ષષ્ઠ અધ્યાય: આત્મસંયમયોગ શ્ર્લોક નં ૧ થી ૧૦
ષષ્ઠ અધ્યાય: આત્મસંયમયોગ
શ્રી ભગવાનુવાચ
અનાશ્રિતઃ કર્મફલં કાર્યં કર્મ કરોતિ યઃ।
સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન ચાક્રિયઃ||૧||
ગુજરાતી ભાષાંન્તર ઃ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા : જે મનુષ્ય પોતાનાં કર્મના ફળ પ્રતિ અનાસક્ત છે અને જે પોતાનાં કર્તવ્યાનુસાર કર્મ કરે છે, તે સંન્યાસી છે તથા તે જ સાચો યોગી પણ છે, અને નહીં કે જે અગ્નિ પ્રગટાવતો નથી અને કર્તવ્ય કર્મ કરતો નથી. ||૧||
યં સંન્યાસમિતિ પ્રાહુર્યોગં તં વિદ્ધિ પાણ્ડવ।
ન હ્યસંન્યસ્તસઙ્કલ્પો યોગી ભવતિ કશ્ચન||૨||
ગુજરાતી ભાષાંન્તર ઃ હે પાંડુપુત્ર, જે સંન્યાસ કહેવાય છે, તેને જ તું યોગ અર્થાત પરમબ્રહ્મ સાથે યુક્ત થવું જાણ. કારણ કે ઇન્દ્રિયતૃપ્તિ માટેની ઈચ્છાનો ત્યાગ કર્યા વિના, કોઈ મનુષ્ય કદાપિ યોગી થઇ શકે નહિ. ||૨||
આરુરુક્ષોર્મુનેર્યોગં કર્મ કારણમુચ્યતે।
યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે||૩||
ગુજરાતી ભાષાંન્તર ઃ અષ્ટાંગ યોગમાં નવોદિત સાધક માટે કર્મ એ સાધન કહેવાય છે, અને યોગમાં ઉન્નત થયેલા મનુષ્ય માટે સર્વ ભૌતિક કાર્યોનો ત્યાગ એ જ સાધન કહેવાય છે. ||૩||
યદા હિ નેન્દ્રિયાર્થેષુ ન કર્મસ્વનુષજ્જતે।
સર્વસઙ્કલ્પસંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે ||૪||
ગુજરાતી ભાષાંન્તર ઃ જ્યારે, મનુષ્ય સર્વ ભૌતિક કામનાઓનો ત્યાગ કરીને ન તો ઇન્દ્રિયતૃપ્તિ માટે કાર્ય કરે છે ,અને ન તો સકામ કર્મોમાં પરોવાય છે, ત્યારે તેને યોગમાં ઉન્નત થયેલો કહેવાય છે. ||૪||
ઉદ્ધરેદાત્મનાત્માનં નાત્માનમવસાદયેત્।
આત્મૈવ હ્યાત્મનો બન્ધુરાત્મૈવ રિપુરાત્મનઃ||૫||
ગુજરાતી ભાષાંન્તર ઃ મનુષ્યે પોતાના મનની સહાયતાથી પોતાનો ઉધ્ધાર કરવો જોઈએ અને પોતાનું પતન થવા દેવું ન જોઈએ. આ મન, બદ્ધ જીવનું મિત્ર પણ છે અને શત્રુ પણ છે. ||૫||
બન્ધુરાત્માત્મનસ્તસ્ય યેનાત્મૈવાત્મના જિતઃ।
અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેતાત્મૈવ શત્રુવત્||૬||
ગુજરાતી ભાષાંન્તર ઃ જેણે મન પર વિજય મેળવ્યો છે, તેને માટે મન એ સર્વશ્રેષ્ઠ મિત્ર છે, પણ જે આમ કરવામાં નિષ્ફળ નીવડયો છે, તેને માટે મન એ સૌથી મોટો શત્રુ બની રહે છે. ||૬||
જિતાત્મનઃ પ્રશાન્તસ્ય પરમાત્મા સમાહિતઃ।
શીતોષ્ણસુખદુઃખેષુ તથા માનાપમાનયોઃ||૭||
ગુજરાતી ભાષાંન્તર ઃ જેણે મનને જીત્યું છે તેને માટે પરમાત્મા પ્રાપ્ત થયેલા જ છે, કારણ કે તેણે શાંતિ પ્રાપ્ત કરેલી છે. આવા પુરુષ માટે સુખ-દુ:ખ, ઠંડી-ગરમી અને માન અપમાન એકસમાન જ હોય છે. ||૭||
જ્ઞાનવિજ્ઞાનતૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિયઃ।
યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાશ્મકાઞ્ચનઃ||૮||
ગુજરાતી ભાષાંન્તર ઃ મનુષ્ય જ્યારે મેળવેલા જ્ઞાન તથા સાક્ષાત્કાર દ્વારા પુરેપુરો સંતુષ્ટ થઇ જાય છે, ત્યારે તે આત્મ-સાક્ષાત્કારમાં સ્થાપિત થયેલો તથા યોગી કહેવાય છે. આવો મનુષ્ય, અધ્યાત્મમાં સ્થિત તથા જિતેન્દ્રિય હોય છે. તે સર્વ વસ્તુઓને એકસમાન દ્રષ્ટિએ જુએ છે ભલે પછી તે કાંકરા હોય, તે પથ્થર હોય કે સુવર્ણ હોય. ||૮||
સુહૃન્મિત્રાર્યુદાસીનમધ્યસ્થદ્વેષ્યબન્ધુષુ।
સાધુષ્વપિ ચ પાપેષુ સમબુદ્ધિર્વિશિષ્યતે||૯||
ગુજરાતી ભાષાંન્તર ઃ જ્યારે મનુષ્ય સાચા શુભેચ્છકોને, પ્રિય મિત્રોને, તટસ્થ લોકોને, મધ્યસ્થી કરનારાઓને, દ્વેષી જનોને, શત્રુઓને તથા મિત્રોને, પાપી તથા પુણ્યાત્માઓને, સમાન ભાવે જુએ છે, ત્યારે તેને હજી વધારે ઉન્નત થયેલો માનવામાં આવે છે. ||૯||
યોગી યુઞ્જીત સતતમાત્માનં રહસિ સ્થિતઃ।
એકાકી યતચિત્તાત્મા નિરાશીરપરિગ્રહઃ||૧૦||
ગુજરાતી ભાષાંન્તર ઃ અધ્યાત્મવાદીએ પોતાનાં શરીર, મન તથા આત્માને હંમેશા પરમેશ્વરમાં તલ્લીન રાખવા જોઈએ. તેણે એકાંત સ્થળે એકલા રહેવું જોઈએ તથા બહુ સાવધાનીપૂર્વક પોતાના મનને હંમેશા વશમાં રાખવું જોઈએ. તે કામનાઓથી તથા સંગ્રહવૃતિથી રહિત હોવો જોઇએ. ||૧૦||