડ ઘરમાં જવું નહીં, નખ, કોલસો કે રાખથી જમીન પર ચિહ્ન પાડવું નહીં, કઠોર પદાર્થનો સ્પર્શ ન કરવો, સૂતી વખતે ઉતર બાજુએ મસ્તક રાખવું નહીં, વ્યાયામ, દુઃખ શોક, શ્રમ, દિવા-શયન, રાત્રિ-જાગરણ કરવું નહીં. ઉપર્યુકત બાબતોનું પાલન કરનાર સ્ત્રીનો પુત્ર દીર્ઘજીવી તથા પ્રતિભાસંપન્ન હોય છે.
પતિનું કર્તવ્ય પત્નીની ઇચ્છાઓને પૂર્ણ કરવાનું છે. યાજ્ઞવલ્કયસ્મૃતિ અનુસાર ગર્ભવતીની ઇચ્છાઓ પૂર્ણ નહીં કરનારનો ગર્ભ દોષયુકત બને છે. આશ્ર્વલાયન સ્મૃતિ અનુસાર ગર્ભના છઠ્ઠા માસ પછી પતિને વાળ કપાવવા, મૈથુન, તીર્થયાત્રા, શ્રાદ્ઘ વગેરેનો ત્યાગ કરવો જોઇએ. મહત્વઃ
આ સંસ્કારના અનુષ્ઠાનથી માતાને ઐશ્ર્વર્ય અને ભાવિ બાળકને દીર્ઘાયુષ્યની પ્રાપ્તી થાય એ ધાર્મિક ઉદેશથી આ સંસ્કાર કરવામાં આવતો. ગર્ભમાં રહેલ બાળકની શુદ્ઘિ, પવિત્રતા અને સલામતીની ભાવના પણ આની પાછળ રહેલી છે.
સામાજીક દ્રષ્ટિએ પણ આ સંસ્કારનું વિશિષ્ટ મહત્વ છે. ગર્ભાધાનથી માંડી જાતકર્મ સુધીના બધા સંસ્કારમાં સીમંતોન્નયન સંસ્કાર મહત્વનો છે. હજી આજે પણ મોટા ભાગના હિંદુ કુટુંબોમાં આ સંસ્કાર સગાં-સંબંધીઓની હાજરીમાં પ્રયોજાય છે, જો કે મોટા ભાગની જ્ઞાતિઓમાં તેનો પદ્ઘતિસરનો ધાર્મિક વિધિ કરવામાં આવતો નથી. કુળના વિશિષ્ટ આચાર અનુસાર એનો વિધિ ઘણી વાર માત્ર સામાજીક પ્રથા તરીકે નાના પાયા પર પતાવવામાં આવે છે.