સંસ્કાર એ જગતના કોઇ પણ ધર્મનું મહત્વપૂર્ણ અંગ છે.
સંસ્કાર (સંસ્કારની ધાર્મિક વિધિ) એ જગતના કોઇ પણ ધર્મનું અને તેમાંયે ખાસ કરીને હિંદુ ધર્મનું મહત્વપૂર્ણ અંગ છે. ઇતિહાસના પ્રારંભથી સંસ્કારો ધાર્મિક તથા સામાજિક એકતાનું પ્રભાવક માધ્યમ રહ્યા છે. સંસ્કારોનો સંબંધ સંપૂર્ણ જીવન સાથે હોવાથી કોઇ પણ સંસ્કૃતિને પૂર્ણ રૂપથી સમજવા માટે સંસ્કારોનું અધ્યયન મહત્વપૂર્ણ છે.
‘સંસ્કાર’નો અર્થઃ
‘સંસ્કાર’ શબ્દની વ્યુપતિ સંસ્કૃત सम+कृ માંથી થઇ છે, જેનો અર્થ શુદ્ઘ કરવું, પવિત્ર કરવું,સંસ્કરણ કરવું એવો થાય છે. અંગ્રેજી Ceremony અને લેટિન Caerimonia (Sanctity) શબ્દ દ્વારા સંસ્કારનો અર્થ પૂર્ણતયા સમજાવતો નથી. Ceremony શબ્દનો અર્થ કર્મ કે ધાર્મિક ક્રિયા એટલો જ થાય છે, જયારે સંસ્કારનો અર્થ બાહ્ય ધાર્મિક ક્રિયાઓ, વિધિ-વિધાનો તથા કર્મકાંડ જ નથી, પરંતુ એનો અર્થ ‘પ્રાગ-જન્મથી માંડીને અનુ-મૃત્યુ સુધીના માનવજીવનના જુદા જુદા મહત્વના તબક્કાઓએ એના અંગત શારીરિક તથા માનસિક ઉત્કર્ષ માટે કરાતાં ધાર્મિક વિધાન’ એવો થાય છે.
जन्मना जायते शूद्र: संस्काराद द्विज उच्यते
જન્મથી માણસ શૂદ્ર હોય છે, સંસ્કારોથી દ્વિજ થાય છે. જેનાથી માણસની રહેણીકરેણી, લાગણી, બુદ્ઘિ-બધું સમાજમાં દીપી ઉઠે અને માણસમાં સમાજહિતલક્ષી અને આધ્યાત્મિક ગુણો વધે એનું નામ સંસ્કાર.
‘સંસ્કાર’ શબ્દ પ્રાચીન વૈદિક સાહિત્યમાં જોવા મળતો નથી. ઋગ્વેદમાં संस्कृत શબ્દ ધર્મ માટે પ્રયોજાયો છે, શતપથ બ્રાહ્મણમાં संस्कृत શબ્દ ‘સુગઠીત’ એવા અર્થમાં પ્રયોજાયો છે. શતપથ બ્રાહ્મણનાં વિશેષ પ્રકરણોમાં ઉપનયન, અંત્યેષ્ટી વગેરે કેટલાક સંસ્કારોનાં અંગોનું વર્ણન કરાયું છે. છાંદોગ્ય ઉપનિષદમાં संस्करोति શબ્દ ‘સંસ્કારવા’ના અર્થમાં વપરાયો છે. જૈમિનિનાં સૂત્રોમાં આ શબ્દ ‘યજ્ઞમાં કરવામાં આવતા પવિત્ર કે નિર્મળ કાર્ય’ના અર્થમાં અનેકવાર પ્રયોજાયો છે. જૈમિનિના એક સૂત્રમાં ‘સંસ્કાર’ શબ્દ ઉપનયન માટે વપરાયો છે. તંત્રવાર્તિક અનુસાર ‘સંસ્કાર એવી ક્રિયા છે, જે બે પ્રકારની યોગ્યતા પ્રદાન કરે છેઃ પાપમુકિતમાંથી ઉત્પન્ન યોગ્યતા અને નવીન ગુણોથી ઉત્પન્ન યોગ્યતા. મીમાંસકો આ શબ્દનો પ્રયોગ અગ્નિમાં આહુતિ આપતાં પહેલાં યજ્ઞીય સામગ્રીની સજાવટના અર્થમાં કરે છે.