સપ્તમ અધ્યાય: જ્ઞાનવિજ્ઞાનયોગ શ્ર્લોક નં ૧૧ થી ૨૦
બલં બલવતાં ચાહં કામરાગવિવર્જિતમ્ ।
ધર્માવિરુદ્ધો ભૂતેષુ કામોઽસ્મિ ભરતર્ષભ ॥ ૧૧॥
ગુજરાતી ભાંષાન્તર : હું બળવાનોનું કામ તથા વાસના રહિત બળ છું. હે ભરતશ્રેષ્ઠ અર્જુન, ધર્મના સિદ્ધાંતોની વિરુધ્ધનું ન હોય તેવું જાતીય જીવન હું જ છું. ||૧૧||
યે ચૈવ સાત્ત્વિકા ભાવા રાજસાસ્તામસાશ્ચ યે ।
મત્ત એવેતિ તાન્વિદ્ધિ ન ત્વહં તેષુ તે મયિ ॥ ૧૨॥
ગુજરાતી ભાંષાન્તર : તું જાણી લે કે સર્વ ભાવ, પછી તે સત્વગુણી હોય, રજોગુણી હોય કે તમોગુણી હોય, તે બધા જ મારી શક્તિ દ્વારા પ્રગટ થયેલા છે. એક રીતે હું સર્વ કાંઈ છું, પરંતુ સ્વતંત્ર છું. હું ભૌતિક પ્રકૃતિના ગુણોને અધીન નથી, પણ તેઓ મારે અધીન છે. ||૧૨||
ત્રિભિર્ગુણમયૈર્ભાવૈરેભિઃ સર્વમિદં જગત્ ।
મોહિતં નાભિજાનાતિ મામેભ્યઃ પરમવ્યયમ્ ॥ ૧૩॥
ગુજરાતી ભાંષાન્તર : ત્રણ ગુણો (સત્વ,રજ તથા તમ) દ્વારા મોહ પામેલું આ સમગ્રજગત ગુણાતીત તથા અવિનાશી એવા મને જાણતું નથી. ||૧૩||
દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્યયા ।
મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે ॥ ૧૪॥
ગુજરાતી ભાંષાન્તર : ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોની બનેલી મારી આ દૈવી માયાને જીતવી અત્યંત દુષ્કર છે, પરંતુ જેઓ મને શરણાગત થઇ જાય છે, તેઓ તેને સરળતાથી પાર કરી જાય છે. ||૧૪||
ન માં દુષ્કૃતિનો મૂઢાઃ પ્રપદ્યન્તે નરાધમાઃ ।
માયયાપહૃતજ્ઞાના આસુરં ભાવમાશ્રિતાઃ ॥ ૧૫॥
ગુજરાતી ભાંષાન્તર : જે મનુષ્યો તદ્દન મુર્ખ છે, જેઓ મનુષ્યોમાં અધમ છે, જેમનું જ્ઞાન માયા વડે હણાઈ ગયું છે અને જેઓ અસુરોની નાસ્તિક પ્રકૃતિ ધરાવનારા છે, એવા દુષ્ટોમારું શરણ ગ્રહણ કરતા નથી. ||૧૫||
ચતુર્વિધા ભજન્તે માં જનાઃ સુકૃતિનોઽર્જુન ।
આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ ॥ ૧૬॥
ગુજરાતી ભાંષાન્તર : હે ભરતશ્રેષ્ઠ, ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મારી ભક્તિમય સેવા કરે છે – દુ:ખી, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જે પરમ સત્યના જ્ઞાનની શોધમાં છે તે. ||૧૬||
તેષાં જ્ઞાની નિત્યયુક્ત એકભક્તિર્વિશિષ્યતે ।
પ્રિયો હિ જ્ઞાનિનોઽત્યર્થમહં સ ચ મમ પ્રિયઃ ॥ ૧૭॥
ગુજરાતી ભાંષાન્તર : આમાંનો જે પૂર્ણજ્ઞાની છે અને શુદ્ધ ભક્તિમાં તલ્લીન રહે છે, તે સર્વ શ્રેષ્ઠ છે, કારણ કે હું તેને અત્યંત પ્રિય છું અને તે મને પ્રિય છે. ||૧૭||
ઉદારાઃ સર્વ એવૈતે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ્ ।
આસ્થિતઃ સ હિ યુક્તાત્મા મામેવાનુત્તમાં ગતિમ્ ॥-૧૮॥
ગુજરાતી ભાંષાન્તર : આ બધા ભક્તો નિ:સંદેહ ઉદાર મનવાળા મનુષ્યો છે, પરંતુ જે મનુષ્ય મારા જ્ઞાનમાં સ્થિત થયેલો છે, તેને હું મારા પોતાના આત્મા સમાન ગણું છું, તે મારી દિવ્ય સેવામાં તન્મય રહેતો હોવાથી, તે સર્વોચ્ચ તથા સંપૂર્ણ ધ્યેય એવા મને નિશ્ચિત રૂપે પ્રાપ્ત કરે છે. ||૧૮||
બહૂનાં જન્મનામન્તે જ્ઞાનવાન્માં પ્રપદ્યતે ।
વાસુદેવઃ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભઃ ॥ ૧૯॥
ગુજરાતી ભાંષાન્તર : અનેક જન્મ –જન્માંતરો પછી જે મનુષ્યને ખરેખર થાય છે, તે મને સર્વ કારણોના કારણ જાણી મારે શરણે આવે છે. આવો મહાત્મા અતિ દુર્લભ હોય છે. ||૧૯||
કામૈસ્તૈસ્તૈર્હૃતજ્ઞાનાઃ પ્રપદ્યન્તેઽન્યદેવતાઃ ।
તં તં નિયમમાસ્થાય પ્રકૃત્યા નિયતાઃ સ્વયા ॥ ૨૦॥
ગુજરાતી ભાંષાન્તર : જેમની બુદ્ધિ ભૌતિક ઈચ્છાઓ દ્વારા હણાઈ ગઈ છે, તેઓ દેવોના શરણે જાય છે અને તેઓ પોતપોતાના સ્વભાવ પ્રમાણે પુજાના વિશિષ્ટ વિધિ-વિધાનોને અનુસરે છે. ||૨૦||