માદક પદાર્થો
માદક પદાર્થોમાં હિંદુસ્તાનમાં મદિરા, ભાંગ, ગાંજો, તમાકુ અને અફીણ ગણી શકાય. મદિરામાં એ દેશમાં પેદા થતાં તાડી અને ‘એરક’ (મહુડાં) છે; અને પરદેશથી આવતા દારૂઓનો કંઇ પાર નથી. આ બધા સર્વથા ત્યાજય છે. મદિરાપાનથી માણસ ભાન ભૂલે છે અને એ સ્થિતિમાં એ નકામો થઇ જાય છે. જેને શરાબની ટેવ વળગી છે તેઓ પોતે ખુવાર થયા છે ને પોતાનાને ખુવાર કર્યા છે. મદિરાપાન કરનાર બધી મર્યાદાને તોડે છે.
એવો એક પક્ષ છે જે બાંધેલા (મર્યાદિત) પ્રમાણમાં શરાબ પીવાનું સમર્થન કરે છે, અને તેથી ફાયદો થાય છે એમ કહે છે. મને એ દલીલમાં કંઇ વજૂદ નથી લાગ્યું. પણ ઘડીભર એ દલીલનો સ્વીકાર કરીએ તોપણ અનેક માણસો જે મર્યાદામાં રહી જ નથી શકતા તેમને ખાતર પણ એ વસ્તુનો ત્યાગ કરવો ઘટે છે.
તાડીનું સમર્થન પારસી ભાઇઓ તરફથી પુષ્કળ થયું છે. તેઓ કહે છે કે, તાડીમાં માદકતા છે ખરી, પણ તાડી ખોરાક છે અને સાથે સાથે બીજા ખોરાકને હજમ કરવામાં મદદ કરનારી છે. આ દલીલ મેં બહુ વિચારી છે, અને એ વિશે સારી પેઠે વાંચ્યુ છે. પણ તાડી પીનારા ઘણા ગરીબોની જે દુર્દશા મેં જોઇ છે તે ઉપરથી હું એવા નિર્ણય ઉપર આવ્યો છું કે, મનુષ્યના ખોરાકમાં તાડીને કશું સ્થાન આપવાની જરૂર નથી.
ત્યાંના હબસીઓને સામાન્યપણે પોતાની મૂળ સ્થિતિમાં શરાબ પીવાની ટેવ નથી હોતી. તેઓને તો દારૂએ વિનાશ જ કર્યો છે એમ કહી શકાય.ઘણા હબસી મજૂરો પોતાની કમાણી શરાબમાં હોમતા જોવામાં આવે છે. તેઓનું જીવન નિરર્થક બની જાય છે. અને અંગ્રેજોનું સારા ગણાતા અંગ્રેજોને પણ મેં ગટરમાં આળોટતા જોયા છે. આ અતિશયોકિત નથી. લડાઇને વખતે જેને ટ્રાન્સવાલ છોડવું પડયું હતું એવા ગોરાઓમાંથી એકને મેં મારે ત્યાં રાખ્યો હતો. એ એન્જિનિયર હતો. શરાબ જ પીધો હોય ત્યારે એના લક્ષણ બધા સારા હતાં. થિયોસોફિસ્ટ હતો. પણ તેને શરાબ પીવાની લત હતી. જયારે એ પીએ ત્યારે તે છેક દીવાનો થઇ જતો. તેણે શરાબ છોડવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ મારી જાણ પ્રમાણે છેવટ લગી તે સફળ ન થઇ શકયો.
દક્ષિણ આફ્રિકાથી દેશ આવ્યો ત્યારે પણ દુખઃદ અનુભવો જ થયા. કેટલાક રાજાઓ શરાબની કુટેવથી ખુવાર થયા છે અને થાય છે. જે રાજાઓને લાગુ પડે છે તે ઘણા ધનિક યુવકોને પણ ઓછાવત્તા પ્રમાણમાં લાગુ પડે છે. મજૂર વર્ગની સ્થિતિ તપાસીએ તો તે પણ દયાજનક જ છે. આવા કડવા અનુભવો પછી વાંચનાર આશ્ર્ચર્ય નહીં પામે કે હું કેમ મદ્યપાનનો સખત વિરોધ કરું છું.
એક વાકયમાં કહું તો મદ્યપાનથી મનુષ્ય શરીરે, મને અને બુદ્ઘિએ હીન થાય છે ને પૈસાની ખુવારી કરે છે