રાપર (જે અગાઉ રાહપર નામે ઓળખાતું) સમુદ્રકિનારાથી સરેરાશ ૭૯ મી.(૨૫૯ ફીટ)ની ઉંચાઈ પર આવેલું છે. આ કચ્છ જિલ્લાનાં વાગડ વિસ્તારનું મુખ્ય શહેર છે. આસપાસનાં લગભગ ૧૦૦ કિ.મી. જેટલા વિસ્તારમાં કોઈ મોટું શહેર ન હોવાનાં કારણે સ્થાનિય લોકો માટે રાપર વ્યાપાર ધંધાનાં કેન્દ્ર સમાન બનેલું છે. જિલ્લાનું વડું મથક, ભૂજ અહીંથી ૧૪૦ કિ.મી. પશ્ચિમમાં આવેલું છે. અહીં નજીકમાં આવેલું ધોળાવીરા લગભગ ૧૫૦૦ વર્ષ પહેલાંની હરપ્પન સંસ્કૃતિનો વારસો અને અવશેષ ધરાવતું પ્રખ્યાત પૂરાતત્વ સ્થળ છે.
આસપાસનાં લગભગ ૧૧૦ ગામો માટે આ મુખ્ય ખરીદ-વેંચાણ કેન્દ હોય અહીં લગભગ બધીજ બેંકોની શાખાઓ તથા મોટી બજારો આવેલી છે. તદ્ઉપરાંત ઘણી શિક્ષણ સંસ્થાઓ આવેલી છે. જેમાં લેઉવા પાટીદાર કન્યા કેળવણી શાળા, સ્વામિનારાયણ ગુરુકુળ અને કૉલેજ તથા પીટીસી કેન્દ્ર મુખ્ય છે.
સમૂદ્ર કિનારો તથા ત્રિકમ સાહેબની જગ્યા જેવાં જોવાલાયક સ્થળો આવેલાં છે. તાલુકામાં જાન મઢીયા તથા ફિફવો જેવી નદીઓ અને લીલવો ડુંગર નામક એક પર્વત પણ છે. રાપર તાલુકામાં કપાસ, એરંડા, બાજરી, મગ, તલ, જીરું, ઇસબગુલ, ગુવાર, કોડ, રાયડો, ઘઉં, સકરટેટી તેમજ જુવાર જેવા પાકોનું વાવેતર થાય છે.