મહિલાઉદ્ઘારનાં પ્રણેતા મૃદુલાબહેનઃ મૃદુલાબહેન સારાભાઇ
જન્મઃ-૧૯૧૦૦ આશરે
માતાનું નામઃ- સરલાબહેન
પિતનું નામઃ-અંબાલાલ
બાળપણ ખૂબ જ લાડકોડમાં વીત્યું હતું. માતા અને દાદીમા પાસેથી તેમને રાષ્ટ્રપ્રેમ અને સમાનતાની ભાવનાના સંસ્કાર મળ્યા હતા. તેમને પરદેશથી શિક્ષકને બોલાવી ઘેર જ શિક્ષણ આપવાની સુવિધા તેમનાં માતાએ કરી હતી.
સારાભાઇએ કુટુંબને ગાંધીજી સાથે ઘનિષ્ઠ સંબંધ હતો. મૃદુલાબહેન આમ તો રેશમી વસ્ત્રો અને અલંકારો પહેરવાનાં ખૂબ જ શોખીન હતાં, પરંતુ ગાંધીજીનાં વિચારોની અસરોથી તેમણે પોતાના બધા શોખને તિલાંજલી આપી દીધી. સાદાઇથી જીવન જીવવાનું તેમણે નક્કી કર્યું. સ્ત્રીઓના સમાન અધિકાર માટેની તેમની ઝંખના અજોડ હતી. નીચેનો પ્રસંગ તે વાતની શાખ પૂરે છે.
એક વખત સારાભાઇનું આખું કુટુંબ માથેરાનના પ્રવાસે જતું હતું. તેમનો નોકર રવજી સાથે જવાનો હતો.
મૃદુલાબહેને પિતાને કહ્યું, ‘બાપુજી, રવજી આપણી સાથે આવે છે તો એની વહુ કેમ નથી આવતી ? ’
પિતાએ કહ્યું, ‘દીકરી, રવજીનું લગ્ન તાજેતરમાં થયું છે, એની વહુને લઇ જવાની શી જરૂર ? ’
મૃદુલાબહેને કહ્યું ‘એ ન ચાલે, રવજીએ એની પત્નીને સાથે લાવવી જ જોઇએ. શું એને ફરવા આવવાનું મન ન થાય ? પિતા નિરુત્તર થઇ ગયા.
‘બાપુજી કેમ બોલ્યા નહિ ? આપણે કુટુંબમાંથી બધાં જ જઇએ તો રવજીની વહુને પણ આવવાનું હોય જ ને. ’ મૃદુલાબહેને દલીલ કરી અને પિતા સંમત થઇ ગયા.
મૃદુલાબહેનને ગાંધીજીની પ્રેરણા તો ખરી જ પણ સ્ત્રીજાગૃતિ માટે કામ કરવાની તેમની ધગશ પણ ઓછી નહોતી. એમાં વળી ગાંધીજીનું સૂચન કર્યું, એટલે તે કામ તેમણે ઉપાડી લીધું. સ્ત્રીઓને વિવિધ ક્ષેત્રનું જ્ઞાન મળે, અનેક હસ્તકલાઓ અને હસ્તઉદ્યોગોની તાલીમ મળે તે હેતુસર તેમણે એક સંસ્થા ઊભી કરવાનો વિચાર કર્યોં. ગાંધીજીના આર્શીવાદ લઇને તેમણે ૧૯૩૪ના એપ્રીલમાં ‘જયોતિસંઘ’ નામે મહિલા સંસ્થાની સ્થાપના કરી.
આ સંસ્થા દ્વારા સ્ત્રીઓને સ્વાવલંબનની તાલીમ અપાતી હતી. સાથે સાથે એવી સ્ત્રીઓને ન્યાય આપવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું કે જેમને સામાજિક અન્યાય થયો હોય, કુટુંબના ઝઘડાથી ત્રાસ થતો હોય અથવા કોઇ પણ જાતનો અત્યાચાર થતો હોય પરિણામે કેટલીક બહેનો પગભર થઇ અને તેમનો આત્મવિશ્ર્વાસ વધ્યો. ‘જયોતિસંઘ’ આજે ગુજરાતની અનેક બહેનો માટે શીળી છાયડી બનાવવામાં મૃદુલાબહેનનો ફાળો અદ્ઘિતીય છે.
મૃદુલાબહેને સ્વાતંત્ર્યસંગ્રામમાં પણ ઝંપલાવ્યું હતું. ઇ.સ. ૧૯૩૨ના આંદોલનમાં તેમણે સક્રિય ભાગ લીધો હતો. તે માટે તેમને છ મહિનાની જેલ પણ ભોગવવી પડી હતી. રાજકોટ સત્યાગ્રહ વખતે પણ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ‘હિંદ છોડો’ની ચળવળમાં પણ તેમણે ભાગ લઇ ધરપકડ વહોરી લીધી હતી.
૧૯૪૫માં મુંબઇ ધારાસભાના સભ્યપદ માટે તેમની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ ગાંધીજીની ઇચ્છા નહોતી કે મૃદુલાબહેન રાજકારણમાં જોડાય. તેથી મૃદુલાબહેને સમગ્ર જીવન રચનાત્મક કાર્યો કરવામાં જ પસાર કર્યું. ૧૯૫૩ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં ઊભી થયેલી અશાંતિમાં તેમણે શાંતિસૈનિક તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી હતી. કોમી રમખાણો ફાટી નીકળ્યાં ત્યારે ગજબની હિંમત અને સમયસૂચકતા વાપરીને સ્ત્રીઓ અને બાળકોને કોમનો ભેદભાવ રાખ્યા વગર મદદ કરનાર મૃદુલાબહેન સાચાં માનવતાવાદી હતાં. વ્યાવસાયિક પત્રકાર તરીકે પણ તેમણે લાંબો સમય કામ કર્યું હતું.
ગાંધીજી પાસેથી સત્ય, અહિંસા અને નિર્ભયતાના પાઠ શીખીને આજીવન રાષ્ટ્રની સેવિકા બનીને રહેનાર મૃદુલાબહેન સ્ત્રીઓ માટે પ્રેરણાના ઝરણા સમાન હતાં. તેમણે રાષ્ટ્રનિર્માણ માટે ભેખ લીધો હતો.
તેઓ અત્યંત ધનાઢય પરિવારમાં જન્મ્યાં હતાં, પણ એક સામાન્ય નારીની જેમ પવિત્ર અને ઉમદા જીવન જીવી ગયાં. અગ્રણી મહિલા સ્વાતંત્ર્યસેનાની અને મહિલાઉદ્ઘારનાં પ્રણેતા મૃદુલાબહેનને ગુજરાત શી રીતે ભૂલી શકે ?
અવસાનઃ- ૨૭મી ઑકટોબર ૧૯૭૪