માનસિક તાણ ધટાટૅ કોફી
રોજબરોજના કામકાજ અને દોડાદોડીભર્યા જીવનમાં ચા અને કોફી ટેન્શન ઘટાડવા માટે સહજ રીતે વણાઇ ગયા છે, પરંતુ તાજેતરમાં થયેલાં સંશોધનોએ પુરવાર કર્યું છે કે, કોફી આપણી માનસિક તાણ ઘટાડવાને બદલે વધારે છે. એટલું જ નહિ, તેનાથી શરીરમાં કેટલીક વિપરીત અસરો પણ પેદા થાય છે. અમેરિકાની વિખ્યાત ડ્યૂક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ સંશોધનો અને પ્રયોગોપૂર્વક જાહેર કર્યું છે કે, કોફીમાં રહેલું કેફિન આપણા શરીરમાં કોર્ટિસોલ અને તેના જેવા અંતઃસ્ત્રાવને વધારે છે. આ રસાયણો હ્રદયના ધબકારા અને બ્લડપ્રેશરને વધારવા માટે જવાબદાર છે. સામાન્ય રીતે કોઇક ‘ઇમર્જન્સી એલર્ટ‘ હોય ત્યારે શરીર આ રસાયણો પેદા કરે છે. પરંતુ કોફી-કેફિનને કારણે આ રસાયણો શરીરમાં સતત ઊંચી માત્રામાં ઉત્પન્ન થતા રહે છે. પરિણામે આપણા શરીરમાં બ્લડપ્રેશર સતત ઊંચું આવે છે. તેના કારણે હ્રદયરોગની અને હ્રદયરોગના હુમલાની શક્યતા પણ ખૂબ જ વધી જાય છે.
કેલિફોર્નિયામાં સાન ડિયાગો ખાતે આ વૈજ્ઞાનિકોની ટીમના સૂત્રધાર ડો. જેમ્સ લેઇને પુરવાર કર્યું છે કે, દરરોજના ચાર કે પાંચ કપ કોફી પીનારાઓને સાંજ પડ્યે ખૂબ થાક અને માનસિક તાણનો અનુભવ થાય છે. એટલું જ નહિ, જેઓ કોફીના આદતી છે તેમના શરીરમાં એડ્રિનાલીન અને નોરએડ્રિનાલીન નામના અંતઃસ્ત્રાવ પણ વિશેષ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. ભય કે માનસિક તાણના સંજોગોમાં ઉત્પન્ન થતાં આ રસાયણો કોફીને કારણે વધુ માત્રામાં પેદા થાય છે તે હ્રદયનો મોટો ખતરો બની જાય છે.
વિજ્ઞાનીઓ કહે છે કે, કોફી પીવાથી કે કેફિનયુક્ત પીણાંઓથી શરીરમાં થતી બીજી અસરો વિશે પણ જાણી લો :
તેનાથી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે, યાદશક્તિ પર ખરાબ અસર પડે છે, અનિદ્રાની તકલીફ થાય છે અને એવું બીજું ધણું બધું…
આવાં પરિણામોને અંતે હવે સૌને લાગે છે કે માનસિક તાણમાં કોફી કે અન્ય વ્યસનોનો આશરો કરવા કરતાં આધ્યાત્મિક બાબતો વધારે સચોટ અને યોગ્ય છે.