આપણા રૈવાજિક વાસ્તુશાસ્ત્રનો કન્સેપ્ટ એટલો ઓરિજિનલ અને વૈજ્ઞાનિક છે કે આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ. ભારતીય પરંપરામાં વાસ્તુપુરુષની કલ્પના કરવામાં આવી છે, તથા તેના આધારે વાસ્તુમંડલ તૈયાર કરવામાં આવે છે. આપણી જરૂરિયાત મુજબ આપણે અલગ-અલગ પદના વાસ્તુ-મંડલનો ઉપયોગ કરી શકીએ. પરંતુ સર્વ સામાન્ય ઉપયોગ માટે તથા ગુણધર્મ ચકાસણીમાં પૂરવાર થયેલ વાસ્તુમંડલ ૮૧ પદનું છે. વાસ્તુમંડલમાં દરેકે-દરેક ભાગને દેવોના નામ સાથે સાંકળવામાં આવ્યા છે. આ નામ દરેક પદના ગુણધર્મ છતા કરે છે.
દા. ત. વાસ્તુપુરુષનું મસ્તક ઈશાન કોણમાં છે, જે ઈશ્વરીય કોણ છે ત્યાંનું પદ ઈશ છે. વાસ્તુના પગ નૈઋત્યમાં છે, અને ત્યાં પિતૃનો વાસ છે. વળી આ કોણ પીડાદાયક છે, તે પિતૃદોષ સૂચવે છે. નીચે ૮૧ પદનું વાસ્તુ મંડલ દર્શાવેલ છે. વાસ્તુમંડલમાં દર્શાવ્યા મુજબ ૮૧ પદનું વાસ્તુ બનશે, તથા દરેક ભાગને પોતાનો મહિમા છે. જે પ્લોટ પર આપણે મકાન બાંધવાના હોઈએ ત્યાં વાસ્તુપુરુષની કલ્પના કરવામાં આવે છે. આ કલ્પનામાં વાસ્તુપુરુષનું મસ્તક ઈશાનમાં તથા પગ નૈઋત્યમાં આવે છે.
નાભિ પાસેનો ભાગ બ્રહ્માનો ભાગ છે તેનું તત્વ આકાશ છે, તથા વાસ્તુમાં આ જગ્યા ખુલ્લી રખાય તો સારૂં, તેવું અર્થઘટન કરવામાં આવે છે.
વાસ્તુપુરુષ અને વાસ્તુમંડલના અધ્યયનથી કેટલીક બાબત સ્વયં સ્પષ્ટ થાય છે, કે પ્લોટનો કોઈ ખૂણો કપયેલો ન હોવો જોઈએ. દા. ત. પ્લોટમાં ઈશાન કોણ કપાતો હોય તો સ્વાભાવિક રીતે જ વાસ્તુપુરુષનું મસ્તક કપયું ગણાય. હવે આ પ્લોટમાં રહેનાર કઈ રીતે સુખી રહી શકે?
વાસ્તુપુરુષ પરથી આપણે મકાન માટેના તમામ અર્થઘટન તારવી શકીએ. ઉત્તર-પૂર્વ તથા ઈશાન મસ્તિષ્ક છે તેથી બુદ્ધિગમ્ય બાબત, આધ્યાત્મિક બાબત વગેરે ઉત્તર-પૂર્વમાં થઈ શકે. પગ દક્ષિણ-પશ્ચિમમાં હોય ઉદ્યમ, સહનશીલતા, યાંત્રિક કાર્ય આ દિશામાં થાય. વળી ભારે બાંધકામ પણ આ બાજુમાં કરી શકાય.
આ ઉપરાંત જે – તે દિશામાં તે પદના માલિક આધારે આપણે મુખ્ય દરવાજો વિગેરે બાબતોનો નિર્ણય પણ કરીશું ઘર કે વ્યવસાયના સ્થળની પસંદગીથી લઈને બાંધકામ સુધી તમામ જગ્યાઓ આપણે વાસ્તુમંડલનો ઉપયોગ કરી શકીશું. વળી આ ૮૧ પદનું વાસ્તુમંડલ બનાવી તેને પૂજામાં રાખવાથી પણ ખૂબ લાભ પ્રાપ્ત થાય છે.