નવરાત્રી મહોત્સવ હિંદુ પચાંગ અનુસાર વર્ષ દરમિયાન ચાર નવરાત્રી આવે છે. આ દરેક નવરાત્રીમાં ભક્તો પોતપોતાના ઈપ્સિત આરાધ્યને ભજીને કે તેમનું અનુષ્ઠાન આદરીને તેમની પ્રસન્નતા મેળવવા, તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ આદરે છે. સૌપ્રથમ આવતી, ચૈત્ર માસમાં નવરાત્રી જેને ચૈત્રી નવરાત્રી કહેવાય છે. પોષ માસમાં આવતી શાકંભરી નવરાત્રી, ભાદરવામાં આવતી રામદેવપીરનાં નોરતાં અને આસોની રઢિયાળી રાતોમાં આવતી શારદીય નવરાત્રી. આ ચારેય નવરાત્રી દરમિયાન જુદા જુદા ઉપસકો માને ભજે છે તેમનું લઘુ અનુષ્ઠાન આદરે છે. લઘુ અનુષ્ઠા ૨૪,૦૦૦ મંત્રથી કરવાનું હોય છે. જેમાં પ્રથમ દિવસે જેટલી માળા કે જેટલા જપ કર્યા હોય તેટલી માળા કે તેટલા જપ તે જ સમય દરમિયાન કરવાના હોય છે. નવરાત્રીના નવ દિવસમાં આ ૨૪,૦૦૦ મંત્ર પૂરા કરવાના હોય છે. નવ દિવસ દરમિયાન ઉપવાસ કરવાના રહે છે. જેમાં ફળાહાર કે માત્ર દૂધ પીવું જોઈએ. જો ભૂખ્યું ન રહેવાતું હોય તો જ એક ટાઈમ જમીને નવરાત્રી કરવી જોઈએ. અનુષ્ઠાન આદરતાં પહેલાં ઘર બરાબર વાળીઝૂડીને સાફ કરવું. નવરાત્રીના પહેલા દિવસે કચરા-પોતું કરાવી મા કે પોતાના ઈષ્ટની સેવા-પૂજા કરી તેમની આગળ પોતાનો ઉચ્છિત ધ્યેય વ્યક્ત કરી સંકલ્પ લેવો. તેમની પાસે બંને સમય સેવા-પૂજા-આરતી, પ્રસાદ, ભોગ વગેરે કરવા. જો જવારા વાવવાનો નિયમ રાખેલ હોય તો તે મુજબ દર વર્ષે કરવો. નવ દિવસ દાઢી કે હજામત કરવી-કરાવવી નહીં. નખ કાપવા નહીં, દાંત ખોતરવા નહીં, કાન કોતરવા નહીં, બ્રહ્મચર્ય પાળવું. તન,મન,ધનથી પવિત્ર રહેવું. નવે નવ દિવસ ભૂમિશયન કે કંબલશયન કરવું. ક્રોધ કરવો નહીં. અપશબ્દો કે માનસિક વ્યભિચાર પણ કરવો નહીં. નવ દિવસ દરમિયાન ૨૪,૦૦૦ મંત્ર પૂરા કરવા જાપ પૂરા થાય એટલે ૨૪૦૦ મંત્રથી દશાંશ હવન કરવો. દશાંશ હવન એટલે દશમાં ભાગના મંત્રથી આહુતિ અગ્નિદેવને સમપ્રિત કરવી. ત્યારબાદ પોતાના ઈષ્ટની ફરીથી સેવા-પૂજા કરવી. તેમનાં ગુણગાન ગાવાં. મંડપ, બાજો કે સ્થાપન કર્યું હોય તો તે યોગ્ય ભૂદેવને સીધું આપવું કે યોગ્ય દાન દક્ષિણા આપવા. આમ કરવાથી પોતાના ઈચ્છિત આરાધ્ય પ્રસન્ન થાય છે. જેમ સરકારી ખાતામાં અરજી કરો એટલે તેનો જવાબ આવે જ તેમ પૂરી શ્રદ્ધાથી આદરેલું અનુષ્ઠાન કે કોઈપણ કર્મ વ્યર્થ જતું નથી. કેટલાક દેવીને પ્રસન્ન કરવાના બીજ મંત્ર (૧) ૐ હી કલીં ચામુંડાયૈ વિચ્યૈ. (૨) શ્રીં ક્લીં નમઃ (૩) ૐ હી નમઃ બને ત્યાં સુધી સાધકો દેવીને પ્રસન્ન કરવાના મંત્રનો જ જાપ કરતા હોય છે. છતાં કોઈ કોઈ સાધક અન્ય ઉગ્ર દેવ કે વીરની ઉપાસના કરતા હોય છે. તો કોઈ કોઈ સાધક ભગવાન શ્રીહરિ વિષ્ણુની ઉપાસના કરતા હોય છે. આ તમામ પાછળનો હેતુ તો પોતાના ઈષ્ટની પ્રસન્નતા જ મેળવવાનો હોય છે.