બિલીપત્રનું ભગવાન શંકરના પૂજનમાં વિશેષ મહત્વ છે. ભગવાન શંકરને બિલીપત્ર અર્પણ કરવાથી દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને કેટલાયે જન્મોનાં પાપમાંથી મુક્તિ મળે છે. સઘળી ઇચ્છાઓ પરિપૂર્ણ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે.
બિલ્વપત્ર ચાર પ્રકારના હોય છે. અખંડ બિલ્વપત્ર, ત્રણ પાનવાળું બિલ્વપત્ર, છથી એકવીસ સુધીના પાનવાળું બિલ્વપત્ર અને શ્વેત બિલ્વપત્ર. આ પાંચેય પ્રકારના બિલ્વપત્રનું પોતપોતાનું એક આગવું આધ્યાત્મિક મહત્ત્વ છે.
(૧) અખંડ બિલ્વપત્ર :
આનું વિવરણ બિલ્વાષ્ટકમાં આ પ્રમાણે છે : ‘અખંડ બિલ્વપત્રમ્ નંદકેશ્વરં સિદ્ધર્થ લક્ષ્મી’ અર્થાત્ તે સ્વયં પોતાનામાં લક્ષ્મી સિદ્ધ છે. એકમુખી રુદ્રાક્ષ સમાન જ તેનું સવિશેષ મહત્ત્વ છે. તે વાસ્તુદોષનું નિવારણ પણ કરે છે. તેને ગલ્લામાં મૂકીને તેનું દરરોજ પૂજન કરવાથી વ્યાપારમાં સારો વિકાસ થાય છે.
(૨) ત્રણ પાનવાળું બિલ્વપત્ર :
આ બિલ્વપત્ર માટે બિલ્વાષ્ટકમ્માં લખાયું છે કે, ‘ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિધાયુતમ્ ત્રિજન્મપાપ સંહારં એક બિલ્વપત્રં શિવાર્પણમ્’ તે ત્રણ ગુણોથી યુક્ત હોવાના કારણે ભગવાન ભૂત ભાવન ત્રિકાલેશ્વરને પ્રિય છે. તેની સાથે જો એક ફૂલ ધતુરાનું અર્પણ કરાય તો ફળમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. આ બિલ્વપત્ર શિવજીને અર્પણ કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
(૩) છથી માંડીને એકવીસ પાનવાળાં બિલ્વપત્ર :
આવાં બિલ્વપત્ર નેપાળમાં મળી આવે છે. જેવી રીતે રુદ્રાક્ષ અનેક મુખવાળા હોય છે, તેવી જ રીતે બિલ્વપત્ર પણ કેટલાંય પાનવાળા હોય છે.
(૪) શ્વેત બિલ્વપત્ર : જેવી રાતે શ્વેત સાપ, શ્વેત પથ્થર, શ્વેત નેત્ર, શ્વેત દુર્વા વગેરે હોય છે, તે જ રીતે શ્વેત બિલ્વપત્ર પણ હોય છે. તે પ્રકૃતિની એક અણમોલ દેન છે. શ્વેત બિલ્વ વૃક્ષ પર શ્વેત પાનવાળાં બિલ્વપત્ર મળી આવે છે. તેના પર લીલાં પાન હોતા નથી. આ બિલ્વપત્ર ભગવાન શંકરને અર્પણ કરવાનું મહત્ત્વ વિશેષ છે.