શરીરનો પરિચય કરીએ તે પહેલા આરોગ્યનો અર્થ જાણી લેવો ઠીક ગણાશે. આરોગ્ય એટલે શરીર-સુખાકારી. જેનું શરીર વ્યાધિરહિત છે. જેનું શરીર સામાન્ય કામ કરી શકે છે. એટલે જે મનુષ્ય વગર થાકયે રોજ દશ-બાર માઇલ ચાલી શકે છે. સામાન્ય મજૂરી થાક વિના કરી શકે છે, સામાન્ય ખોરાક પચાવી શકે છે, જેની ઇન્દ્રિયો અને મન આબાદ છે, એનું શરીર સુખાકારી ભોગવે છે. આમાં મલ્લ શરીરનો કે અતિશય દોડનાર કૂદનારનો સમાવેશ નથી થતો. એવાં અસાધારણ બળ બતાવનારાં રોગગ્રસ્ત હોઇ શકે છે. એવા શરીરનો વિકાસ એકાંગી કહેવાય.
ઉપરોકત આરોગ્ય જે શરીરને સાધવું છે તે શરીરનો અમુક અંશે પરિચય આવશ્યક છે.
પૂર્વે કેવી તાલીમ લેવાતી હશે એ દૈવ જાણે; સંશોધકો કંઇક જાણે. આજની તાલીમનું જ્ઞાન આપણને બધાંને થોડુંઘણું છે જ . એ તાલીમને આપણા રોજના જીવન સાથે કંઇ જ સંબંધ નથી હોતો. શરીર જેનો આપણને સદાય ઉપયોગ છે. તેનું જ્ઞાન આપણને એ તાલીમ વાટે નહીં જેવું જ મળે છે. તેમ જ આપણા ગામનું, આપણા ખેતરનું જ્ઞાન. પણ દુનિયાની ભૂગોળનું જ્ઞાન આપણે પોપટની જેમ પામીએ છીએ. એનો ઉપયોગ નથી એમ કહેવાનો અહીં આશય નથી. પણ બધી વસ્તુ પોતાને સ્થાને શોભે. શરીરનું, ઘરનું, ગામનું, ગામનાં સીમાડાનું, ગામનાં ખેતરોની વનસ્પતિનું, તેના ઇતિહાસનું જ્ઞાન સારું હોવું જોઇએ. તેના પાયા ઉપર રચાયેલું બીજું જ્ઞાન આપણને કામ આપી શકે છે.
શરીર પંચ-મહાભૂતનું બનેલું છે. તેથી જ એક કવિતામાં ગાયું છે:
પૃથ્વી, પાણી, આકાશ તેજ ને વાયુ,
એ પંચ તત્વના ખેલ જગત કહેવાયુ.
શરીરનો વ્યવહાર દશ ઇન્દ્રિયો અને મનની ઉપર આધાર રાખે છે. દશ ઇન્દ્રિયોમાં પાંચ કર્મેન્દ્રિય છે ને પાંચ જ્ઞાનેન્દ્રિય. પાંચ કર્મેન્દ્રિય તે હાથ, પગ, મોં, જનનેન્દ્રિય અને ગુદા. જ્ઞાનેન્દ્રિય તે સ્પર્શ કરનારી ત્વચા, જોનારી આંખ, સાંભળનારા કાન, વાસ ઓળખનારુ નાક, અને સ્વાદ કે રસ ઓળખનારી જીભ. મન વડે આપણે વિચાર કરીએ છીએ. કોઇ મનને અગિયારમી ઇન્દ્રિય તરીકે ઓળખાવે છે. આ ઇન્દ્રિયોના વ્યવહાર સંપૂર્ણ ચાલતો હોય ત્યારે મનુષ્ય આરોગ્ય ભોગવે છે એમ કહેવાય. એવું આરોગ્ય કોઇકને જ સાંપડતું જોવામાં આવે છે. શરીરની અંદર રહેલા વિભાગો આપણને આશ્ર્ચર્યચકિત કરે છે. શરીર જગતનો એક નાનકડો પણ આબાદ નમૂનો છે. જે તેમાં નથી તે જગતમાં નથી. જે જગતમાં છે તે શરીરમાં છે. તેથી यथा पिन्डे ब्रह्मान्डे મહાવાકય નીકળ્યું છે. એટલે જો આપણે શરીરને પૂર્ણ રીતે ઓળખી શકીએ તો જગતને ઓળખીએ છીએ એમ કહેવાય . પણ એવી ઓળખ દાકતરો, વૈદ્યો, હકીમો સુધ્ધાં નથી પામી શકયાં, તો આપણે સામાન્ય પ્રાણી કયાંથી જ પામીએ હજુ લગી કોઇ હથિયાર નથી શોધાયું કે જે મનને ઓળખે. તજજ્ઞો શરીરની અંદર ને બહાર જે ક્રિયાઓ કેમ ચાલે છે એ બતાવી નથી શકયા. મોત શા સારુ આવે છે એ કોણે જાણ્યુ? કયારે આવશે એ કોણ કહી શકયું છે ? અર્થાત્ મનુષ્યે ઘણું વાંચ્યું, વિચાર્યું, અનુભવ્યું, પણ પરિણામે તેને પોતાના અલ્પજ્ઞાનનું જ વધારે ભાન થયું છે.