ગાંઘીયુગના જાણીતા ગુજરાતી કવિ ઉત્તર ગુજરાતના તત્કાલીન ઇડર રાજયના સુવેર ગામના રામચંદ્ર હરિદત્ત ઠાકુરને ત્યાં મોસાળમાં કુકડિયા ગામે ઇ.સ. ૧૯૧૦ના ફેબ્રુઆરી માસની ત્રેવીસમી તારિખે મુરલીધર ઠાકુરનો જન્મ બે વર્ષની વયે માતા ગંગાબાઇનું મૃત્યુ થતાં મોસાળમાં જ ગામઠી નિશાળે પ્રાથમિક અભ્યાસ કરી પિતા પાસે મુંબઇ જઇ ત્યાં મેટ્રિક થયા. ગુજરાતી-સંસ્કૃત લઇ એમ.એ. થયા અને મુંબઇની સિડનહામ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. સિડનહામ કોલેજની ભોંયતળિયે આવેલી પ્રોફેસરોના રૂમ વર્ષો સુધી કવિતાનો કકકો ઘૂંટનારથી માંડી સોશિયલ ની સમભાવની પ્રવૃત્તિ કરનાર અનેક હોંશીલા વિદ્યાર્થીઓની તીર્થધામ બની હતી એકાઉન્ટન્સી કે અર્થશાસ્ત્રના ખાસ વિષયો ત્યજીને એમનાં લેક્ચરોમાં હાજરી આપનાર અને મહાન માણસોનાં રેખાચિત્રો વાંચી આપણે મહાન તો કદાચ ન બનીએ પણ મહાનતાનો અનુભવ તો થોડી ક્ષણો અવશ્ય કરીએ જેવાં વિધાનોને કારણે ત્રણ-ત્રણ લેકચર સુધી મંત્રમુગ્ધ બની રહેનાર વિદ્યાર્થીઓનો ખાસ્સો મોટો સમુદાય એમની છટા અને સામર્થ્યને હજી આજેયે દાદ આપે છે.ઘણી ઘણી બાબતોનો એમના જીવનમાં અભાવ રહ્યો છે. મુંબઇના સૂર્યનારાયણ મંદિરમાં મોટા થયા જે કાર્ય હાથમાં લે તેને હોંશે હોંશે અને આગવા આત્મવિશ્વાસથી પાર પાડતા એથી જ એમના સ્વભાવમાં સ્વાભિમાનનો મિજાજ ઢાંકયો રહેતો નહિ. આ કારણે ઘણી વાર ઘણા લોકો સાથે મનમેળ સાધવામાં એમને મુશ્કેલ પડતી. અધ્યાપનકાર્ય, પ્રકાશનકાર્ય, ફિલ્મ સેન્સરબોર્ડમાં સભ્યપદ, અંતે મુંબઇ આકાશવાણીના ગુજરાતી વિભાગનું નિર્માતાપદ-એમ અનેક ક્ષેત્રે પોતાના ઉષ્માસભર વ્યકિતત્વની સૌરભથી અને સહાનુભૂતિના સ્પર્શથી આગવા પ્રીતિ-પ્રતિષ્ઠા સંપાદન કર્યા હતાં. ઇ.સ. ૧૯૭૫ના એપ્રિલ માસની બાવીસમી તારીખે વહેલી પરોઢે એ ચાલી નીકળ્યા.