ભારતના ચાર ધામ :બદરીનાથ-૩
બદરીનાથ
ઉત્તરાખંડની પુણ્યભૂમિમાં કેવાં કેવાં સુંદર સ્થાનો છે તેમા બદરીનાથ હિમાલયની દેવભુમીનું પવિત્ર સ્થાન છે અલકનંદાના પવિત્ર કિનારે બદરીનાથ તીર્થ ૩૧૧૦ મીટર ઊંચાઇએ આવેલ છે.આધ્ય શંકરાચાર્ય દ્વારા પ્રસ્થાપિત ચારધામ પૈકીનું પાવનધામ બદરીનાથ અથૉત્ જ્યોતિર્મઠ. જેમ શિવ સદાય કાશીમાં રહે છે તેમ ભગવાન વિષ્ણુ સદાય સાક્ષાત્ બદરીનાથમાં વિરાજે છે.
યાત્રાના ચિરપરિચિત, સર્વસુલભ પથ પરથી પસાર થતા પ્રવાસીને જુદાં જુદાં તીર્થો ને સુંદર સ્થાનોના દર્શનનું સૌભાગ્ય સ્વાભાવિક રીતે જ પ્રાપ્ત થતું હોય છે
હિંદુ સંસ્કૃતિનો મૂળ આધાર ચાર વેદ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ છે. ત્યારબાદ હિંદુ સંસ્કૃતિ ચાર વર્ણોમાં વહેંચાયેલી છે, જે બ્રાહ્નણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર. ત્યાર પછી માનવજીવન ચાર આશ્રમોમાં વિભાજિત થયેલું છે.
આ આશ્રમો ક્રમશ: બ્રહ્નચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ છે. દિશાઓ પણ ચાર છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. આ ચાર દિશાઓના ચાર ખૂણા આવેલા છે. ઇશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. ચાર દિશાઓમાં હિંદુ સંસ્કૃતિનાં મુખ્ય ચાર ધામ આવેલાં છે, જે અનુસાર પૂર્વમાં જગન્નાથજી, પશ્ચિમમાં દ્વારિકા, ઉત્તરમાં બદરીનાથ અને દક્ષિણમાં રામેશ્વરમ.
આમાં પ્રતિસ્થાપિત દેવતાઓ ચાર વેદના સ્વરૂપે છે. જેમ કે પૂર્વમાં જગન્નાથજી અથર્વવેદ, પશ્ચિમમાં દ્વારિકાધીશ સામવેદ, ઉત્તરમાં ભગવાન બદરીનાથ યજુર્વેદ અને દક્ષિણમાં રામેશ્વર ઋગ્વેદનું પ્રતીક છે. એટલા માટે તીર્થ અનેક છે પરંતુ ધામ ચાર જ છે
પૌરાણિક કથાનુસાર ભગવાન વિષ્ણુ ધ્યાનયોગમાં લીન થવાથી ચિંતાતુર લક્ષ્મીજીએ તાપ, શીતલહેરો તથા હિમવર્ષાથી તેમનું રક્ષણ કરવા લક્ષ્મીજી બદરીવૃક્ષ એટલે બોરડીનું વૃક્ષ બનીને વિશાળ છાયામાં તેમને સુરક્ષિત કરી લીધા. સમય જતાં આ વૃક્ષમાંથી રસ ઝરતાં ભગવાન વિષ્ણુ ધ્યાનભગ્ન થયા. નેત્ર સમક્ષ સ્વયં લક્ષ્મીજીને બદરીવૃક્ષ બની છાયા પાથરતાં નિહાળી અતિ ભાવવિભોર બની ગયા ને વરદાન દેતાં કહ્યું કે આ સમગ્ર ક્ષેત્રમાં તમારી પૂજા થશે. તમારું નામ પણ મારી સાથે જોડાઇને બદરીનારાયણ અથૉત્ બદરી(લક્ષ્મીજી) નાથ (નારાયણ). તેથી જ આ ક્ષેત્ર બદરીનાથ તરીકે પ્રસિદ્ધ છે.
ચારે બાજુ અનુપમ કુદરતી સૌંદર્ય તથા હિમાલયની તપોભૂમિ જાણે પૃથ્વી પર સ્વર્ગ ઊતરી આવ્યું હોય! બદ્રીનારાયણની જમણી બાજુ ગણપતિ તથા યક્ષરાજ કુબેરજી તથા ડાબી તરફ નારાયણ, નર ને મધ્યમાં નારદજી અને ગરુડજીને પાસે ઉદ્ધવજીને લક્ષ્મીજીની મોહક મૂર્તિઓ છે. સાથે સાથે પંચબદ્રીનું મહત્વ પણ છે. બદ્રીનાથ મંદિર પાસે જ તપ્તકુંડ આવેલ છે. જ્યાં ગરમ પાણીમાં સ્નાન કરી મંદિરમાં સેવાપૂજા માટે જઇ શકાય છે. તપ્તકુંડમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે. છેલ્લે હૃષીકેશ થઇ હરિદ્વાર લોકલ સાઇટ સીન નિહાળી ટ્રેન દ્વારા અમદાવાદ તરફ પ્રયાણ કર્યું.