મહાત્મા ગાંધીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ સારાંશ-બચપણ

બચપણ
હાઇસ્‍કૂલના પહેલા જ વર્ષનો, પરીક્ષા વખતનો એક બનાવ નોંધવા યોગ્‍ય છે. કેળવણીખાતાના ઇન્‍સ્‍પેકટર જાઇલ્‍સ નિશાળ તપાસવા આવ્‍યા હતા. તેમણે પહેલા ધોરણના છોકરાઓને પાંચ શબ્‍દ લખાવ્‍યા. તેમાં એક શબ્‍દ ‘કેટલ’ (kettle) હતો. તેની જોડણી મે ખોટી લખી. માસ્‍તરે મને પોતાના બૂટની અણી મારી ચેતવ્‍યો. પણ હું શાનો ચેતું ? મને એમ ભાસી ન શકયું કે માસ્‍તર મને સામેના છોકરાની પાટીમાં જોઇ લઇ જોડણી સુધારવાનું કહે. માસ્‍તર તો અમે એકબીજામાંથી ચોરી ન કરીએ એ જોતા હતા એવું મેં માનેલું. બધા છોકરાના પાંચે શબ્‍દ ખરા પડયા ને એકલો હું ઠોઠ ઠર્યો ! મારી ‘મૂર્ખાઇ’ મને માસ્‍તરે પાછળથી સમજાવી; પણ મારા મન ઉપર તે સમજૂતીની કશી અસર ન થઇ. મને બીજા છોકરાઓમાંથી ચોરી કરતાં કદી ન આવડયું.
આમ છતાં માસ્‍તર તરફ હું મારો વિનય કદી ન ચૂકયો. વડીલોના દોષ ન જોવાનો ગુણ મારામાં સહેજે હતો. આ માસ્‍તરના બીજા દોષો પણ મારી જાણમાં પાછળથી આવેલા. છતાં તેમની પ્રત્‍યેનું મારું માન તો કાયમ જ રહેલું. વડીલોની આજ્ઞાનું પાલન કરવું એટલું હું સમજયો હતો. તેઓ કહે તે કરવું; કરે તેના આપણે કાજી ન બનવું.
આ જ સમયે બીજા બે બનાવો બન્‍યા તે મને હંમેશા યાદ રહ્યા છે. મને સામાન્‍ય રીતે નિશાળનાં પુસ્‍તકો ઉપરાંત કંઇ વાંચવાનો શોખ નહોતો. પાઠ કરવા જોઇએ, ઠપકો સહન ન થાય, માસ્‍તરને છેતરાય નહીં, તેથી પાઠ વાંચતો. પણ મન આળસ કરે. તેથી પાઠ ઘણી વાર કાચા રહે. ત્‍યાં બીજું વાંચવાનું સૂઝે શાનું ? પણ પિતાશ્રીએ ખરીદેલું એક પુસ્‍તક મારી નજરે ચડયું. એ ‘શ્રવણપિતૃભકિત નાટક’. આ વાંચવાનું મને મન થયું. તે હું અતિશય રસપૂર્વક વાંચી ગયો. એ જ દિવસોમાં કાચમાં ચિત્રો દેખાડનારા પણ ઘેર આવતા. તેમની પાસેથી શ્રવણ પોતાનાં માતાપિતાને કાવડમાં બેસાડી યાત્રા કરવા લઇ જાય છે એ દશ્‍ય પણ મેં જોયું. બન્‍ને વસ્‍તુની મારા ઉપર ઊંડી છાપ પડી. મારે પણ શ્રવણ જેવા થવું એમ મનમાં થાય. શ્રવણના મૃત્‍યુ સમયનો તેનાં માતાપિતાનો વિલાપ હજુ યાદ છે. એ લલિત છંદ મે તો વાજામાંયે ઉતાર્યો. વાજું શીખવાનો શોખ હતો ને એક વાજું પિતાશ્રીએ અપાવ્‍યું પણ હતું.
આ જ અરસામાં કોઇ નાટક કંપની આવેલ તેનું નાટક જોવાની મને રજા મળી. હરિશ્ર્ચંદ્રનું આખ્‍યાન હતું. એ નાટક જોતો હું થાકું જ નહીં. એ ફરી ફરી જોવાનું મન થાય. એમ વારંવાર જવા તો કોણ જ દે ? પણ મારા મનમાં મેં એ નાટક સેકડો વખત ભજવ્‍યું હશે. હરિશ્ર્ચંદ્રનાં સ્‍વપ્‍નાં આવે. ‘હરિશ્ર્ચંદ્રના જેવા સત્યવાદી બધાં કાં ન થાય ? ’ એ ધૂન ચાલી. હરિશ્ર્ચંદ્રની ઉપર પડેલી તેવી વિપત્તીઓ ભોગવવી ને સત્‍યનું પાલન કરવું એ જ ખરું સત્‍ય. જેવી નાટકમાં લખેલી તેવી જ વિપદો હરિશ્ર્ચંદ્રને પડી હશે એમ મેં તો માની લીધેલું. હરિશ્ર્ચંદ્રનાં દુઃખ જોઇ, તેનું સ્‍મરણ કરી હું ખૂબ રોયો છું. આજે મારી બુદ્ધિ સમજે છે કે હરિશ્ર્ચંદ્ર કોઇ ઐતિહાસિક વ્‍યકિત નહીં હોય. છતાં મારે મન હરિશ્ર્ચંદ્ર અને શ્રવણ આજે પણ જીવતા છે. હું આજે એ નાટકો વાંચુ તો આજે પણ મને આંસુ આવે એમ માનું છું.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors