રઘુવીરનો જન્મ ઇ.સ. ૧૯૩૮ના ડિસેમ્બરની માસની પાંચમી તારીખે બાપુપુરા ગામે થયો હતો પિતાનું નામ દલસિંહ અને માતાનું નામ જીતીબહેન. ઇ.સ. ૧૯૬૦માં હિંદી વિષય વઇને બી.એ. માં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઇ તેઓ અધ્યાપનકાર્યમાં જોડાયા હતા ઇ.સ. ૧૯૭૯માં ગુજરાતી ધાતુકોશ વિષય પર સંશોધન કરી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી ઇ.સ. ૧૯૭૭થી તેઓ ગુજરાત યુનિવર્સટીમાં અધ્યાપક તરીકે સેવા આપવા લાગ્યા. રઘુવીરનું મુખ્ય પ્રદાન નવલકથાક્ષેત્રે છે. તેમણે પ્રસિદ્ધ કરેલી નવલકથાઓમાં તેમની કીર્તિદા કૃતિ અમૃતા (૧૯૬૫), ‘તેડાગર’ (૧૯૬૮), ‘લાગણી’ (૧૯૭૬),‘બાકી જિંદગી’ (૧૯૮૨) જેવી કૃતિઓ ઉપરાંત સમાજને લક્ષમાં રાખી લખાયેલી મહાનવલો ‘પૂર્વરાગ’ (૧૯૬૪) અને ‘ઉપરવાસત્રયી’ (૧૯૭૫) તથા કેટલીક પુરાણકથાઓ જેવી કે ‘ગોકુળ’,‘મથુરા’,‘દ્ધારકા’, (૧૯૮૬)નો સમાવેશ કરી શકાય. તેમણે એકલવ્ય,પંચપુરાણ અને જે ઘર નાર સુલક્ષણા જેવી હાસ્યકટાક્ષ પ્રયોજતી કથાઓ પણ લખી છે. તેમણે લખેલા વાર્તાસંગ્રહો એટલે ‘આકસ્મિક સ્પર્શ’ (૧૯૬૬), ‘ગેરસમજ’ (૧૯૬૮) અને ‘અતિથિગૃહ’ (૧૯૮૮), એમના વાર્તાસાહિત્યમાં સ્વરૂપવૈવિધ્ય,રચનારિતિ પ્રયોગો પ્રતીક, જવાંઉપરણોનો વિનિયોગ જોવા મળે છે. તેમણે ‘અશોકવન’,‘ઝૂલતા મિનારા’ (૧૯૭૦) તથા‘સિકંદર સાની’(૧૯૭૯) નામનાં નાટકો પણ લખ્યાં છે. ઇ.સ. ૧૯૬૫માં ત્મને કુમારચંદ્રક, ઇ.સ. ૧૯૭૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ઇ.સ. ૧૯૭૭માં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર ઉપરાંત ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પણ એનાયત થયેલ છે. ઇ.સ. ૧૯૯૪માં દર્શક ફાઉન્ડેશન તરફથી પણ એમને એવાર્ડ આપવામાં આવેલ. ગુજરાત સરકારે પાંચ પુરસ્કાર આપી તેમનું બહુમાન કર્યું છે.