વાસ્તુશાસ્ર્ત્ર આપણા જીવનને સ્પર્શતો એક મહાનતમ વિષય છે. વાસ્તુ શબ્દ આપણી લાગણીઓથી લઈ બ્રહ્માંડમાં પ્રસરતા ચુંબકીય તરંગો સુધી સંકળાયેલા છે. દરેક સંસ્કૃતિને તપાસતા જણાઈ આવે છે કે, જૂના કાળમાં પણ દરેક પ્રકારના બાંધકામ વખતે ચોક્કસ નિતિ નિયમોનું પાલન થયું હતું. આ નીતિ-નિયમો જમીનની પસંદગીથી લઈને આજુબાજુના વાતાવરણથી લઈને આંતરીક ગોઠવણ સુધીની તમામ બાબતોમાં લાગુ પડે છે. દરેક વ્યક્તિ વાસ્તુને વધુમાં વધુ મહત્વ એટલા માટે આપે છે કે, તમે જેને તમારી કહી શકો તેવી જગ્યા તમારી ખુશી, તમારી સમૃદ્ધિ તથા તમારા પરિવારથી જોડાયેલી છે. હાલના સમયમાં ફેંગશૂઈનું ચલણ પણ ખૂબ વધ્યું છે. જો કે, આપણી પાસે તો આપણા ઋષિકાળનું સંપૂર્ણ વાસ્તુશાસ્ત્ર ઉપલબ્ધ છે અને જે કોઈ શાસ્ત્રો હાલ ઉપલબ્ધ છે તે બધામાં મોટેભાગે સામ્ય જોવા મળે છે, જે દર્શવે છે કે પૃથ્વી તથા ચુંબકીય તરંગોના વિજ્ઞાનને સમજવાથી વાસ્તુમાં એક ચોક્કસ નિર્ણય પર પહોંચી શકાય છે. વાસ્તુશાસ્ત્ર વિશે તથા ફેંગશુઈ વિશે ઘણુ ઘણુ લખાય છે, પરંતુ મૂળ વાત એ છે કે તમારા હ્રદયને પહેલી નજરમાં જ સ્પર્શી જાય તે ઉત્તમ વાસ્તુ છે. કોઈપણ વાસ્તુનો આ ટેસ્ટ અતિ મહત્વનો છે કારણ કે જ્યારે કોઈ જગ્યાએ પોઝીટીવ વાઈબ્રેશનનું વહન થતું હોય ત્યારે જ આપણાં મનમાં સારા ભાવ જન્મે છે. દા. ત. કોઈ ઘરમાં પ્રવેશતાંની સાથે જ સુંદર ઘંટડીનો અવાજ સંભળાય, દિવાલો પર આંખને ગમી જાય તેવો રંગ જોવા મળે, સામે જ એકાદ સુંદર પ્રતિમા જોવા મળે કે આછેરી હવાની લ્હેર બાજુમાં પસાર થઈ જાય તો મન પ્રફુલ્લિત થઈ જાય છે. ત્યારબાદ સુંદર રીતે ગોઠવાયેલ સોફા પર સ્થાન લેતાની સાથે જ આપણું મન હકારાત્મકતાથી ભરપૂર બની જાય ત્યારબાદ આપણે ધારવા છતાં પણ તે ઘરના માલિક સાથે નકારાત્મક અભિગમ નહીં દાખવી શકીએ, અને આ જ વાસ્તુની સર્વપ્રથમ સિદ્ધિ છે.
આટલી વાત સમજ્યા બાદ વાસ્તુશાસ્ત્રના થોડા ગહન ભાગ પર આપણે નજર નાંખીએ તો આપણે સૌ જાણીએ જ છીએ કે બ્રહ્માંડમાંથી અગણિત પ્રકારના કિરણો પૃથ્વી પર આવતા હોય છે તથા પૃથ્વીના ચુંબકીય રેખત્વ સાથે મળતા હોય છે. આ કિરણો સદિશ હોવાથી દિશા પ્રમાણે પણ તેનું મહત્વ હોય છે.
હવે સામાન્યતઃ આ કિરણો તથા તેની અસરથી આપણે અજાણ હોઈએ છીએ, જો કોઈ ચોક્કસ વ્યવસ્થા દ્વારા યોગ્ય દિશા તથા જગ્યાને ઓળખીને આ કિરણોને તે જગ્યા માટે હકારાત્મક બનાવવામાં આવે તો તે જગ્યાએ હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે. અને તેથી ઉલટું જો કોઈ જગ્યા આ કિરણો અને દિશાથી વિરૂદ્ધ હશે તો તે જગ્યાએ શોક, હતાશા અને નિરાશા વ્યાપી જશે, આમ આપણા જીવનની ખુશહાલી અને સમૃદ્ધિનો ઘણો બધો આધાર વાસ્તુ પર છે. આથી જ આપણું ઘર, ઑફિસ, કારખાનું નોકરીનું સ્થળ, ક્લીનીક, ખેતીવાડી જેવી કોઈપણ જગ્યા વાસ્તુ મુજબ હોય એ જરૂરી છે.
આમ જોવા જઈએ તો વાસ્તુશાસ્ત્રના હજારો નિયમ છે, વળી બે અલગ-અલગ વિચારધારા મુજબ ક્યારેક વાસ્તુશાસ્ત્રમાં ગૂંચવણ પણ ઊભી થાય છે. આથી તમામ વિચારધારા પ્રમાણેનું વાસ્તુ લગભગ અશક્ય જેવી ઘટના બની જાય છે. પરંતુ વૈદિક વિચારધારા મુજબના વાસ્તુશાસ્ત્રનું યોગ્ય રીતે અનુસરણ કરવાથી સુંદર પરિણામ મેળવી શકાય છે તે નિર્વિવાદ છે.
હવે સૌ પ્રથમ આપણે દિશાભાન મેળવી લઈએ, આપણે દસ દિશામાં જીવીએ છીએ તેમ કહી શકાય, પૃથ્વી તરફ એટલે કે નીચે, આકાશ તરફ એટલે કે ઉપર અને ચાર દિશા તથા ચાર ખૂણા આવો સૌ પ્રથમ આપણે ચાર દિશા તથા ખૂણા નક્કી કરી લઈએ.
કોઈપણ જગ્યાએ ચોક્કસ દિશા તથા ખૂણા નક્કી કરવા માટે હોકાયંત્રનો ઉપયોગ કરી શકાય, હોકા યંત્ર સરળતાથી માર્કેટમાંથી મેળવી શકાય છે. વળી થોડો અભ્યાસ થઈ ગયા બાદ સૂર્ય પરથી ચોક્કસ દિશાભાન તુર્ત જ મળી શકે છે. આમ છતાં જ્યારે ચોક્કસ ખૂણો તથા ડિગ્રીની વાત આવે ત્યારે હોકાયંત્રનો ઉપયોગ હિતાવહ છે.
શ્રી રોહિત જીવાણી