મહાત્મા ગાંધીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ સારાંશ-આખરે વિલાયતમાં

આખરે વિલાયતમાં

મારી દયા ખાઇ એક ભલા અંગ્રેજે મારી જોડે વાતો શરૂ કરી. પોતે ઉંમરે મોટા હતા. હું શું ખાઉં છું, કયાં જાઉં છું, કેમ કોઇની સાથે વાતચીત કરતો નથી, વગેરે સવાલ પૂછે. મને ખાણા ઉપર જવાનું સૂચવે. માંસ ન ખાવાના મારા આગ્રહ વિશે સાંભળી તે હસ્યા ને મારી દયા લાવી બોલ્યા , ‘અહીં તો (પોર્ટ સેડ પહોંચ્યા પહેલાં) ઠીક જ છે, પણ બિસ્કેના ઉપસાગરમાં પહોંચીશ ત્યારે તું તારા વિચાર ફેરવીશ. ઇંગ્લૅન્ડ્માં તો એટલી ટાઢ પડે છે કે માંસ વિના ન જ ચાલે. ’
મેં કહ્યું, ‘મેં સાંભળ્યું છે કે ત્યાં લોકો માંસાહાર વિના રહી શકે છે. ’
તેઓ બોલ્યા, ‘એ ખોટી વાત માનજે. મારી ઓળખાણના એવા કોઇને હું નથી જાણતો કે જે માંસાહાર ન કરતા હોય. જો, હું દારૂ પીઉં છું તે પીવાનું હું તને નથી કહેતો, પણ માંસાહાર તો કરવો જોઇએ એમ મને લાગે છે. ’
મેં કહ્યું ‘તમારી સલાહને સારુ હું આભાર માનું છું, પણ તે ન લેવા હું મારાં માતુશ્રીને સાથે બંધાયેલો છું. તેથી તે મારાથી ન લેવાય. જો તે વિના નહીં જ ચાલતું હોય તો હું પાછો હિંદુસ્તાન જઇશ, પણ માંસ તો નહીં જ ખાઉં. ’
બિસ્કેલનો ઉપસાગર આવ્યો. ત્યાં પણ મને તો ન જરૂર જણાઇ માંસની કે ન જણાઇ મદિરાની. માંસ ન ખાધાનાં પ્રમાણ પત્રો એકઠાં કરવાની મને ભલામણ થઇ હતી. તેથી આ અંગ્રેજ મિત્રની પાસેથી મેં પ્રમાણપત્ર માગ્યું. તેમણે તે ખુશીથી આપ્યું. તે મેં કેટલાક સમય સુધી ધનની જેમ સંઘરી રાખેલું. પાછળથી મને ખબર પડી કે પ્રમાણપત્રો તો માંસ ખાતા છતાંયે મેળવાય છે, એટલે તેના ઉપરનો મારો મોહ નાશ પામ્યો. જો મારા શબ્દ ઉપર વિશ્ર્વાસ ન રહે તો આવી બાબતમાં પ્રમાણપત્ર બતાવીને મારે શો લાભ ઉઠાવવો હોય ?સુખદુઃખે મુસાફરી પૂરી કરી સાઉધેમ્પહટન બંદર ઉપર અમે આવી પહોંચ્યાં. આ શનિવાર હતો એવું મને સ્મરણ છે. હું સ્ટીમર ઉપર કાળાં કપડાં પહેરતો. મિત્રોએ મારે સારુ એક સફેદ ફલાલીનનાં કોટપાટલૂન પણ કરાવ્યાં હતાં. તે મેં વિલાયતમાં ઊતરતાં પહેરવા ધારેલું, એમ સમજીને કે સફેદ કપડાં વધારે શોભે ! હું આ ફલાલીનનાં કપડાં પહેરીને ઊતર્યો. સપ્ટેમ્બ ર આખરના દિવસો હતા. આવાં કપડાં પહેરનારો મને એકલાને જ મેં જોયો. મારી પેટીઓ મને તેની ચાવીઓ તો ગ્રિન્ડટલે કંપનીના ગુમાસ્તા લઇ ગયા હતા. સહુ કરે તેમ મારે પણ કરવું જોઇએ એમ સમજીને મેં તો મારી ચાવીઓ પણ આપી દીધેલી !
મારી પાસે ભલામણના ચાર કાગળો હતા: દાકતર પ્રાણજીવન મહેતા ઉપર, દલપતરામ શુકલ ઉપર, પ્રિન્સ રણજિતસિંહજી ઉપર, અને દાદાભાઇ નવરોજી ઉપર. મેં દાકતર મહેતાની ઉપર સાઉધેમ્ટ ભલનની તાર કરેલો. સ્ટીઅમરમાં કોઇને સલાહ આપેલી કે વિકટોરીયા હોટેલમાં ઊતરવું. તેથી મજમુદાર અને હું તે હોટલમાં ગયા. હું તો મારાં સફેદ કપડાંની શરમમાં જ સમસમી રહ્યો હતો. વળી હોટેલમાં જતાં ખબર પડી કે વળતો દિવસ રવિવારનો હોવાથી સોમવાર લગી ગ્રિન્ડલેને ત્યાં થી સામાન નહીં આવે. આથી હું મુંઝાયો.
સાતઆઠ વાગ્યે દાકતર મહેતા આવ્યા. તેમણે પ્રેમમય વિનોદ કર્યો. મે અજાણતાં એમની રેશમનાં રૂવાંવાળી ટોપી જોવા ખાતર ઉપાડી, અને તેના ઉપર ઊલટો હાથ ફેરવ્યો. એટલે ટોપીના રૂંવાં ઊભાં થયાં. દાકતર મહેતાએ જોયું. તરત જ મને અટકાવ્યો. પણ ગુનો તો થઇ ચૂકયો હતો. ફરી પાછો ન થાય એટલું જ તેમના અટકાવવાનું પરિણામ આવી શકયું.
અહીંથી યુરોયના રીતરીવાજો વિશેનો મારો પહેલો પાઠ શરૂ થયો ગણાય. દાકતર મહેતા હસતા જાય અને ઘણી વાતો સમજાવતા જાય. કોઇની વસ્તુને ન અડકાય; જે પ્રશ્ર્નો કોઇ જોડે ઓળખાણ થતાં હિંદુસ્તાતનમાં સહેજે પૂછી શકાય છે એવા પ્રશ્ર્નો અહીં ન પુછાય; વાતો કરતાં ઊંચો સાદ ન કઢાય; હિંદુસ્તાનમાં સાહેબોની સાથે વાત કરતાં ‘સર’ કહેવાનો રિવાજ છે ને અનાવશ્ય� છે, ‘સર’ તો નોકર પોતાના શેઠને અથવા પોતાના ઉપરી અમલદારને કહે. વળી તેમણે હોટેલમાં રહેવાના ખરચની પણ વાત કરી અને સૂચવ્યું કે કોઇ ખાનગી કુટુંબમાં રહેવાની જરૂર પડશે. એ વિશે વધુ વિચાર સોમવાર લગી મુલતવી રહ્યો. કેટલીક ભલામણો આપી દાકતર મહેતા વિદાય થયા.
હોટેલમાં તો અમને બન્નેને આવી ભરાયા જેવુ લાગ્યું. હોટેલ પણ મોંઘી. માલ્ટાથી એક સિંધી ઉતારુ ચડેલા, તેમની સાથે મજમુદાર ઠીક હળી ગયા હતા. આ સિંધી ઉતારું લંડનના ભોમિયા હતા. તેમણે અમારે સારુ બે કોટડીઓ રોકી લેવાનું માથે લીધું. અમે સંમત થયા અને સોમવારે સામાન મળ્યો તેવો જ બિલ ચૂકવીને પેલા સિંધી ભાઇએ રાખેલી કોટડીમાં અમે પ્રવેશ કર્યોં. મને યાદ છે કે મારા ભાગમાં હોટેલનું બિલ લગભગ ત્રણ પાઉન્ડ આપવા છતાં ભૂખ્યો રહ્યો. હોટેલના ખાવામાંનું કંઇ ભાવે નહી. એક વસ્તુ લીધી તે ન ભાવી. બીજી લીધી. પણ પૈસા તો બન્નેનાં જ આપવા જોઇએ. મારો આધાર હજુ મુંબઇથી લીધેલા ભાતા ઉપર હતો એમ કહીએ તો ચાલે.
પેલી કોટડીમાં પણ હું ખૂબ મૂંઝાયો. દેશ ખૂબ યાદ આવે. માતાનો પ્રેમ મૂર્તિમંત થાય. રાત પડે એટલે રડવાનું શરૂ થાય. ઘરનાં અનેક પ્રકારનાં સ્મરણોની ચડાઇથી નિદ્રા તો શાની આવી જ શકે ? આ દુઃખની વાત કોઇને કરાય નહીં, કરવાથી ફાયદો પણ શો ? હું પોતે જાણતો નહોતો કે કયા ઇલાજથી મને આશ્ર્વાસન મળે. લોકો વિચિત્ર, રહેણી વિચિત્ર, ઘરો પણ વિચિત્ર, ઘરોમાં રહેવાની રીતભાત પણ તેવી જ. શું બોલતા ને શું કરતાં એ રીતભાતના નિયમોનો ભંગ થતો હશે એનું પણ થોડું જ ભાન. સાથે ખાવાપીવાની પરહેજી અને ખાઇ શકાય તેવો ખોરાક લૂઓ અને રસ વિનાનો લાગે. એટલે મારી દશા સૂડી વચ્ચે સોપારી જેવી થઇ પડી. વિલાયત ગમે નહીં ને પાછા દેશ જવાય નહીં. વિલાયત આવ્યો એટલે ત્રણ વર્ષ પૂરાં કરવાનો જ આગ્રહ હતો.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors