શરૂઆતના ગાળામાં દરેક બાળકને સ્કૂલમાં ગોઠવવું માતા – પિતા માટે મુશ્કેલ હોય છે. બાળક કેવી રીતે ઊઠશે ? કેવી રીતે તૈયાર કરીને સ્કૂલે મોકલીશું ? સ્કૂલમાં ભણાવશે તેની સમજણ તો પડશે ને ? નાસ્તો બરાબર કરશે કે કેમ ? શિક્ષક તો બરાબર હશે ને ? આવી અનેક ચિંતાઓ માતા – પિતાને સતાવતી હોય છે.
બાળકને પણ પોતાની જાતને સ્કૂલમાં ગોઠવવાની ચિંતા હોય છે. સ્કૂલને માત્ર શિક્ષણ અર્થાત્ પુસ્તકિયું જ્ઞાન આપનાર સંસ્થા જ ન સમજી તેને અનુભવો મેળવવાની જગ્યા સમજીવી જોઇએ.
જોકે, શાળામાં શીખવવામાં આવતો અભ્યાસક્રમ અને તે સાથેની સંલગ્ન બાબતો પણ જરૂરી છે, પરંતુ વ્યકિતત્વના વિકાસ માટે સ્કૂલનું બીજું પાસું પણ જોવું જ રહ્યું !
બાળકોને નિયમિત શાળાએ મોકલો. ઘરમાં પણ એવું વાતાવરણ ઊભું કરો કે જેથી બાળકને શાળાએ જવાનું મન થાય.
આપણે જ સ્કૂલ પરત્વે બેજવાબદાર અને બેદરકાર હોઇશું તો બાળક પણ આ જ શીખશે. બાળકને સ્કૂલ જતાં હસતે મુખે વિદાય આપીએ અને ઓવ ત્યારે હસીને એને આવકારીએ.
શાળામાં બની ગયેલી બાબતો, ફરિયાદો તરફ અતિ ગંભીર વલણ રાખવું ન જોઇએ. હા ! ધ્યાન જરૂર રાખીએ.
જેમ કે, બાળક ફરિયાદ કરે છે : મને મિત્ર મારે છે, મને શિક્ષક રોજ ઠપકો આપે છે , મને પેટમાં દુ:ખે છે વગેરે. આ બાબતો લગભગ રોજેરોજ બનશે. શરૂઆતનો સમય તેમને માટે મુશ્કેલ જ હોય છે.
શાંતિથી, સમજદારીપૂર્વક તેઓને શાળાએ જવા માટે પ્રોત્સાહન પૂરું પાડીએ. સ્કૂલે લઇ જવાની સામગ્રી વ્યવસ્થિત આપીએ. વારંવાર સ્કૂલની મુલાકાત લઇએ. તેમના શિક્ષકોને મળી બાળકોની પ્રગતિની માહિતી મેળવીએ.
યાદ રાખો બાળકને જે જ્ઞાન શાળામાંથી મળશે તે બીજે ક્યાંયથી નહીં મળે.
શાળા એ બાળકના વિકાસનું પહેલું પગથિયું અને પાયો છે.