કષ્ટભંજન દેવનું મંદિર કે જે ગુજરાતના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું છે, તે સાળંગપુરના હનુમાન તરિકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે. મંદિરના ઈષ્ટદેવ કષ્ટભંજન હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગોપાળાનંદ સ્વામીએ કરી હતી.
આ સ્થળ અમદાવાદથી આશરે ૧૫૩ કી.મી દૂર આવેલું છે અને નજીકનું મોટું શહેર બોટાદ છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સંતશ્રી સ્વામી સહજાનંદ ઘણું ખરું ગઢડામાં રહેતા હતા. તેમણે સંપ્રદાયના વડા તરીકે નિયુક્ત કરેલા વડતાલના સ્વામી ગોપાલાનંદ વારંવાર વડતાલથી વડતાલથી ગઢડા પ્રવાસ કરતી વખતે વચ્ચે સાળંગપુરમાં વિશ્રામ કરતા.
સાળંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાચર હંમેશાં સાધુઓની સેવા કરતા. સમય જતાં જીવા ખાચર બાદ તેમના પુત્ર વાઘા ખાચરની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. પરિણામે તે સાધુઓની સેવા કરી શકતા નહીં. સ્વામી ગોપાલાનંદે વાઘાને સાળંગપુરથી પથ્થર લાવવાનું કહ્યું, તેમાં કોલસાથી હનુમાનજીની મૂર્તિ દોરી આપી. વાઘાને સ્વામીજીએ એક શિલ્પી બોલાવી હનુમાનજીની મૂર્તિ કોતરી આપવાનું કહ્યું. સામાન્ય કારીગર પાસે મૂર્તિ કોતરાવી. ત્યાર બાદ સ્વામીજી મૂર્તિને સાળંગપુર લઈ ગયા.
ઈ. સ. ૧૮૫૦માં આ મૂર્તિની સ્થાપના દરબાર વાઘા ખાચરની જમીનમાં કરવામાં આવી. સ્વામી ગોપાલાનંદના મુખ્ય શિષ્ય શુક્રમુનિએ આરતી કરી. સ્વામી ગોપાલાનંદ મૂર્તિની આંખોમાં આંખો પરોવીને આરતી દરમિયાન ઊભા રહ્યા. આરતીના પાંચમા ઝોલા બાદ મૂર્તિ હલવા લાગી. લોકોને અને બધાને લાગ્યું કે ઈશ્વરનો આ મૂર્તિમાં વાસ થયો છે. ત્યાર બાદ સ્વામીજીએ તેજનું પ્રત્યાર્પણ કરવાનું બંધ કર્યું અને લોકો ભગવાન સાથે વાત કરી શકે તેવી શક્તિ પ્રદાન કરી. આમ લોકોનાં દુઃખ-દર્દો દૂર થવા લાગ્યાં અને સાળંગપુરના ભગવાનનું નામ કષ્ટભંજન પડી ગયું.
આ મંદિરમાં ૨૫ફૂટ પહોળો સભામંડપ છે. જેને આરસના પથ્થરથી જડવામાં આવ્યું છે. હનુમાનજીની મૂર્તિ ત્યાં રૂમમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ રૂમનાં બારણાં ચાંદીનાં છે. આ મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે. સાળંગપુર હનુમાનજીના મંદિર પાસે સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર અક્ષર પુરુષોત્તમ સેવા સંસ્થાનનું મંદિર છે. તેમાં સ્વામી સહજાનંદ, સ્વામી યજ્ઞપુરુષદાસજીની પ્રતિમાઓ છે. સ્વામી સહજાનંદ સ્વામીનાં પગલાં છે અને અન્ય મંદિર રાધાકૃષ્ણનું મંદિર છે. આમ, સાળંગપુર હનુમાનજીના મંદિરનું ઘણું મોટું મહત્વ છે.