સંસ્કારોના ઉદેશ
પ્રાચીન સમયથી હિંદુઓની એ માન્યતા રહી છે કે મનુષ્ય ચારે બાજુથી અતિમાનવ તત્વોથી ઘેરાયેલો છે, જે ખરાબ અને સારું કરવાની શકિત ધરાવે છે. આ તત્વો જીવનમાં કોઇ પણ મહત્વપૂર્ણ પ્રસંગે વ્યકિતના જીવનમાં સ્ખલન ઊભાં કરી શકે છે. આથી આ અમંગલકારી પ્રભાવોના નિરાકરણ માટે સંસ્કારોની આવશ્યકતા રહેલી છે.
અશુભ પ્રભાવોના પ્રતીકાર માટે અશુભ શકિતઓની સ્તુતિ કરાય છે, એમને બલિ અને ભોજન અપાય છે. સ્ત્રીની સગર્ભાવસ્થા, શિશુજન્મ, શૈશવ વગેરે સમયે પણ આ પ્રકારની પ્રાર્થના કરવામાં આવતી.
પ્રત્યેક સંસ્કાર વખતે આશીર્વાદ આપવા માટે દેવતાઓની પ્રાર્થના કરાય છે; જેમ કે ગર્ભાધાન સમયે વિષ્ણુનું, ઉપનયન સમયે બૃહસ્પતિનું અને વિવાહ સમયે પ્રજાપતિનું આહવાન થાય છે. આ ઉપરાંત શુભ પદાર્થોના સ્પર્શથી મંગલ પરિણામની આશા રખાતી. સીમંતોન્નયન સંસ્કાર વખતે ઉદુમ્બર વૃક્ષની શાખાનો પત્નીના ગળા સાથે સ્પર્શ કરાવાતો. પુત્રપ્રાપ્તીની ઇચ્છા રાખતી માતાને દધિમિશ્રિત દ્વિદલ ધાન્યો સાથે જવનો દાણો ખાવો આવશ્યક મનાતો. સંતતિ-પ્રજનન માટે પત્નીના નાકના જમણા છિદ્રમાં વટવૃક્ષનો રસ નંખાતો.
ભૌતિક ઉદેશઃ
સંસ્કારોનો ભૌતિક ઉદેશ ધન,ધાન્ય, પશુ, સંતાન, દીર્ઘજીવન, સંપતિ, સમૃદ્ઘિ, શકિત અને બુદ્ઘિની પ્રાપ્તીનો હતો. હિંદુ માન્યતા અનુસાર આરાધના અને પ્રાર્થનાઓથી દેવો રીઝતા અને ભૌતિક સંપતિના રૂપમાં આકાંક્ષાઓની પૂર્તિ કરતા. જીવનની વિવિધ ઘટનાઓને લીધે ઉત્પન્ન થતા હર્ષ અને શોકને પ્રદર્શિત કરવા સંસ્કારોનું અનુષ્ઠાન કરાતું. વિવાહ એ માનવજીવનનો સહુથી વિશેષ આનંદદાયક પ્રસંગ હતો. સંતાન-પ્રાપ્તીના સમયે પિતાને અત્યંત આનંદ થતો. અંતયેષ્ટી એ શોકનો અવસર હતો. સાંસ્કૃતિક ઉદેશઃ સંસ્કારોના સાંસ્કૃતિક પ્રયોજનરૂપે સંસ્કારોમાં ધર્મ અને પવિત્રતાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. મનુના જણાવ્યા અનુસાર ગર્ભાધાન, જાતકર્મ, ચૂડાકર્મ અને ઉપનયન સંસ્કાર કરવાથી બ્રાહ્મણોના ગર્ભ તથા બીજ સંબંધી દોષ દૂર થાય છે. બ્રાહ્મણોએ ગર્ભાધાન વગેરે શારીરિક સંસ્કાર વૈદિક કર્મો અનુસાર કરવા જોઇએ, જે આ લોક અને પરલોકને પવિત્ર બનાવે છે.