વિદ્યાની દેવી સરસ્વતી
શારદા એટલે કે દેવી સરસ્વતી, જેને આપણે વિધ્યાની દેવી તરીકે પુજીએ છીએ. આ દેવી શારદાનો મહિમા એટલો અપરંપાર છે કે સૃષ્ટિ રચયિતા બ્રહ્મા, પાલનકર્તા વિષ્ણુ અને સૃષ્ટિનો વિનાશ જેમના હાથમાં છે તે દેવાધિદેવ મહાદેવ પણ અર્ચના કરે છે. દેવી સરસ્વતી જ્ઞાનની સૌરભ પ્રસરાવનારી છે, શીતળતા આ૫નારી છે અને તેનાથી સાચા વૈભવના દર્શન થઈ શકે છે. દેવી શારદાની શ્રધ્ધાપૂર્વક ભક્તિ કરનારને તેના જીવનમાં શાંતિ, શિતળતા, શોભાની અભિવૃધ્ધિતો થાય જ છે. પરંતુ તે સમગ્ર સમાજને જ્ઞાનરૂપી પ્રકાશ આપીને તેને નવજીવન બક્ષે છે. દેવી સરસ્વતીના સાચા ભક્ત થવા માટે સાચો વિદ્ધાન થવું જરૂરી છે. કારણકે દેવી સરસ્વતીની ભક્તિ અને જ્ઞાનરૂપી વિદ્યા એક જ સિક્કાની બે બાજુઓ છે.
શાસ્ત્ર કહે છે કે લક્ષ્મીનો વાસ જ્યાં હોય છે,ત્યાં ધન – સંપત્તિઓ રહે છે.અહીં સંપત્તિનો અર્થ માત્ર ધન- દોલત, જમીન, મકાનથી જ નથી પણ ગુણ, કળા અને વિદ્યાથી પણ છે.જેના દ્વારા આચરણ અને વિચાર પવિત્ર બને છે.
– દેવી સરસ્વતીની પૂજા વિદ્યા, જ્ઞાન, કળા, બુદ્ધિ રૂપી સંપત્તિઓથી સમૃદ્ધ કરનારી છે. આ જ કારણ છે કે દિવાળીમાં મહાલક્ષ્મીની સાથે મહાસરસ્વતીની પૂજા પણ શુભ માનવામાં આવી છે. સંદેશ એ જ છે કે વિદ્યા અને જ્ઞાનમાં દક્ષતાથી લક્ષ્મી કૃપા એટલે કે ધન, વૈભવ, યશને પણ પામવુ.
દેવી શારદાસફેદ વસ્ત્રો ધારણ કરે છે, સફેદ રંગ શુધ્ધ અર્થાત સ્વચ્છતાનું પ્રતિક છે. સરસ્વતીની ઉપાસના કરનાર પોતાના કર્મો પણ શુધ્ધ રાખવા જોઈએ તેમાં રાગ,દ્રેષ, મોહ, માયા જેવા કોઈ દોષને દાખલ થવા દેવા જોઈએ નહિ. તેનું મન પણ ચોખ્ખુ હોવું જોઈએ. તેની વાણીમાં કટુતા ન હોવી જોઈએ કે તણે અસત્ય બોલવું જોઇએ નહિ. વિદ્યા આપતો શિક્ષક દેવી સરસ્વતીનો આરાધક જ કહેવાય અને તેનામાં આ ત્રણે વસ્તુ ખાસ હોવી જોઈએ, કારણકે જો તે પોતાના જીવનમાં ન અ૫નાવે તો તે જે બાળકોને વિદ્યા આપે છે તેની ઉપર અવળી અસર પડે છે.
દિવાળી ઉપરાંત દેવી સરસ્વતીની શુક્રવારે કે પાંચમની તિથિ પર ઉપાસના પણ શુભ માનવામાં આવી છે. પરંતુ યશ અને સફળતા આપનારો વિશેષ મંત્રના જાપ સાથે દરરોજ દેવી સરસ્વતીની પંચોપચાર પૂજા કે ધુપ, દીવો લગાડીને પણ સ્મરણ કરવામાં આવે તો દરેક મનોરથ પુરા થાય છે.