ષષ્ઠ અધ્યાય: આત્મસંયમયોગ શ્ર્લોક નં ૧૧ થી ૨૩
શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ।
નાત્યુચ્છ્રિતં નાતિનીચં ચૈલાજિનકુશોત્તરમ્।।૧૧।।
તત્રૈકાગ્રં મનઃ કૃત્વા યતચિત્તેન્દ્રિયક્રિયઃ।
ઉપવિશ્યાસને યુઞ્જ્યાદ્યોગમાત્મવિશુદ્ધયે।।૧૨।।
ગુજરાતી ભાષાંન્તર ઃ યોગાભ્યાસ કરવા માટે મનુષ્યે એકાંત સ્થાનમાં જઈને ભૂમિ પર કુશ ઘાસ પાથરવું અને પછી તેને મૃગચર્મથી ઢાંકી ઉપર સુંવાળું વસ્ત્ર પાથરવું. આસન બહુ ઊંચું કે બહુ નીચું ન હોવું જોઈએ, અને તે પવિત્ર સ્થાનમાં હોવું જોઈએ. પછી યોગીએ તેની ઉપર સુસ્થિર થઈને બેસવું જોઈએ અને મન, ઇન્દ્રિયો તથા કાર્યોને વશમાં કરીને તથા મનને એક બિંદુ પર સ્થિર કરીને, હૃદયને શુદ્ધ કરવા માટે યોગાભ્યાસ કરવો જોઈએ. ||૧૧,૧૨||
સમં કાયશિરોગ્રીવં ધારયન્નચલં સ્થિરઃ।
સંપ્રેક્ષ્ય નાસિકાગ્રં સ્વં દિશશ્ચાનવલોકયન્।।૧૩।।
પ્રશાન્તાત્મા વિગતભીર્બ્રહ્મચારિવ્રતે સ્થિતઃ।
મનઃ સંયમ્ય મચ્ચિત્તો યુક્ત આસીત મત્પરઃ।।૧૪।।
ગુજરાતી ભાષાંન્તર ઃ યોગીએ પોતાનું શરીર, ગરદન તથા માથું સીધું ટટ્ટાર રાખવું જોઈએ અને નાકના અગ્રભાગ પર દ્રષ્ટિ સ્થિર રાખવી જોઈએ. આ પ્રમાણે તે સ્થિર તથા સંયમિત મનથી ભયરહિત તથા વિષયી–જીવનથી પૂર્ણ રીતે મુક્ત થઇને, મનુષ્યે અંત:કરણમાં મારું ચિંતન કરવું જોઈએ અને મને જ પોતાનું અંતિમ ધ્યેય માનવું જોઈએ. ||૧૩,૧૪||
યુઞ્જન્નેવં સદાત્માનં યોગી નિયતમાનસઃ।
શાન્તિં નિર્વાણપરમાં મત્સંસ્થામધિગચ્છતિ||૧૫||
ગુજરાતી ભાષાંન્તર ઃ એ પ્રમાણે શરીર, મન તથા કર્મમાં હરહંમેશ સંયમનો અભ્યાસ કરતો સંયમિત મનવાળો યોગી, આ ભૌતિક અસ્તિત્વ સમાપ્ત થયે ભગવદધામ (અથવા કૃષ્ણલોક) ને પ્રાપ્ત કરે છે. ||૧૫||
નાત્યશ્નતસ્તુ યોગોસ્તિ ન ચૈકાન્તમનશ્નતઃ।
ન ચાતિસ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જુન||૧૬||
ગુજરાતી ભાષાંન્તર ઃ જે મનુષ્ય અતિશય આહાર લે છે અથવા બિલકુલ આહાર લેતો નથી, અતિશય ઊંઘે છે કે પૂરી ઊંઘ લેતો નથી, તેને માટે યોગી થવાની શક્યતા નથી. ||૧૬||
યુક્તાહારવિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ।
યુક્તસ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખહા||૧૭||
ગુજરાતી ભાષાંન્તર ઃ જે મનુષ્ય આહાર, વિહાર, નિંદ્રા તથા કાર્ય કરવાની આદતોમાં નિયમિત રહે છે, તે યોગાભ્યાસ દ્વારા સર્વ ભૌતિક દુ:ખોને નષ્ટ કરી શકે છે. ||૧૭||
યદા વિનિયતં ચિત્તમાત્મન્યેવાવતિષ્ઠતે।
નિઃસ્પૃહઃ સર્વકામેભ્યો યુક્ત ઇત્યુચ્યતે તદા||૧૮||
ગુજરાતી ભાષાંન્તર ઃ જ્યારે યોગી યોગાભ્યાસ દ્વારા પોતાનાં માનસિક કાર્યોને સંયમિત કરી લે છે અને અધ્યાત્મમાં સ્થિત થઇ જાય છે, અર્થાત સર્વ ભૌતિક ઈચ્છાઓથી રહિત થઇ જાય છે, ત્યારે તે યોગમાં સુસ્થિર થયેલો કહેવાય છે. ||૧૮||
યથા દીપો નિવાતસ્થો નેઙ્ગતે સોપમા સ્મૃતા।
યોગિનો યતચિત્તસ્ય યુઞ્જતો યોગમાત્મનઃ ||૧૯||
ગુજરાતી ભાષાંન્તર ઃ જેવી રીતે વાયુરહિત સ્થાનમાં દીવો અસ્થિર થતો નથી, તેવી જ રીતે જે યોગીનું મન વશમાં હોય છે, તે દિવ્ય આત્માના ધ્યાનમાં સદા સ્થિર રહે છે. ||૧૯||
યત્રોપરમતે ચિત્તં નિરુદ્ધં યોગસેવયા।
યત્ર ચૈવાત્મનાત્માનં પશ્યન્નાત્મનિ તુષ્યતિ।।૨૦।।
સુખમાત્યન્તિકં યત્તદ્બુદ્ધિગ્રાહ્યમતીન્દ્રિયમ્।
વેત્તિ યત્ર ન ચૈવાયં સ્થિતશ્ચલતિ તત્ત્વતઃ।।,૨૧।।
યં લબ્ધ્વા ચાપરં લાભં મન્યતે નાધિકં તતઃ।
યસ્મિન્સ્થિતો ન દુઃખેન ગુરુણાપિ વિચાલ્યતે।।૨૨।।
તં વિદ્યાદ્ દુઃખસંયોગવિયોગં યોગસંજ્ઞિતમ્।
સ નિશ્ચયેન યોક્તવ્યો યોગોનિર્વિણ્ણચેતસા।।૨૩।।
ગુજરાતી ભાષાંન્તર ઃ જેને સમાધિ કહેવામાં આવે છે એ પૂર્ણ અવસ્થામાં, મનુષ્યનું મન યોગાભ્યાસ દ્વારા ભૌતિક માનસિક ક્રિયાઓથી પૂરેપૂરું સંયમિત થઇ જાય છે. આ સિદ્ધિનું વિશિષ્ટ લક્ષણ એ છે કે, મનુષ્ય શુદ્ધ મનથી પોતાને જોઈ શકે છે અને પોતાની અંદર આનંદ માણી શકે છે. તે આનંદાવસ્થામાં, મનુષ્ય દિવ્ય ઇન્દ્રિયો દ્વારા અનુભવાતા અપાર દિવ્ય સુખમાં સ્થિત રહે છે.
એ રીતે પ્રસ્થાપિત થયેલો મનુષ્ય કદાપિ સત્યથી જુદો પડતો નથી અને આ સુખની પ્રાપ્તિ પછી આનાથી મોટો કોઈ લાભ હોય એમ તે માનતો નથી. આવી સ્થિતિ પામીને મનુષ્ય મોટામાં મોટી વિપત્તિમાં પણ વિચલિત થતો નથી. ખરેખર સમાધિની આ અવસ્થા એ જ ભૌતિક સંસર્ગમાંથી ઉપજતાં સર્વ દુ:ખોમાંથી પ્રાપ્ત થતી વાસ્તવિક મુક્તિ છે. ||૨૦,૨૧,૨૨,૨૩||