દહીંને વલોવી તેમાંથી સારરૂપ માખણ કાઢવામાં આવે છે. માખણ સ્પર્શે ખૂબ જ મૃદુ (સુંવાળું) હોય છે. તે નાનાં-મોટાં સર્વેને માટે અમૃત સમાન છે. ઘી કરતાં માખણ જલદી પચે છે. તાજું માખણ સ્વાદિષ્ટ હોય છે.
માખણ દરરોજ નવા તાજા કોશ બનાવે છે. દેહને સુકુમાર કરે છે. વીર્યને ખૂબ વધારે છે તેમજ પિત્ત અને વાયુનો નાશ કરે છે.
માખણ અવિદાહી છે. એ અગ્નિને વધારે છે. અર્થાત્ ભૂખ કકડીને લગાડે છે. માખણ પચવામાં હલકું છે તેમજ તરત જ લોહી કરનારું છે.
માખણ આંખનું આલોચક પિત્ત વધારનાર છે. તેથી તેનું નિયમિત સેવન કરનારને આંખના ચશ્મા આવતાં નથી. માખણ હરસ-મસા પર પણ ઉત્તમ છે. તે ખાંસીને પણ મટાડે છે.
વલોણામાંથી કાઢેલું ખટાશવાળું તાજું માખણ શરદી કરતું નથી અને ઉત્તમ મનાય છે. તાજું માખણ સ્વાદિષ્ટ અને મધુર હોઈ ઝાડામાંના પ્રવાહીને સૂકવી મોઈ જેવો ઝાડો બાંધે છે. તાજું માખણ શીતળ, લઘુ, મેધા વધારનારું અને શરીરનો સર્વતોમુખી વિકાસ કરનારું છે.
સઘળા પ્રકારનું માખણ મધુર, ઝાડાને રોકનાર, ઠંડું, હલકું, પૌષ્ટિક અને બુદ્ધિને વધારનાર છે. તેમાં કંઈક અંશે છાશનો ભાગ હોઈ તૂરું અને ખાટું છે.
ગાયનું માખણ હિતકારી, વૃષ્ય (મૈથુનશક્તિ વધારનાર), વર્ણ (શરીરનો રંગ) સારો કરનાર, બળ આપનાર અને અગ્નિને પ્રદીપ્ત કરનાર છે. એ ઝાડાને રોકનાર તથા વાયુ, પિત્ત, લોહીનો બગાડ કે વાયુપ્રધાન રક્તપિત્ત, અર્શ, અર્દિતવાયુ, શોષ અને ઉધરસને મટાડનાર છે. સર્વ પ્રકારનાં માખણોમાં ગાયનું માખણ ઉત્તમ ગણાય છે.
ભેંસનું માખણ વાયુ અને કફ કરનાર તથા ભારે છે. એ દાહ, પિત્ત તથા શ્રમ (થાક)ને હરનાર તેમજ મેદ અને વીર્યને વધારનાર છે. ગાયના માખણ કરતા ભેંસનું માખણ થોડા વધારે સમયે પચે છે.
બકરીનું માખણ મધુર, તૂરું, હલકું, નેત્રને હિતાવહ, દીપક, બળકર અને હિતકર છે. એ ક્ષય, ઉધરસ, ગુલ્મ, પ્રમેહ, શૂળ, નેત્રરોગ, જ્વર, પાંડુરોગ અને શ્વેતકોઢનો નાશ કરે છે.
ગાયનું માખણ અને ખડીસાકર ખાવાથી ક્ષય રોગમાં ફાયદો થાય છે અને શરીરમાં શક્તિ ઉત્પન્ન થાય છે તેમજ ગાયનું માખણ અને તલ ખાવાથી હરસ-મસામાં ફાયદો કરે છે.
માખણ, મધ અને ખડીસાકર મેળવીને ખાવાથી રક્તાતિસાર (મરડો) મટે છે.
માખણ, નાગકેસર અને ખડીસાકર એકત્ર કરીને ખાવાથી રક્તાર્શ (દૂઝતા મસા)માં ફાયદો થાય છે.
ગાયનું માખણ આંખો ઉપર ચોપડવાથી આંખોની બળતરા મટે છે. ખરસાણીનું દૂધ કે ભિલામાં આંખમાં પડ્યાં હોય તો ગાયનું માખણ આંખમાં આંજવાથી ફાયદો થાય છે.
લાંબા સમયનું વાસી માખણ ખારાશ, તીખાશ અને ખટાશવાળું હોઈને ઊલટી, અર્શ, કોઢ કરનાર, કફ કરનાર, ભારે અને મેદની વૃદ્ધિ કરનાર છે. વાસી માખણ ખાવું ન જોઈએ.