પરિચય :
આપણે સૌ વરિયાળીથી સારી રીતે પરિચિત છીએ. દરેક ઘરમાં તેનો મુખવાસ તરીકે ઉપયોગ થાય છે. એ મુખને સ્વચ્છ રાખે છે. સાથે સાથે ઠંડક આપે છે. ઉપરાંત તે મોઢાંમાંની દુર્ગંધનો નાશ પણ કરે છે. મોઢામાં પડેલાં છાલાંને રૂઝવવાનું કામ પણ તે કરે છે.
ગુણધર્મ :
વરિયાળી તીખી, કડવી, સ્નિગ્ધ, પિત્તકારક, દીપન, લઘુ, ઉષ્ણ, મેધ્ય તથા બસ્તિકર્મક છે. તે ઉપરાંત કફ, વાયુ, જ્વર, ગુલ્મ, શૂળ, દાહ, નેત્રરોગ, તૃષા, ઊલટી, વ્રણ, આમ તથા અતિસારમાં લાભદાયક છે. તે દાંતના સડાને રોકે છે. જમ્યા પછી ખાવાથી તે મોઢાને સુવાસિત રાખે છે.
ઉપયોગ :
(૧) આમ- અતિસાર ઉપર : વરિયાળીનો કાઢો પીવો.
(૨) મુખ વિકાર અને પેઢાંના સોજા ઉપર : વરિયાળી ચાવીને તેનો રસ ગળે ઉતારવો.
(૩) ઉષ્ણતા અને ઉધરસ ઉપર : વરિયાળી અને સાકરનું ચૂર્ણ અવારનવાર મોઢામાં રાખવું.
(૪) પિત્ત-જવર ઉપર : વરિયાળી અને સાકરનો કાઢો પીવો.
(૫) વરિયાળીને પાનમાં મસાલામાં નાખવાથી તે વધુ સ્વાદિષ્ટ બને છે. મનને આનંદિત રાખે છે.
(૬) નેત્રદાહ ઉપર : વરિયાળીવાળા પાણીમાં આંખો ધોવી.