વિવાહ સંસ્કાર સોળ સંસ્કાર
હિંદુ સંસ્કારોમાં વિવાહનું સહુથી વિશેષ મહત્વપૂર્ણ સ્થાન છે. ‘વિવાહ’ શબ્દ वि + वह (લઇ જવું) ધાતુ પરથી બન્યો છે. એનો શબ્દાર્થ પત્ની સ્વીકાર અથવા એ માટેની પ્રવૃતિ એવો થાય છે. વ્યાપક અર્થમાં એ પુરુષના તેમજ સ્ત્રીના લગ્ન માટે વપરાય છે. સંસ્કૃતમાં ‘વિવાહ’ નો અર્થ લગ્ન જ થાય છે. ગુજરાતીમાં વેવિશાળ અને લગ્ન એમ બે અર્થ થાય છે. વેવિશાળ કે સગપણ માટે સંસ્કૃતમાં ‘વાગ્દાન’ શબ્દ છે. વિવાહ માટે વિવાહ, ઉદ્વાહ, પરિણય કે પરિણયન, ઉપયમ, પાણિગ્રહણ વગેરે શબ્દો પણ પ્રયોજાય છે.
સ્ત્રોતઃ
વૈદિક કાલમાં વૈવાહિક રીતરિવાજોની અભિવ્યકિત ઋગ્વેદ અને અથર્વવેદની ઋચાઓમાં થાય છે. ઋગ્વેદ અનુસાર વિવાહનો ઉદેશ ગૃહસ્થ બની દેવો માટે યજ્ઞ કરવો અને સંતાનોત્પતિ કરવી એ હતો. વિવાહ માત્ર સામાજિક આવશ્યકતા જ ન રહેતાં ધાર્મિક કર્તવ્ય પણ લેખાવા લાગ્યો. વિવાહ એક યજ્ઞ મનાતો અને જે વ્યકિત વિવાહ કરી ગાર્હસ્થ્ય જીવનમાં પ્રવેશ ન કરતી તેને અયજ્ઞીય માનવામાં આવતી. તૈતિરીય બ્રાહ્મણમાં કહ્યું છે કે એકાકી પુરુષ અધૂરો છે, પત્ની એનો અર્ધ ભાગ છે. જયારે ઋષીઋણ, દેવઋણ અને પિતૃઋણનો સિદ્ઘાંત વિકાસ પામ્યો ત્યારે વિવાહનું મહત્વ ખૂબ વધી ગયું.
ઉપનિષત્કાલમાં આશ્રમોનો સિદ્ઘાંત પ્રચલિત બન્યો. વ્યકિતત્વના વિકાસ માટે ગૃહસ્થાશ્રમ અનિવાર્ય મનાતો.
સ્મૃતિકાલમાં આશ્રમવ્યવસ્થાનું પાલન ધાર્મિક કર્તવ્ય મનાતું. ગૃહ્યસૂત્રો અને ધર્મસૂત્રો અનુસાર નૈષ્ઠિક બ્રહ્મચારીની સંખ્યા ખૂબ ઓછી હતી, જયારે મોટા ભાગના યુવકો વિવાહ કરી ગાર્હસ્થય જીવન ગાળતા. સ્મૃતિઓમાં ગૃહસ્થાશ્રમની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે, અને એને સામાજિક સંઘટનનું કેન્દ્ર તથા મૂળ માન્યું છે. આપસ્તંબ ધર્મસૂત્ર (2, 5, 11-12) અનુસાર વિવાહ દ્વારા પત્ની પતિને ધાર્મિક કૃત્યોને યોગ્ય બનાવતી અને એ પુત્ર કે પુત્રોની માતા બનતી, જે પુત્ર નરકથી તેમની રક્ષા કરતો.
આમ પ્રાચીન કાલથી વિવાહનું મહત્વ અનેક દષ્ટિએ હતું.