સમુદ્ર એટલે રસાયણોનો ભંડાર
સમુદ્ર અંગે પૌરાણિક સંદર્ભ જોઇએ તો યાસ્કે આપેલી સમ-ઉદ-દ્રવન્તિ નધઃ એવી નિરૂકિત અનુસાર વળી વેદમાં આવતા સંદર્ભ પ્રમાણે પૃથ્વી પર રહેલા પાણીનો સમુહઃ અમરકોષમાં બધાને ભીંજવનાર જળભર્યા સાગરને સમુદ્ર કહ્યો છે. પૃથ્વીને સમુદ્ર મેખલા કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં આની ઉત્પતી માટે ઘણું આપવામાં આવ્યું છે.
સમુદ્ર રસાયણો ફૂગ, જીવાણુઓ, સૂક્ષ્મ શેવાળ, દરિયાઇ છોડવા, વાદળી, નરમ પરવાળા, કરચલા, મૃદુ કવચી, શૂલચર્મી, સમુદ્રી સસલાં, નૂપુરક, બ્રાયો ઝોઅન્સ, ગોકળગાય વગેરેમાંથી આશરે ૧૫૦૦૦થી વધુ સંયોજનો અલગ પાડી શકાયા છે. તેમનું વર્ગીકરણ પણ કરવામાં આવ્યું છે.
કાર્બનિક રસાયણોમાં અગર જે રાતી શેવાળમાંથી નિષ્કર્ષણ દ્વારા મેળવવામાં આવે છે. તેનો ઉપયોગ મૃદુરેચક તથા સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે. કેરાજીનાન, આ પણ રાતી શેવાળમાંથી મેળવવામાં આવે છે. ઇન્ફલુએન્ઝા ઉપર તેની પ્રતિ વિષાણુ ક્રિયાશીલતા હોય છે. આરીજનિક અને આલ્જિનેટો બદામી રંગની શેવાળમાંથી મેળવવામાં આવે છે. ઉપરાંત તેમાંથી લેમીનરીન મેળવવામાં આવે છે જે મેદસ્વીપણું ઘટાડવામાં ઉપયોગી સાબિત થયેલ છે. આલ્જિનેટ રેડિયા સ્ટ્રોશિયમની અસરથી બચવા આ ખૂબ ઉપયોગી રસાયણ છે.
ચિટિન જે સમુદ્રી જિંગા, માછલી, લોબ્સ્ટર તથા કરચલામાંથી મેળવવામાં આવે છે. વ્યાપારી ધોરણે તે કાયલાન તરીકે મળે છે. તે ઉત્સેચકો સાથે વપરાય છે તેના ક્ષારો ઘા રૂઝવવા માટે વપરાય છે.
એલિક્રેટિક એસિડ તથા તેના ક્ષારો દરિયાઇ શેવાળમાંથી મેળવવામાં આવે છે. શેવાળમાં રહેલા ડાઇમિથાઇલ- બીટા- પ્રોપીયોજોટિનનું જૈવ સંશ્ર્લેષણથી વિઘટન થતા એક્રિલિક એસિડ બને છે. ઉપરાંત બહુ અસંતૃપ્તાવાળા ચરબી જ એસિડો લિનોસિક એસિડ, ગેમા લિનોસિક એસિડ, હોમો- ગેમા લિલોસિક એસિડ વગેરે હોય છે જે સ્થુળતા ઘટાડવામાં અને લોહીમાંના કોલેસ્ટરોલના પ્રમાણને ઘટાડવા માટે ઉપયોગી છે.
સ્ટેરોઇડ અને ટર્પીન અમુક સમુદ્રી જીવોમાં હોય છે કેટલાંક જીવોમાં વિશિષ્ટ પ્રકારની સ્ટેરોઇડ જોવા મળ્યા છે. લીલી શેવાળમાં આઇસોફયુકોસ્ટેરોલ તથા સિટોસ્ટેરોલ મુખ્ય ઘટકો તરીકે મળ્યાં છે. રાતી શેવાળમાં સ્ટેરોલ ઓછા જોવા મળ્યા છે.
દરિયાઇ કકુમ્બરમાંથી કેન્સર પ્રતિરોધી સ્ટેરોલ પ્રાપ્ત થયા છે. દરિયાઇ વાદળીમાંથી સેસ્કવીટર્પીનમાં એવરોલ તથા એવરોન મળ્યા છે. પરવાળાં તથા વાદળીમાં લેટુન કયુલિન નામના ટ્રાઇટર્પીન આલ્કેલોઇડ મળેલ છે.
આ ઉપરાંત ઝોનોરોલ આઇસોઝોનારોલ, ઝૈનારોન નામના કિવનોન સંયોજનો મળ્યા છે. અપૃષ્ઠવંશી સમુદ્રી જીવો, સંદિયાદ તથા પૃષ્ઠ વંશી જીવોમાં નાઇટ્રોજન યુકત સાદા એમાઇન્સ, કોવીન વ્યુત્પન્નો, બિટેઇન ક્રિપેટિનીન, ગ્વાનીડીન જેવા રસાયણો પ્રાપ્ત થાય છે. ૧૯ર૩માં સમુદ્ર ફળમાંથી એક ટ્રેટામાઇન પણ મેળવવામાં સફળતા મળેલી છે. આવા રસાયણોથી પક્ષઘાતનો હુમલો થાય છે.
વાદળીમાંથી એરોથિયાનિન હાયબ્રોમો ફાકલિન, ઓરોડાઇન જેવા એન્ટી બાયોટીક રસાયણ મેળવવામાં આવ્યા છે. દરિયાઇ સસલાંમાંથી ખાસ પ્રકારના બ્રોમો રસાયણો મેળવવામાં આવ્યા છે.
રસાયણ વિજ્ઞાનીઓ અનુસાર સમુદ્રના પાણીમાં ૯૬.૫ ટકા પાણી અને ૩.૫ ટકા ક્ષારો છે જેમાંના ૬૦ ટકા પ્રાકૃતિક તત્વના ક્ષારો છે. પરંતુ તેમાં ૯૯ ટકા છ તત્વો છે. તેમાં કલોરીન, સોડિયમ, મેગ્નેશિયમ, ગંધક, કેલ્શિયમ તથા પોટેશિયમ છે. તેમાં સોડિયમના ક્ષારોનું પ્રમાણ ૮૦ ટકા જેટલું છે. ભાવનગર ખાતે નમક સંશોધન સંસ્થા ૧૯૬૧થી સમુદ્રી રસાયણોના સંશોધનમાં કાર્યરત છે.
આ ઉપરાંત સમુદ્રી જળમાં કાર્બન ડાયોકસાઇડ, નાઇટ્રોજન, ઓકિસજન અને વિરલ વાયુઓ ઓગળેલા છે. જેથી તેને વાયુમંડલીય વાયુઓનું સંતૃપ્ત દ્રાવણ કહી શકાય. વાયુઓની દ્રાવ્યતા ઓછી છે. સૌથી વધુ પ્રમાણ ઓકિસજનનું છે.
સમુદ્ર તલ નીચે ખનીજ ભંડારોમાં પેટ્રોલિયમ, કોલસો ઉપરાંત અન્ય ખનીજોમાં ગંધક, લોહ, ટીન, નિકલ તથા તાંબાના અયસ્કોનો ભંડાર છે. સાગરોના તળ ચૂનાયુકત દ્રવ્યોના બનેલા છે.
ભારતે સમુદ્ર સંશોધન માટેની એક સંસ્થા ગોવા ખાતે શરૂ કરી છે. ભારતે આ અંગેના સંશોધન જહાજો રાખેલા છે. ૧૯૮૦માં આવાજ જહાજ ‘ગવેષણી’ નો ઉપયોગ કરી રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થાના તે સમયના નિયામક ડો. એસ. ઝેડ. કાસિમના નેતૃત્વ નીચે સમુદ્રમાંથી ખાસ પ્રકારના પિંડો શોધી કાઢવામાં આવેલા તેમાં ૧૫.૫ ટકા મેગેનીઝ અને લોહનું પ્રમાણ ૧૭.૫ ટકા હતું. ભારતે હિંદ મહાસાગરના અને તેનો એક લાખ પચાસ હજાર ચો. કિ.મી.ના વિસ્તારમાંથી આવા પિંડો મેળવવાનો રાષ્ટ્રીય કાર્યક્રમ તૈયાર કરેલ છે.
સમુદ્રી સંશોધન ક્ષેત્રે આપણે આજે ખૂબ જ પ્રગતિ કરી છે. ૧૯૮૭માં ભારતને પ્રથમ પાયોનીયર ઇન્વેસ્ટર તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સમુદ્રમાંથી મળતા પિંડોમાંથી ઘણું મેળવવા અંગેનો પ્લાન્ટ ર૦૦૩માં હિન્દુસ્તાન ઝિંક લિ. ઉદેપુર ખાતે કાર્યાન્વિત કરવામાં આવેલ છે તેમજ દુર્ગાપુર ખાતે શરૂ કરવામાં આવેલ છે.
સમુદ્ર તો રસાયણોનો ભંડાર છે. પ્રાકૃતિક દેન છે તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીએ તે જરૂરી છે.
ડો. રમેશભાઇ ભયાણી