શ્રી દત્તાત્રેયના ૨૪ ગુરૂ
ગુરૂદત્તાત્રેયે જડ તથા ચૈતન્ય પદાર્થમાંથી સારા ગુણધર્મ ઉતારી તેન ગુરૂ રૂપે સ્થાપ્યા.અને જગતને પરમાત્માનું માર્ગદર્શન આપ્યું આવાં મહામાનવી એ તેમના ૨૪ ગુરૂ ગણ્યાં હતાં.
૧ ધરતીઃ
પ્રથમ ગુરૂ ધરતીમાતાને કહે છે કે શરીરનો કચરો ધરતી માતાને આપીએ છીએ તે ધરતી તેમનું ખાતર બનાવી આપને સુંદર મજાનો ખોરાક આપે છે. એક દાણો નાખી અનેક દાણા આપે છે. તમે તેમનાં પર ચાલો, કુદો અથવા ખોદો છતાં પણ તમારા કલ્યાણની ભાવના ધરતી માતા તમારા ઉપર રાખે છે. તમે બીજા પ્રત્યે કલ્યાણની ભાવના રાખી અને તમારી હૃદયની ભાવના કલ્યાણમય બનાવો.
૨ આકાશઃ
સમગ્ર બ્રહ્માંડ આકાશમાં સ્થિર છે. કોઈપણ જગ્યાએથી આકાશ જોવો સરખુ જોવા મળશે. આકાશ સુર્યને જવા દેવાનો માર્ગ કરી આપે છે અને તારાઓ પણ આકાશમાં થાળ બની રહે છે. આકાશ કોઈ તારા કે નક્ષત્રનો ભેદ નથી રાખતો. આકાશ સર્વને ટેકો આપે છે અને પોતાની તાકાત મુજબ ચમકાવે છે તેવી રીતે જીવન ચૈતન્ય શિલતાની અંદર ચમક આપવી અને સુર્યના પ્રકાશની જેમ પ્રકાશ પાથરવો એટલે આકાશમાં અવકાશીપણાનો ગુણ છે જે અવીનાશી છે.
૩ જલઃ
જલ જ્યારે વરસાદ રૂપી મીઠું પાણી પૃથ્વી ઉપર વરસે ત્યારે તમને કોઈ દ્રષ્ટિભેદ નથી હોતો તે ગરીબ અને તવંગર છોડ, પાક, અનાજ વગેરે માટે તમારા કલ્યાણની ભાવના સાથે વરસાદ વરસે છે. તેથી મનુષ્યનું જીવન આનંદદાયક બને છે. આમ જ્યારે જીવનમાં પરોપકારી ભાવના કેળવીએ ત્યારે જીવન આનંદદાયક બની જાય છે. તેથી સ્નેહતા કેળવવી અને બીજાને ઉપયોગી બનવું.
૪ વાયુદેવઃ
વાયુ દરેક વ્યક્તિને જીવવા માટે જરૂરી છે. જીવન ટકાવવા માટે વાયુ જરૂરી છે. તે કોઈપણ જાતની પરોપકારની ભાવના વિહિન મનુષ્ય ને વાયુ આપે છે. છોડને પણ જરૂરી વાયુ આપે છે. વાયુદેવની સરખો દ્રષ્ટિ કોણ રાખી જરૂરીયાત મુજબ હવા આપે છે. તેથી તેમની પાસે સ્પંદતાનો ગુણ છે. આપણે જોઇએ તેટલું બીજાને અર્પણ કરવાની ભાવના કેળવવી.
૫ અગ્નિદેવઃ
અગ્નિ પોતાની સ્વયં તાકાત ઉત્પન્ન કરી અને કઠોરમાં કઠોર વસ્તુ ને પણ પીગાળી નાખે છે. અને નરમ બનાવી નાખે છે. તેવી રીતે જીવનની અંદર કઠોર પ્રસંગ પણ અગ્નિની જેમ મૃદુ બનાવી નાખીએ. કોઈપણ વ્યક્તિ પ્રત્યે ભેદ ન રાખી અને મૃદુતા રાખીએ. અગ્નિ પોતાની ઉષ્ણતા ક્યારેય છોડે નહીં અને તેના દ્વારા નરમ બનાવે તેમ જીવનની અંદર નમ્રતા લાવવી અને કઠોરતા ત્યાગ કરી દેવી.
૬ ઈયળઃ
ઈયળ પાક ઉપર અથવા ફુલ ઉપર હોય ત્યારે ભ્રમરી ઈયળને ડંખ મારે છે છતા ઇયળ ભમરીનું જ ઘ્યાન ધરીને પોતે ભમરી બને છે. તેવી રીતે જીવન ભર ભગવાન પ્રાપ્તિ માટે અનેક વિધ્ન આવે છતાં પણ મનુષ્યએ તે વિધ્ન દુર કરી બ્રહ્મની અંદર મન પરોવવું. બ્રહ્મ સ્વરૂપમાં ચિત પરોવી પરમાત્મા મય હૃદય બને. જેમ ઇયળમાંથી ભ્રમરી બને તેમ જીવન અને પરમાત્મા એક બને છે.
૭ ચંદ્રઃ
ચંદ્રને ગુરૂ માનવાનું કારણ અમાસે ચંદ્ર લય પામે અને પૂનમે પુર્ણ કળાએ ખીલે છે તેવી રીતે જીવન તમારું સુખ અને દુઃખમાં લય પામે અને પ્રકાશીત બને જેમ ચંદ્ર લય અને વૃઘ્ધિની અંદર મોહ નથી પામતો તેમ તમો જીવનની અંદર સુખ અને દુઃખ રૂપી લય અને વૃઘ્ધિ થાય ત્યારે કોઈપણ જાતનો શોક ન કરતા તેને ઇશ્વરનો ક્રમ ગણવો જીવનનો ચડાવ ઉતાર માત્ર જીવનક્રમ ગણવો અને તેથી મોહિત ન થવું.
૮ સૂર્યઃ
સૂર્ય નારાયણ પૃથ્વીના સર્વ જીવાત્મા તથા સજીવ વનસ્પતિ વગેરેનું કલ્યાણ કરવા માટે સમદ્રષ્ટિ રાખી અને તાપ આપે છે. સુર્ય પોતાનાં તાપની અંદર કોઈ ભેદ નથી રાખતા તેવી રીતે સંતો પોતાનું જ્ઞાન સર્વકોઈને ભેદ વગર આપે છે. જીવનની અંદર કંઈ પણ મેળવો તે ભેદ રાખ્યા વગર સમદ્રષ્ટિ કોણ રાખી અર્પણ કરો જેથી સમાજને કામ આવે.
૯ કબૂતરઃ
કબુતરને તમો જ્યાં ચણ નાખો ત્યાં તે ચણ ખાવા પોતાની માયા થકી આવશે અને જીવન પર્યંત માયા ત્યાગશે નહી. જે વિષય લીધો તેમને જીવન પર્યંત વળગી રહે. મનુષ્ય પોતાના કુટુંબની માયાની અંદર ઓતપ્રોત થાય અને જે વિષયનાં નિષ્ણાંત બન્યા જે ભણતર, ધંધો, વિદ્યાપ્રાપ્ત કરી દ્રવ્ય કમાવાનું ચાલુ કર્યું તે વ્યવસાય ને જીવનભર માયા થકી કરશે તે માયાને ત્યાગી, સેવાની અંદર માયા લગાડવી. જે બીન ઉપયોગી છે તે ત્યાગી અને સેવાની માયામાં મન પરોવવું જેથી કલ્યાણમય બની શકાય.
૧૦ અજગરઃ
અજગર બેથી ત્રણ મહિને ખોરાક લેવા બહાર નીકળે છે. અજગર પોતાનો ખોરાક મળી જતાં સંતોષ માની અને પાછો દરમાં ચાલ્યો જાય છે. હવા, પાણી, ખોરાક, પ્રકાશ વગેરે વસ્તુને સાચવીને પોતે ત્રણ માસ સુધી પોતાનું જીવન ટકાવી રાખે છે. તેવી રીતે સંતોએ પોતાનું જીવન પર્યાપ્ત વસ્તુ મેળવી જીવન ટકાવી રાખવું. અને કલ્યાણકારી ભાવના જ્ઞાન રૂપી ચિંતન તમારા જીવનમાં રાખી કોઈપણ વસ્તુ વિનાં ચલાવતાં શીખો તથા જ્ઞાનનું ચિંતન કરતા શીખો.
૧૧ સમુદ્રઃ
સમુદ્રની અંદર ચંદ્રનાં પ્રકાશથી ભરતી ઓટ આવે છે તથા સમુદ્રની લેહર ઉત્પન્ન થઇ બીજી મોટી લહેર આવે ત્યારે આગલી લહેરને અંદર સમાવી લે છે તેવી રીતે મનમાં વિચારો સારા ખરાબ આવ્યા જ કરે તેનો અમલ ન કરતાં જેવી રીતે લહેર સમુદ્રની અંદર સમાય જાય તેમ મનનાં વિચારો મનમાં સમાવી જીવન કલ્યાણમયી બનાવવું. સમુદ્ર જેવી રીતે જગતની દરેક નકામી વસ્તુ, કચરો, નદીનું પાણી વગેરે સમાવી લે છે. તેવી રીતે જીવનનાં સર્વ કાર્ય શરીરમાં સમાવી લેવાની ભાવના રાખવી અને મંગલ મય ભાવનાની તરંગો સમાજને આપવી.
૧૨ પતંગીયુંઃ
પંતગીયુ ઉડતું ઉડતું અગ્નિને જોઈ અને અગ્નિથી મોહિત થઇ જાય છે અને તેમાં પડી અને બળી જાય તેવી રીતે મનુષ્ય માયાનાં મોહથી મોહિત થાય અને માયામાં મનુષ્ય લપેટાઈ જાય છે તેથી માયાનો ત્યાગ કરવો નહીંતર પતંગીયું જેમ અગ્નિમાં બળી જાય તેમ માયારૂપી જાળ મનુષ્યને ભરખી જાય છે.
૧૩ હાથીઃ
હાથી લાલચમાં આવી જાય છે. મહાવત ઉંડો ખાડો ખોદી ઉપર લાકડી રાખે તે લેવા માટે જેવો હાથી ખાડામાં જાય એટલે એટલો બળવાન હાથી પણ પકડાય જાય છે તેથી તેમાંથી બોધ પાઠ લઇ અને જીવનમાં ક્યારેય કોઈ લાલચમાં પડવું નહીં નહીતર માયારૂપી જીવનની અંદર પકડાય જાય છે. આ માયાનું ચક્કર મનુષ્યને અનેક ચક્કરમાં નાખે છે. તેથી લાલચ રાખવી નહીં.
૧૪ મઘપૂડોઃ
મધમાખી ભેગી થાય અને મધપૂડો બનાવી અને મધ એકઠું કરે છે તે મધ અન્ય આવી અને લઇ જાયછે તેવી રીતે જીંદગીભર જો અનિતિ ભર્યું કાર્ય કરી અને જે ધન એકઠું કરીએ તે ધન અન્ય કોઈ લઇ જાય છે તેથી સાઘુ સંતોએ માત્ર જરૂરિયાતને ઘ્યાનમાં રાખી ધન રાખવું બાકી બઘુ ત્યાગ કરવું, ધન માત્ર જીવન ઉપયોગી રાખવું અન્યથા કોઈ અન્ય રીતે ચાલ્યું જાય છે.
૧૫ હરણઃ
હરણ પાસેથી તે શીખવું કોઈ વસ્તુનો મોહ ન રાખવો હરણ રણની અંદર દ્રષ્ટિ કરે અને આગળ પાણી છે તેવું મૃગજળની જોઈ અને પાણીના મોહમાં દોટ મુકે છે તેમ મનુષ્ય મોહમાં આવી આગળ સુખ છે એમ વિચારી જીવનભર કામ ચલાવે છે મનુષ્યએ પોતાની પાસે છે તે પર્યાપ્ત ગણી સુખ, દુઃખની આંધળી દોટમાં ન જતા જે વસ્તુ મળી છે તે પર્યાપ્ત છે અને તેમાંથી સ્વયં પ્રકાશ બનવું.
૧૬ માછલીઃ
માછલી જલની અંદર જન્મ લઇ અને જીવન પર્યંત જલમાં જ શ્વાસ લે અને ખોરાક મેળવેછે. જે રીતે નાની માછલી ને પોતે ગળી જાય અને મોટી માછલી પોતાને ગળી જાય તેવી રીતે મનુષ્ય જીવન ભર પોતાના સામાજીક રીત રીવાજની અંદર જીવન જીવી અને પૂર્ણ કરે છે.માછલી પાસેથી શીખવું જોઇએ વિષય – વાસનાથી દૂર જગતની અંદર આગળ બહુ જ છે તે બ્રહ્માંડની દ્રષ્ટિ કેળવવી અને સમાજની આગળ વિચારી અને ઇશ્વરની એકાદ લીલા મેળવવા પ્રયત્ન કરવો જોઇએ.
૧૭ વેશ્યાઃ
ધનની લાલચમાં રાત આખી જાગરણ કરે પરંતુ જ્યારે ગ્રાહક ન આવતા વિચારે છે કે આના કરતા પ્રભુ માટે જાગી હોત તો મારી જીંદગીનો બેડો પાર થઇ જાય તો આમાથી ગુણ મળે છે કામ વાસનાં જ્યારે ત્યાગી અને પ્રભુ મેળવવા માટે કર્મ કરીએ તો જીવનનો બેડો પાર થઇ જાય કારણ કે વૈરાગ્ય આવતા કામી વાસના નાશ થાય અને જીવનની નૈયાનો બેડો પાર કરી દે છે.
૧૮ બાળકઃ
બાળક નાનુ હોય ત્યારે ભૂખ લાગે ત્યારે રડે છે. બાકી નિર્દોષ ભાવે દરેક વસ્તુ જોવે અને જાણવા પ્રયત્ન કરે છે. તેમ જીવનમાં માત્ર જે કોઈ દ્રષ્ટિ કરીએ તે બાળક સમાન નિર્દોષ ભાવે દ્રષ્ટિ કરી અને જગત ને બાળક દ્રષ્ટિથી નિર્દોષ ભાવે દ્રષ્ટિ કરવી અને જીવનમાં બાળક જેવી નિર્દોષતા કેળવવી.
૧૯ કુંવારી કન્યાઃ
કુંવારી કન્યા જ્યારે કોઈ જોવા આવે ત્યારે બીજી કન્યા તે ઘરેથી દૂર ચાલી જાય અને એક જ કન્યાઘરે રહે છે તે કન્યા રસોઈ બનાવે, ચા-પાણી પીવડાવે અને સમગ્ર ઘરનો ભાર તે ઉપાડે તેવું દેખાડે છે આ ઉપરથી જે કોઈ કાર્ય તમો ઉપાડો ત્યારે એક કાર્યની અંદર દિલચસ્પી રાખતા તે કાર્યમાં નિપૂણતા મેળવી શકે છે. અને જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનની સાધના કરવા બેસે ત્યારે તે વ્યક્તિ એકલી એકાંતમાં હોય તો પ્રભુકિર્તન કરી શકે છે.
૨૦ લુહારઃ
લુહાર જ્યારે કોઈ ઘડાઈનું કામ કરતો હોય ત્યારે તે ટીપવામાં એકાગ્રતા રાખી અને ટીપતો હોય છે જ્યારે બાજુમાં વરઘોડો નીકળે તો પણ ખબર નથી પડતી આમ જ્યારે એકાગ્રતાથી કાર્ય કરીએ ત્યારે શરીરની સમગ્ર ઉર્જા તે કાર્યની અંદર લાગે છે અને તેથી નવી વસ્તુનું સર્જન થઇ શકે છે. આમ કોઈ કાર્યમાં એકાગ્રતા રાખવી જોઇએ.
૨૧ સર્પઃ
સર્પ પાસેથી શીખવા મળે છે કે સર્પ પોતાની કરચલી બહાર ફેંકી અને ચાલ્યો જાય અને તેમની સામે જોતો પણ નથી. તેમ સારો મનુષ્ય સત-કર્મ કરી અને ત્યાંથી ચાલ્યા જાય તેમની સામે પણ જોવું નહીં. આત્મા શરીર છોડી ચાલ્યો જાય પછી તેમનાં સામુ જોતો નથી તેવી રીતે જે જીવનની અંદર મોહ ઉત્પન્ન કરે તેવી વસ્તુને ત્યાંગી દેવી જેથી માયાથી દૂર જઇ સતકાર્ય કર્યા પછી તેમની સામે પણ જોવું નહીં.
૨૨ કરોળીયોઃ
જેવી રીતે પોતાનાં જીવનની જાળ પોતે જ ગુથી તેનાં ઉપર બેઠેલ મચ્છર વગેરેને ખોરાક બનાવી અને બાવાની જાળમાં જીવન પૂર્ણ કરે છે. જાળ પાથરવી જેથી કરીને ઉપાર્જન માટે દૂર ન જવું અને તે જાળમાંથી જ ઉપાર્જન મળી જાય. અને સીમીત કર્મ કરી બાકીનું સમય ઇશ્વરભજન કરી શકે અને ઇશ્વરને મેળવવા કુટુંબ કબીલાની માયા છોડવી. જેવી રીતે કરોળીયો પોતાનું ક્ષેત્રફળ સીમીત ન બનાવે તેમ કાર્ય ક્ષેત્રફળ સીમીત ન બનાવતા વિરાટ બનાવવું.
૨૩ મઘમાખીઃ
મધમાખી કોઈ વ્યક્તિને કરડશે ત્યારે તેની પાસે મધ હોય છે પરંતુ મધ ન જોતાં તેમનો ડંખ જોવાય છે. તેવી રીતે સારી વસ્તુ પામવા માટે મનુષ્ય ને ડંખ લાગે પરંતુ તે ડંખ મનુષ્યએ નજોતા તેમનો ગુણ જોવો જોઇએ. અંદર જે મધ છે તે મધ ને પામવા માટે ડંખ સહન કરીએ ત્યારે મધ મય થવાય છે તેથી વ્યક્તિના સતગુણ જ જોવા તેમનો ડારો ન જોવો.
૨૪ કૂતરોઃ
કુતરાની પાસેથી ચપળતાનાં ગુણ લેવા. કુતરો ગાઢ નીંદરમાં હશે પરંતુ થોડો અવાજ થશે તો તુરંત જ તે ઉભો થઇ જશે અને ભસશે. ભર ઉંઘમાં સુતેલો કુતરો પણ અવાજ આવતા ઉભો થઇ જાય છે તેવી રીતે મનુષ્યએ ઉંઘ કુતરા જેવી રાખવી. ઉંઘમાંથી ઉભા થઇ અને ચપળતાથી શુઘ્ધ બુઘ્ધિથી કાર્ય કરવું જોઇએ. જેથી જીવન પર્યાપ્ત ચપળ રહી શકાય છે.
તેથી જ ગુરુ ગુરુદત્તાત્રેયે જેમની પાસેથી કોઈપણ સારો ગુણ મળે તે લઇ તેમને ગુરૂ તરીકે સ્થાપીત કર્યા.