યૌવન તું શું ચાહે ? આજનો યુવાન ગુમરાહ છે કે બેદરકાર!
તેને શું જોઈએ છે. કઈ દિશામાં આંધળી દોટ મૂકે છે. પશ્ચિમની
હવા તેના અંગ અંગમા પ્રસરી છે. દેખાદેખી અને ધન પાછળ
પાગલ તે શું કરે છે તે પણ વિસારે પાડે છે.
સવારનો પહોર હતો. સુંદર ઉષાનું સામ્રાજ્ય ફેલાયું હતું.
વહેલી સવારે હંમેશની આદત પ્રમાણે ચાલવા નિકળી હતી. કલકત્તાનું’
‘વિક્ટોરિયા’ માનવ મેદનીથી ઉભરાતું હતું.
અમેરિકાના લાંબા વસવાટ પછી પણ માતૃભૂમિને આંગણે
સવારની આહલાદક હવાની મહેક મનને પ્રફુલ્લિત કરી મૂકે છે. જો કે
ત્યાંની જીંદગી હવે માફક આવી ગઈ છે. બંને ભૂમિ પ્રત્યે અથાગ પ્રેમ
છે. ફેફસાંમા મન ભરીને હવા ભરી રહી હતી. અણુ અણુમા તેની
માદકતા વ્યાપી ગઈ હતી.
તે ટાંકણે બગીચાના વડના ઝાડ નીચે દસથી બાર જુવાનિયા
કસરત કરી રહ્યા હતા. બે મિનિટ પગ થંભી ગયા અને પ્રસન્ન વદને
નિહાળી રહી. ઇશ્વરનું નામ સ્મરણ કરતાં મારી પ્રવૃત્તિ ચાલુ રાખી.
આખું વર્તુળ ચાલતા અડધો કલાક લાગે. બગીચાનું સૌંદર્ય
આંખે ઉડીને વળગે તેટલું મનમોહક છે. સુરજના કિરણો સાથે ગેલ
કરતા ફુલોને જોવાનો અવસર સાંપડ્યો. પગ પાછા તેજ સ્થળે
આવ્યા જ્યાં જુવાન યુવક અને યુવતીઓ કસરત કે યોગ કરી
રહ્યા હતા.
જે દૃશ્ય જોયું તે આંખો માનવા તૈયાર ન હતી. આંખ ચોળી.
હકિકત તપાસવા ત્યાં નજદિક સરી. માનવામાં નહી આવે, કિંતુ
અતિશયોક્તિ નથી કરતી. “કચરાનો ચારે બાજુ ” ફેલાવો. ખાઈ
ખાઈને કાગળ, ખોખા અને ખાલી બાટલીઓ. શું આ સભ્યતા છે ?
જે બગીચામા દર પંદર ડગલાં ચાલો તો મોટા મોટા કચરો
નાખવાના પીપડાં જણાય છે. આ વૃંદ અભણ ન હતું . તેમજ ક્યાં
હતા તેનું સંપૂર્ણ ભાન ધરાવતા હતા. શું આવા કૃત્ય માટે પણ આપણી
સરકાર જવાબદાર છે ?