યશવંત શુક્લ ગુજરાતી ભાષાના સાહિત્યકાર તરીકે ખુબ જ જાણીતા છે. તેઓ તરલ, વિહંગમ, સંસારશાસ્ત્રી જેવાં વિવિધ ઉપનામોથી ઓળખાય છે.. તેમનું આખું નામ યશવંત પ્રાણશંકર શુક્લ છે. તેમનો ૮મી એલિ, ૧૯૧૫ના દિને ઉમરેઠ, તા.ઉમરેઠ, જિ.આણંદ, ગુજરાત, ભારત ખાતે બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો હતો. તેમણે એમ.એ. સુધી અભ્યાસ કર્યો હતો અને અભ્યાસ પુરો થયા પછી તેઓ અધ્યાપન તેમ જ પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયા હતા. તેમણે સાહિત્યક્ષેત્રે અનુવાદક, જીવન ચરિત્ર લેખક, નિબંધકાર, પત્રકાર, વિવેચક, સંપાદક તરીકે કાર્યો કરી સાહિત્યકાર તરીકે વિશેષ નામના મેળવી
૧૯૩૮માં સુરતની એમ.ટી.બી. કૉલેજ દ્વારા મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયોમાં એમ.એ. ૧૯૩૯-૪૧ દરમિયાન ગુજરાત કૉલેજ તથા એલ્ફિન્સ્ટન કૉલેજમાં ખંડસમયના વ્યાખ્યાતા. ૧૯૪૨-૪૫ દરમિયાન ભારતીય વિદ્યાભવનમાં પહેલાં રીડર પછી પ્રોફેસર. ૧૯૪૬-૫૫ દરમિયાન ભો.જે. વિદ્યાભવનમાં પહેલાં પ્રોફેસર પછી આસિસ્ટંટ ડાયરેક્ટર. ૧૯૫૫થી ૧૯૭૮ સુધી હ.કા. આર્ટસ કૉલેજ, અમદાવાદમાં આચાર્ય. દરમિયાન ૧૯૭૪-૭૫માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ. ૧૯૭૮થી ગુજરાત વિદ્યાસભામાં સંયોજક. ૧૯૭૩થી ૧૯૮૩ સુધી નેશનલ સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલ અને એકિઝક્યુટિવ બોર્ડના સભ્ય. ૧૯૮૪-૮૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. નર્મદચંદ્રક વિજેતા.
યશવંત શુક્લે એક અનુવાદક તરીકે પણ પોતાની શક્તિનો પરચો આપી દીધો છે. ‘સાગરઘેલી’ (1964) અનુવાદ તો ખરો જ, તે ઉપરાંત મેકિયાવેલીના ‘ધ પ્રિન્સ’નો અનુવાદ ‘રાજવી’ અને બર્ટ્રાન્ડ રસેલના ‘ધ પાવર’નો અનુવાદ (1970) ‘સત્તા’ જાણીતા છે.
તેમનાં સંપાદનોમાં ‘તોલ્સ્તૉયની વારતાઓ’ (1935) અને ‘ઉમાશંકરની વારતાઓ’ (1973) વગેરેનો સમાવેશ થાય છે. તેમની કારકિર્દીના અંતભાગમાં વિચારસમૃદ્ધ લેખોના ત્રણ સંગ્રહો ‘કંઈક વ્યક્તિલક્ષી, કંઈક સમાજલક્ષી’ (1996), ‘સમય સાથે વહેતાં’ (1996) અને ‘પ્રતિસ્પંદ’ (1996) પ્રગટ થયા હતા.
યશવંત શુક્લે ચીનનો પ્રવાસ (1965) ત્યાંની સંસ્કૃતિના સંદર્ભે ખેડ્યો હતો અને ઇંગ્લૅન્ડમાં પણ સાહિત્યસમારંભમાં (1991) અતિથિ-વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ (ઈ. સ. 19831985) તેમણે સંભાળ્યું હતું. ગુજરાત સાહિત્ય સભાના તેઓ આજીવન ઉપપ્રમુખ રહ્યા હતા.
તેમને ઈ. સ. 1985માં નર્મદ સુવર્ણચંદ્રક અને ઈ. સ. 1992માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા હતા.