ભાદરવા સુદ એકાદશીને જ પરિવર્તિની એકાદશીનું નામ અપાયું છે. આને જ વામન એકાદશી પણ કહેવાય છે. આ એકાદશી મહાપુણ્યથી તથા સઘળાં પાપનો નાશ કરનારી છે. આ એકાદશી દરેકે કરવી જોઈએ. જો એકાદશી કરવાનો સંકલ્પ કર્યા પછી જો કોઈથી વ્રતનો ભંગ થાય તો પણ એકાદશી કર્યાનું પુણ્ય આ એકાદશી જ આપે છે. જો કોઈ આ એકાદશીની કથા વાંચે અગર સાંભળે તો પણ ઉપર લખ્યા તુલ્ય પુણ્ય મળે છે. જે કોઈ શ્રદ્ધાળુ આજે ભગવાન વામનની પૂજા કરે છે તેને ત્રિલોકના સમસ્ત દેવનું પૂજન કર્યાનું ફળ મળે છે. આજના દિવસે ભગવાનને દહીં – કાકડી અવશ્ય ધરાવવાં. કથા – વાત છે ત્રેતાયુગની. આ યુગમાં પૃથ્વી પર બલિ નામનો મહાદૈત્ય રાજય કરતો હતો. તે ભગવાન વિષ્ણુનો પરમ ભકત હતો. તે હરહંમેશ વિષ્ણુપૂજન તથા વિષ્ણુનાં ગુણગાન ગાતો પછી જ તેના નિત્યક્રમ શરૂ થતાં. બલિ નામ પ્રમાણે બહુ જ બળવાન હતો. તે ભગાન વિષ્ણુનો પરમભકત હોવા છતાં તેને દેવેન્દ્રની બહુ અદેખાઈ આવતી. ઈન્દ્રના સ્વર્ગલોકની, ઈન્દ્રલોકની તેને ભારે લાલસા હતી. તેણે ઈન્દ્રલોક પર આક્રમણ કરીને ઈન્દ્રલોક દેવેન્દ્ર પાસેથી પડાવી લીધું. બીજા લોક પણ તેણે બાહુબળથી મેળવી લીધાં. આથી નિસ્તેજ થયેલા સ્વર્ગના તમામ દેવો ત્રાહિમામ્ ત્રાહિમામ્ કરતા ભગવાન વિષ્ણુને શરણે ગયા. તે બધાએ વિષ્ણુની પ્રાર્થના, પૂજા કરી પ્રસન્ન થયેલા વિષ્ણુને પોતાના ઉપર આવેલ વિતક કથા કહીં. તેથી તેમની વાત સાંભળી દ્રવિત વિષ્ણુએ પાંચમો અવતાર વામન અવતાર લેવાનું નકકી કર્યું . વામન સ્વરૂપે બલિ જેવા દૈત્યને જીતવા ભગવાને થોડું નાટક કરવું પડયું. તેમણે વામન અવતાર લઈ બલિ પાસે ત્રણ પગલાં જમીન માગી. બલિએ જમીન સિવાય પણ કાંઈક વધુ માગવા કહ્યું. પણ વામન ભગવાન પોતાની માગ પર અડગ હતા. આથી બલિરાજ તેમને પગ જમીન આપવા તૈયાર થયા. બલિને કબૂલ જોઈ ભગવાને પોતાના શરીરને ખૂબ ફેલાવવાનું શરૂ કર્યું. તેમણે પોતાનું શરીર ખૂબ વધારવા માંડયું. વધતાં વધતાં તેમના પગ પાતાળમાં, પૃથ્વી પર ઘૂંટણ, સ્વર્ગમાં કેડ, મર્હલોકમાં પેટ, જનલોકમાં હૃદય, તપોલોકમાં કંઠ અને સત્યલોકમાં મુખ રહ્યું. ભગવાને પછી બલિને કહ્યું કે, ” હે બલિરાજા, મેં એક પગમાં પૃથ્વી, બીજા પગમાં સ્વર્ગ વગેરે લઈ લીધાં છે. બોલો હવે મારે ત્રીજું પગલું કયા ભરવું ?”આથી વિનમ્ર બલિ રાજએ તરત ભગવાન સમક્ષ પોતાનું મસ્તક ધરતાં કહ્યું. ” હે કમલનયન, આપને હું ઓળખી ગયો છું. આપ ત્રીજું પગલું મારા મસ્તક પર મૂકો.” બલિનાં વચન પૂરાં થતાં જ ભગવાને બલિના માથે પગ મૂકતા જ બલિ સડસડાટ પાતાળમાં ચાલ્યા ગયા. ત્યારબાદ તેમણે બલિને વરદાન માગવા કહ્યું. બલિએ વરદાનમાં ભગવાનને પોતાની પાસે રહેવા વનંતી કરી. ભગવાને એક સ્વરૂપ બલિ પાસે રાખ્યું. બીજું સ્વરૂપ ક્ષીરસાગરમાં ભગવાન શેષનાગ પર રાખ્યું. ભગવાન પાતાળલોકમાં કારતક સુદ એકાદશી સુધી રહે છે. આજની એકાદશીએ તેઓ પાતાળલોક માં પડખું ફેરવે છે. તેથી આ એકદશી પરિવર્તિની કહેવાય છે