લગ્નની મહત્વની વિધિઓ….
યુવક-યુવતીનાં લગ્ન નક્કી થાય ત્યારે શુભ મુહૂર્ત જોઇ કંકોતરી લખવાથી લઇ સાસરે જઇને પણ કેટલીક માંગલિક વિધિ કરવામાં આવે છે. અત્યારે બે કલાકમાં લગ્નવિધિ પૂરી કરી દેવામાં માનતાં લોકોને શાસ્ત્રાનુસાર માંગલિક વિધિનું મહત્વ અને તેમાં સમાયેલી ભાવના વિશે જાણકારી આપતો આ લેખ તમને ચોક્કસ વાંચવો ગમશે.
વર-વધૂ ફેરા ફરતાં હોય ત્યારે ગોરમહારાજ મંગલાષ્ટક બોલે છે, પણ એ મંગલાષ્ટક શું છે, તેનો અર્થ શો થાય તે જો તેમને ખ્યાલ હોય તો દાંપત્યજીવનનો સાચો અર્થ સમજાઇ જાય.
યુવક-યુવતી સ્વજનોની સાક્ષીએ, અગ્નિની સાક્ષીએ જોડાય છે, તેને આપણે લગ્ન કહીએ છીએ. લગ્ન ખરેખર તો એક સંસ્કાર છે, જેની સાથે અનેક વિધિ જોડાયેલી છે. તેમાં સૌપ્રથમ વાગ્દાન પ્રયોગ કરીને કંકોતરી લખવામાં આવે છે. ત્યાર બાદ પ્રારંભ થાય છે, ગક્ષેત્રદેવની પૂજા થાય છે.
કન્યા પધરાવો સાવધાન:
આટલી વિધિ થયા પછી ગોરમહારાજ જ્યારે વરરાજા પાસે કેટલીક વિધિ કરાવે. ત્યાર બાદ મંગલાષ્ટક બોલવાની સાથે સાથે ‘કન્યા પધરાવો સાવધાન’ની ચૂચના આપે છે. એ વખતે કન્યાના મામા કન્યાને માંહ્યરામાં લાવે છે. આધુનિક યુવતીઓ હવે માંહ્યરામાં સિંહાસન પર કે ફૂલોથી બનાવેલી પાલખીમાં બેસીને રાજકુમારીની માફક પધારે છે. કેમ નહીં? દીકરી આખરે માતાપિતાના રાજમાં તો એક રાજકુમારીની માફક જ ઊછરી હોય છે. ફૂલની જેમ ઊછરેલી રાજકુમારી સાસરિયે જતાં પહેલાં થોડા લાડ કરી લે, તો એમાં નવાઇ શાની?
હસ્તમેળાપ:
કન્યા ચોરીમાં આવે તે પછી કન્યાના પિતા કન્યાના હાથમાં કંકુ, અક્ષત, પાન, ફૂલ, દક્ષિણા વગેરે મૂકીને તેનો હાથ વરરાજાના હાથમાં આપે અને ગોરમહારાજ મંત્રોચ્ચાર કરીને તેમનો હસ્તમેળાપ કરાવે છે. હસ્તમેળાપ પછી માતાપિતાની કન્યા પ્રત્યેની જવાબદારી પૂરી થાય છે.
માંગ ભરે સજના:
ફેરા ફર્યા પછી વરરાજા કન્યાની સેંથીમાં કંકુ ભરીને મંગળસૂત્ર પહેરાવે છે. વરરાજા અગ્નિ, સૂર્ય અને સ્વજનોની સાક્ષીએ કન્યાને વિધિવત્ પોતાની જીવન-સંગિની બનાવે છે. સેંથીમાં કંકુ ભરે ત્યારે જનમોજનમ સાથે રહેવાના કોલ બંને એકબીજાને આપે છે.
સપ્તાચલપૂજન:
તમામ વિધિ પૂરી થયા પછી ગોરમહારાજ સાત સોપારી મૂકીને ભારતના સાત પર્વતના નામ બોલી વર-કન્યા પાસે તેની પૂજનવિધિ કરાવડાવે છે. તે સાથે નવયુગલને સાત પ્રતિજ્ઞા પણ લેવડાવે છે, જે તેમને આજીવન એકબીજાનાં સુખદુ:ખમાં સાથીદાર બની રહેવા માટેની હોય છે.
કન્યાવિદાય:
તમામ વિધિ પૂર્ણ થયા પછી આવે છે એ પળ, જે આનંદની સાથે અશ્રુ પણ આંખમાં લાવે છે. પિતૃગૃહેથી પતિગૃહે જતી લાડકી અને માતાપિતાનાં અંતરમાં ઉમંગની ભારોભાર દુ:ખ હોય છે. આશિષ આપતાં પિતાના મનમાંથી પોકાર ઊઠે છે, ‘કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગ્યો…’