સંસ્કારો વિશેની માહિતીના મૂળ સ્ત્રોત
(અ) પ્રથાઓઃ
સંસ્કાર મુખ્યત્વે પ્રાચીન તથા લોકપ્રચલીત પરંપરા અને પ્રથાઓ પર આધારિત હતા. ગૌતમ, બૌધાયન આપસ્તંબ તથા વસિષ્ઠ ધર્મસૂત્ર અને મનુ, યાજ્ઞવલ્કય વગેરે સ્મૃતિઓ બધી પ્રથાઓના પ્રમાણની ગણના કરે છે. ગૃહ્યસૂત્રોના સંકલન પહેલાં સંસ્કારોના આધાર આ પ્રથાઓ હતી. પ્રથાઓ મુખ્ય ત્રણ પ્રકારની હોય છેઃ
(૧) દેશાચારઃ વિશિષ્ટ પ્રદેશોમાં પ્રચલિત પ્રથાઓ, જેમ કે દક્ષીણ ભારતમાં મામાની છોકરી સાથે વિવાહ પ્રચલિત છે, જે બીજે નિષીદ્ઘ છે.
(ર) કુલાચારઃ કૌટુંબીક પ્રથાઓ-જેમ કે શિખાની સંખ્યા અને સ્થાનનો નિશ્ર્ચય સંસ્કાર્ય વ્યકિતના પ્રવરના આધારે કરાય છે. લૌગાક્ષી અનુસાર કમુજા વસિષ્ઠોએ જમણી તરફ અને અત્રિ-કાશ્યપોએ બંને બાજુ શિખા રાખવી જોઇએ.
(૩) જાત્યાચારઃ જાતિમાં પ્રચલિત પ્રથાઓ-જેમ કે રાક્ષસ અને ગાંધર્વ વિવાહ સામાન્ય રીતે ઇચ્છનીય નથી, છતાં ક્ષત્રિયો માટે માન્ય છે.
(આ) વેદોઃ વેદ એ હિંદુ ધર્મનો મૂળ સ્ત્રોત છે. ઋગ્વેદમાં ધાર્મિક વિધિ-વિધાનો સાથે સંબદ્ઘ કેટલાંક વિશિષ્ટ સૂકત ઉપલબ્ધ છે, જેમાં ગર્ભાધાન (10, 183, 184) વિવાહ (10, 85) અને અંતયેષ્ટી (10, 14, 16, 18) સંબંધી ઉલ્લેખો મળે છે.
ઋગ્વેદનાં સૂકતોમાં સંસ્કારોને લગતા વિધ્યાત્મક નિયમોનો નિર્દેશ નથી, પરંતુ એમાં પ્રાસંગિક રૂપે આવતા અનેક સંદર્ભોથી સંસ્કારો પર પ્રકાશ પડે છે. ઋગ્વેદમાં સ્ત્રી, સંતતિ તથા ગાર્હસ્થ્ય જીવન માટે પુત્રપૌત્રાદિ સહીત શતાયુની પ્રાર્થના કરાઇ છે. સંસ્કારોના સામાજીક રૂપ સાથે સંબંધ ધરાવતા અનેક નિર્દેશ પણ ઋગ્વેદમાં ઉપલબ્ધ છે. પ્રસિદ્ઘ સૂર્યાસૂકત (10, 85) માં સૂર્યાના સોમ સાથેના વિવાહનું વર્ણન છે.
ઋગ્વેદ (10, 27, 12)માં ગાંધર્વ વિવાહનો નિર્દેશ છે. ‘એ સુંદર વધુ ભદ્રા હોય છે, જે સુંદર રીતે અલંકૃત બની અનેક પુરૂષોની વચ્ચે સ્વયં પોતાના સાથીનું વરણ કરે છે;’ ઋગ્વેદ (10, 109, 5)માં વિદ્યાર્થી-જીવનની પ્રશંસા કરાઇ છે.
સામવેદના મંત્રોનું ગાન વિવાહ આદિ અવસરો પર થતું. અર્થવવેદમાં વિવાહ (14, 1, 2) અને અંત્યેષ્ટી (18, 4, 4) વિશે એક વિસ્તૃત સૂકત છે. એક સૂકત (11, 3, 5) માં વૈદિક બ્રહ્મચારીની પ્રશંસા કરાઇ છે, ગર્ભાધાનની ચર્ચા પણ કેટલાંક સૂકતો (3, 23, 6, 81) માં કરાઇ છે. ૧૮માં મંડલમાં દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થનાઓ કરાઇ છે. આ પ્રાર્થનાઓ ખાસ કરીને મુંડન, ગોદાન તથા ઉપનયન વગેરે ગૃહ્ય સંસ્કારોના અવસર પર વ્યવહારમાં બોલાય છે. એમાં વિવાહ અને પ્રેમનું વર્ણન કરાયું હોય તેવા સૂકતો પણ છે. એ સૂકતોમાં ગર્ભવતી સ્ત્રી, ગર્ભસ્થ અને નવજાત શિશુ આદિની રક્ષા માટે પ્રાર્થના કરાઇ છે.
(ઇ) બ્રાહ્મણ ગ્રંથોઃ
બ્રાહ્મણ ગ્રંથોમાં શ્રૌતયજ્ઞોના અનુષ્ઠાનના નિયમો તથા યજ્ઞની ક્રિયાઓના અર્થ અને પ્રયોજનનું નિરૂપણ કરેલું છે. એમાં કોઇ કોઇ સ્થળે સંસ્કાર-વિષયક ઉલ્લેખો મળે છે. ગોપથબ્રાહ્મણ (1, 2, 1, 8) માં ઉપનયનનું થોડું વર્ણન મળે છે. શતપથબ્રાહ્મણ (3, 1, 2, 56)માં વિદ્યાર્થીજીવન માટે બ્રહ્મચર્ય શબ્દ પ્રયોજાયો છે. એ (3, 1, 2, 56) માં ગોદાન સંસ્કારનું વર્ણન પણ મળે છે. ઐતરેય અને શતપથબ્રાહ્મણમાં વિદ્યાર્થી માટે ‘અંતેવાસિન્’ શબ્દ પ્રયોજાયો છે. શતપથબ્રાહ્મણમાં ઉપનયન, વેદોનો દૈનિક સ્વાધ્યાય અને અંત્યેષ્ટી વગેરે વિશે પ્રકરણ આપેલાં છે.
(એ) સ્મૃતિઓઃ
સ્મૃતિઓમાં કેટલાંક સંસ્કારો અને એમની નિયામક વિધિઓ અપાઇ છે. એમાં સંસ્કાર કરવાના અધિકાર, નાનાં નાનાં વિધિ-વિધાનો તથા ક્રિયાઓ અને જીવનના વિવિધ અવસરો પણ વિવિધ પૌરાણિક દેવતાઓનું અર્ચન વગેરે વિષયોની ચર્ચા કરાઇ છે. અહીં ‘સંસ્કાર’શબ્દનો પ્રયોગ વ્યકિતત્વની શુદ્ઘિ માટે કરાતા ધાર્મિક કૃત્યના અર્થમાં કરાયો છે. મનુસ્મૃતિ (2, 16, 26, 29, 3, 1, 4) માં ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, જાતકર્મ, નામધેય, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકર્મ, ઉપનયન, કેશાન્ત, સમાવર્તન, વિવાહ અને સ્મશાન એ ૧૩ સ્માર્ત સંસ્કારો ગણાવ્યા છે. યાજ્ઞવલ્કયસ્મૃતિ (1, 2, 3, 8, 2) માં કેશાન્ત સિવાયના ઉપયુર્કત ૧ર સંસ્કારો ગણાવ્યા છે. વ્યાસસ્મૃતિ જેવી અનુકાલિન સ્મૃતિઓમાં સોળ સંસ્કારોનું વર્ણન કરેલું છે.
(ઐ) રામાયણ – મહાભારતઃ
મહાભારતમાં સંસ્કાર સંબંધી તત્વોનો સમાવેશ થયો છે. સંસ્કાર વિશેના ઘણાં પ્રકરણો પરની ટીકાઓમાં અને નિબંધગ્રંથોમાં મહાભારતનાં ઉદાહરણો જોવા મળે છે, રામાયણ જેવા મહાકાવ્યમાં પણ સંસ્કાર સંબંધી ઉલ્લેખો મળે છે. રઘુવંશ, કુમારસંભવ અને ઉતરરામચરિત જેવા લલિત સાહિત્યના ગ્રંથોમાં કેટલાંક સંસ્કારોને લગતા પ્રસંગોનું નિરૂપણ કરાયું છે કે એના નિર્દેશ કરાયા છે.
(ઓ) પુરાણોઃ
પુરાણો હિંદુઓનાં ધાર્મિક વિધિ-વિધાન, પ્રથાઓ અને વ્રતોનું નિરૂપણ કરે છે અને એ રીતે સંસ્કારોના અનેક અંગો પર પ્રકાશ પાડે છે. સ્મૃતિઓની જેમ પુરાણોમાં પણ સંસ્કારો સાથે સંબંધિત અનેક બાબતોનું વર્ણન મળે છે. માર્કણ્ડેય, વિષ્ણુધર્મોતર, કૂર્મ અને ગરુડ જેવાં પુરાણોમાં શ્રાદ્ઘ-વિષયક માહિતી મળે છે.
(ઔ) નિબંધ-ગ્રંથોઃ
મધ્યકાલીન નિબંધગ્રંથોમાં સંસ્કારોનું નિરૂપણ કરાયું છે. દેવલ ભટ્ટ ઉપાધ્યાય (લગ. ઇ.સ. ૧૧૫૦-૧રર૫) વિરચિત स्मृतिचन्द्रिका ના સંસ્કાર-કાંડમાં ગર્ભધાન, પુંસવન, જાતકર્મ, નામકરણ, ચૂડાકરણ, ઉપનયન, વિવાહ વગેરે સંસ્કારોનું વર્ણન આવે છે.
શ્રીધર (પ્રાયઃ ઇ.સ. ૧૧૫૦-૧ર૦૦) ના स्मृत्यर्थसार માં સંસ્કારવિષયક માહિતી મળે છે. એમાં ઉપનયન સંસ્કારનું અલગ વર્ણન છે.
નારાયણ ભટ્ટે (પ્રાયઃ ઇ.સ. ૧૫૧૩-૧૫૭૦) अंत्येष्टि पद्धति અને प्रयोगरत्न જેવા ગ્રંથ રચ્યા. प्रयोगरत्न માં ગર્ભાધાનથી વિવાહ સુધીના રપ સંસ્કારોનું વર્ણન છે.
નીલકંઠ ભટ્ટ (ઇ.સ. ૧૬૧૦-૧૬૪૫) કૃત व्यवहारमयूख ના એક ભાગ संस्कारमयूख માં સંસ્કારોની સંખ્યા દર્શાવી ગર્ભાધાન, પુંસવન, જાતકર્મ, નામકરણ, ચૂડાકરણ, ઉપનયન, સમાવર્તન અને વિવાહ સંસ્કાર વિશે વિધિ-વિધાન આપેલાં છે. વિવાહના પ્રકારો, ગોત્ર, પ્રવર, સપીંડ સંબંધ વગેરે વિશે પણ માહિતી આપેલી છે.
સિદ્ઘેશ્ર્વર (પ્રાયઃ ઇ.સ. ૧૬૩૦-૧૬૭૦) ના संस्कारभास्कर માં રપ સંસ્કારો વિશે માહિતી મળે છે.
મિત્રમિશ્ર (ઇ.સ. ની ૧૭મી સદીનો આરંભ)ના वीरमित्रोदय ગ્રંથના એક વિભાગ संस्कारप्रकश માં સંસ્કારોની સંખ્યા રપ ગણાવી ગર્ભાધાન, પુંસવન, અનવલોભન, સીમંતોન્નયન, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ, ઉપનયન, વિવાહ વગેરેનું વિગતે વર્ણન કરે છે.
અનન્તદેવ (ઇ.સ. ૧૭મી સદીનો ઉતરાર્ધ)ના संस्कारकौस्तुभ માં ૧૬ સંસ્કારોનું વર્ણન છે. એમાં ગર્ભાધાન, પુંસવન, અનવલોભન, સીમંતોન્નયન, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, કર્ણવેધ, ચૌલ, ઉપનયન, સમાવર્તન વિવાહ જેવા સંસ્કારોનો સમાવેશ થાય છે. ભીમસેન શર્માના षोदशसंस्काअविधि ગ્રંથમાં સંસ્કારોની સંખ્યા ૧૬ની નિરૂપાઇ છે.