બાળકને પ્રોત્સાહિત કરવા માટે બાજા બાળક સાથે તેની તુલના કરીએ છીએ. તુલના કરતી વખતે આપણે વય, વાતાવરણ, ઉછેર, વ્યક્તિત્વનાં પાસાંઓ, ક્ષમતા વગેરેમાંની કોઈ બાબત ધ્યાનમાં રાખતાં નથી.
માત્ર મિત્રનાં બાળકો કે પડોશીનાં છોકરાંઓ સાથે તેમને સરખાવીએ છીએ, જેમકે, ‘રવિને ૯૦ % માર્કસ આવ્યા અને અમે તારી પાછળ આટલી મહેનત કરીએ છીએ તો પણ માત્ર
૮૦ % ટકા ?‘ દરેક બાળકની ક્ષમતા ઓછીવત્તી હોઈ શકે.
ક્યારેક તુલના કરવામાં આપણું જ બાળક બાજાની નજરમાં નીચુ થઇ જાય છે, જેમ કે “ જો ! બાજુવાળાની માનસી ઘરનું બધુ જ કામ શીખી ગઇ, અને તું ? તને તો કંઇ આવડતુ જ નથી “. આવુ કરવાથી બાળક માનસિક પીડા અનુભવે છે.
યાદ રાખો કોઇપણ કામ શીખવાની ગતિ તેજ હોવી કે મંદ હોવી એ કુદરતી છે.
તેઓ ધારે તો શું નથી કરી શકતાં, તેનો આપણને અંદાજ નથી. તેઓ તેમની રુચિ અને સ્વભાવ પ્રમાણે વિવિધ કાર્યોમાં રસ લે છે.
કોઈ પણ બાળક બીજાં બાળક કરતાં કોઈ રીતે ઊતરતી કક્ષાનુ; હોતું નથી. તેની શક્તિઓ જોવા માટેની ર્દષ્ટિની જરૂર છે. કોઈ ચિત્રકામ, માટીકામ કે અન્ય કાર્યોમાં નિપુણ હશે. તો બીજું બાળક કૉમ્પ્યુટર, ગણિતશાસ્ત્રમાં પાવરધું હશે, કોઈ ભાષામાં નિપુણ હશે.
કેટલાંક બાળકો વધુ વાચાળ, બોલકણાં હોય છે. કોઈ બાળક ખૂબ જ ઓછું બોલે છે અને નિરીક્ષણ વધુ કરે છે. જે ચૂપ રહે છે તે બુધ્ધૂ કે મૂર્ખ છે તેમ માનવું ભૂલભરેલું છે.
બાળકોને વધુ વાતચીત કરવાં, બીજા સાથે હળવા-ભળવા પ્રોત્સાહિત કરવાં જરૂરી છે. પણ આ બધું જ સ્વભાવગત છે. ઘણીવાર માતા–પિતા પણ આ અંગે ભાગ ભજવી શકે. જેમ કે, તમારું બાળક ઓછું બોલે છે તો તમે કહી શકો કે, મારા બાળકને ઓછું બોલવાની ટેવ છે. તેને હળવા-ભળવા થોડો સમય જોઈએ છે.
આ પરિસ્થિતિમાં માતા – પિતાએ ખરેખર શાણપણથી બાજી સંભાળવી જોઈએ. બાળક પોતાના સ્વભાવ કે રુચિ વિરુદ્ધ કઈ રીતે કાર્ય કરે?