મહાત્મા ગાંધીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ સારાંશ-\’જીવનમાં પરિવર્તન

જીવનમાં પરિવર્તન
મારી રહેણી ઉપર મારો અંકુશ હતો તેથી હું જોઇ શકયો કે મારે કેટલું ખર્ચ કરવું જોઇએ. હવે મેં ખર્ચ અડધું કરી નાખવાનો વિચાર કર્યો. હિસાબ તપાસતાં જોયું કે મને ગાડીભાડાનો ખર્ચ સારી પેઠે થતો હતો. વળી કુટુંબમાં રહેવાથી અમુક રકમ તો અઠવાડિયે જાય જ. કુટુંબનાં માણસોને કોઇ દહાડો જમવાને બહાર લઇ જવાનો વિવેક વાપરવો જોઇએ. વળી તેમની સાથે મિજબાનીમાં કોઇ વેળા જવું પડે ત્યાં ગાડીભાડાનો ખર્ચ થાય જ. છોકરી હોય તો તેને ખર્ચ આપવા ન જ દેવાય. વળી બહાર જઇએ તો ઘેર ખાવાને પહોંચાય નહીં. ત્યાં તો પૈસા આપ્યા જ હોય, છતાં બહાર ખાવાના પૈસા બીજા આપ્યે જ છૂટકો. આમ થતું ખર્ચ બચાવી શકાય એમ જોયું. શરમથી જ કેટલુંક ખર્ચ કરવું પડતું હતું તે પણ બચે એમ સમજાયું.
અત્યાર સુધી કુટુંબોમાં રહેતો હતો તેને બદલે પોતાની જ કોટડી લઇને રહેવું એમ ઠરાવ કર્યો, અને કામ પ્રમાણે તથા અનુભવ મેળવવા સારુ જુદાં જુદાં પરાંમાં ઘર બદલવું એવો પણ ઠરાવ કર્યો. ઘર એવે ઠેકાણે પસંદ કર્યા કે જયાંથી કામની જગ્યાએ અડધા કલાકમાં ચાલીને જઇ શકાય ને ગાડીભાડું બચે. આ પહેલાં હંમેશા, જવાનું હોય ત્યાં ગાડીભાડું ખરચવું પડતું અને ફરવા જવાનો વખત નોખો કાઢવો પડતો. હવે કામે જતાં જ ફરાઇ જાય એવી ગોઠવણ થઇ અને આ ગોઠવણ થઇ અને આ ગોઠવણથી હંમેશા આઠદસ માઇલ તો હું સહેજે ફરી નાખતો. મુખ્યત્વે આ એક ટેવને લીધે હું ભાગ્યે જ વિલાયતમાં માંદો પડયો હોઇશ. શરીર ઠીક કસાયું. કુટુંબમાં રહેવાનું છોડી બે કોટડી ભાડે લીધી, એક સૂવાની અને એક બેઠક. આ ફેરફાર બીજો કાળ ગણાય. હજુ ત્રીજો ફેરફાર હવે પછી થવાનો રહે છે.
આમ અરધું ખર્ચ બચ્યું . પણ વખતનું શું ? હું જાણતો હતો કે બારિસ્ટીરની પરીક્ષાને સારુ બહુ વાંચવાની જરૂર નહોતી; તેથી મને ધીરજ હતી. મારું કાચું અંગ્રેજી મને દુઃખ દેતું હતું. લેલીસાહેબના શબ્દો – ‘તું બી.એ. થા, પછી આવજે’ – ખૂંચતા હતા. મારે બેરિસ્ટર થવા ઉપરાંત કંઇક બીજો અભ્યાસ કરવો જોઇએ. ઑકસફર્ડ કેમ્બ્રિજની ખબર કાઢી. કેટલાક મિત્રોને મળ્યો. જોયું કે ત્યાંર જતાં ખર્ચ બહુ વધે ને ત્યાંજનો ક્રમ લાંબો. મારાથી ત્રણ વર્ષ ઉપરાં રહેવાય તેમ નહોતું. કોઇ મિત્રે કહ્યું, ‘જો તારે કંઇ કઠણ જ પરીક્ષા આપવી હોય તો તું લંડનની મૅટ્રિકયુલેશનમાં પાસ થા. તેમાં મહેનત ઠીક કરવી પડશે ને સામાન્ય જ્ઞાન વધશે. ખર્ચ તો મુદ્દલ નહીં વધે. ’ આ સૂચના મને ગમી. પરીક્ષાના વિષયો જોઉં તો ભડકયો. લૅટિન અને બીજી ભાષા ફરજિયાત ! લૅટિન કેમ થાય ? પણ મિત્રે સૂચવ્યું. ‘લૅટિનનો ઉપયોગ વકીલને બહુ હોય છે. લૅટિન જાણનારને કાયદાનાં પુસ્તકો સમજવાં સહેલાં લાગે. વળી ‘રોમન લૉ’ ની પરીક્ષામાં એક સવાલ તો કેવળ લૅટિન ભાષામાં જ હોય છે, ને લૅટિન જાણવાથી તો અંગ્રેજી ભાષા ઉપર કાબૂ વધે. ’ આ બધી દલીલોની અસર પડી. મુશ્કેલ હો કે ન હો, પણ લૅટિન શીખવું જ. ફ્રેંચ લીધેલું પૂરું કરવું. એટલે બીજી ભાષા ફ્રેંચ એમ નિશ્ર્ચય કર્યો. એક ખાનગી મૅટ્રિકયુલેશન વર્ગ ચાલતો હતો તેમાં જોડાયો. પરીક્ષા દર છ માસે થાય, મને ભાગ્યે પાંચ માસનો વખત હતો. આ કામ મારા ગજા ઉપરાંત હતું. પરિણામ એ આવ્યું કે સભ્ય બનવામાંથી હું તો અત્યંત ઉદ્યમી વિદ્યાર્થી બન્યો. ટાઇમટેબલ બનાવ્યું. મિનિટો સાચવી. પણ મારી બુદ્ધિ કે યાદશકિત એવાં નહોતાં કે હું બીજા વિષયો ઉપરાંત લૅટિન અને ફ્રેંચને પહોંચી શકું. પરીક્ષામાં બેઠો. લૅટિનમાં નાપાસ થયો. દુઃખી થયો, પણ હાર્યો નહીં. લૅટિનમાં રસ લાગ્યો હતો. ફ્રેંચ વધારે સારું થશે ને વિજ્ઞાનમાં નવો વિષય લઇશ એમ વિચાર્યુ. રસાયણશાસ્ત્ર , જેમાં હવે જોઉં છું કે ખૂબ રસ આવવો જોઇએ, તે પ્રયોગોને અભાવે મને ગમતું જ નહોતું. દેશમાં તો એ વિષય શીખવાનો હતો જ. એટલે લંડન મૅટ્રિક માટે પણ પહેલી વેળા એ જ પસંદ કર્યો હતો. આ વેળા પ્રકાશ અને ઉષ્ણતા (લાઇટ અને હીટ) લીધાં. આ વિષય સહેલો ગણાતો. મને પણ સહેલો લાગ્યો.
ફરી પરીક્ષા આપવાની તૈયારીની સાથે જ રહેણીમાં વધારે સાદાઇ દાખલ કરવાનો પ્રયોગ આદર્યો. મને લાગ્યું કે હજુ મારા કુટુંબની ગરીબાઇને છાજે તેવું સાદું મારું જીવન નથી. ભાઇની તંગીનો તેમની ઉદારતાનો વિચાર કરતાં હું કચવાયો. જેઓ પંદર પાઉન્ડ અને આઠ પાઉન્ડ દર માસે ખર્ચતા હતા તેમને તો શિષ્યાવૃતિઓ મળતી હતી. મારા કરતાં વધારે સાદાઇથી રહેનારને પણ હું જોતો હતો. મારા પ્રસંગમાં આવા ગરીબ વિદ્યાર્થીઓ ઠીક પ્રમાણમાં આવ્યા હતા. એક વિદ્યાર્થી લંડનના કંગાળ ભાગમાં અઠવાડિયાના બે શિલિંગ ભરી એક કોટડીમાં રહેતો હતો, અને લોકાર્ટની સસ્તી કોકોની દુકાનમાં બે પેનીનાં કોકો અને રોટી ખાઇને ગુજારો કરતો હતો. તેની હરીફાઇ કરવાની તો મારી શકિત નહોતી, પણ હું અવશ્ય બેને બદલે એક કોટડીમાં રહી શકું અને અરધી રસોઇ હાથે પણ પકાવી શકું એમ લાગ્યું . આમ કરવાથી હું દર માસે ચાર કે પાંચ પાઉન્ડમાં રહી શકું. સાદી રહેણીમાં પુસ્તકો પણ વાંચવામાં આવ્યાં હતાં. બે કોટડી કાઢી નાખી અઠવાડિયાના આઠ શિલિંગની એક કોટડી ભાડે લીધી. એક સગડી ખરીદી ને સવારનું હાથે પકાવવાનું શરૂ કર્યું. પકાવવામાં ભાગ્યે વીસ મિનિટ જતી. ઓટમીલની ઘેંસ અને કોકોને સારુ પાણી ઉકાળવામાં શો વખત જાય ? બપોરે બહાર જમી લેવું અને સાંજે પાછો કોકો બનાવી રોટીની સાથે લેવો. આમ હું એકથી સવા શિલિંગમાં રોજ ખાવાનું મેળવી લેતાં શીખ્યો. આ મારો સમય વધારેમાં વધારે ભણતરમાં હતો. જીવન સાદુ થવાથી વખત વધારે બચ્યો. બીજી વેળા પરીક્ષામાં બેઠો ને પાસ થયો.
વાંચનાર, પણ એમ ન માને કે સાદાઇથી જીવન રસહીન થયું. ઊલટું, ફેરફારોથી મારી આંતરિક અને બાહ્ય સ્થિતિ વચ્ચે એકતા ઊપજી; કૌટુંબિક સ્થિતિની સાથે મારી રહેણીનો મેળ મળ્યો; જીવન વધારે સારમય બન્યું ; મારા આત્માનંદનો પાર ન રહ્યો.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors