બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પણ આપતા રહેવું જોઇએ. પૃથ્વી, તારા, આકાશ, સમુદ્ર, ભારતનો ભૌગોલિક વિસ્તાર, વસ્તીનો આંક વગેરે વિશે વાતવાતમાં જાણકારી આપવી જોઇએ.
આપણા અત્યારના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને પ્રધાનમંડળ, તેની રચના, દેશની રાજકીય પરિસ્થિતિ, પડોશી દેશો અને તેમની સાથેના સંબંધોની માહિતી આપવી હોઇએ.
રમતગમતને લગતી માહિતી પણ તેમને વખતો વખત આપતા રહેવું જોઇએ.
ટી. વી. પર દર્શાવાતા સમાચારો વખતે પણ બાળકોને સમજ આપીએ.
રોજબરોજ છાપામાં છપાતાં દેશ-વિદેશના અગત્યના સમાચારો વાંચી સંભળાવીએ અથવા વાંચવા પ્રોત્સાહિત કરીએ.
કુદરતી આફત હોય કે અકસ્માત થયો હોય તો તેની પણ વિગતો કહી સંભળાવીએ.
ગિનીઝ બુક શું છે ? દુનિયાની આઠ અજાયબીઓ કઇ છે ? સૌથી મોટી નદી, નહેર, દેશ, પર્વતમાળા કયાં છે અને કયાં આવેલ છે, તે બધું જ બાળકોને સમજાવીએ.
આ બધા માટે તેમને ડરાવી-ધમકાવીને પરાણે આપણી સાથે વાતો કરવા બેસાડવાના નથી. આ બધું જ વાતવાતમાં કહેવાનું છે.
રમત-ગમતમાં કરેલી વાતોથી તેમની જિજ્ઞાસા વધશે, તે આપણને વધુ પ્રશ્ર્નો પૂછશે. તેમનું જ્ઞાન પણ વધશે અને દરેક ક્ષેત્રે થતી પ્રગતિ અને વિકાસની નોંધ લેતાં તેઓ શીખશે.
તેમને કયા ક્ષેત્રમાં આગળ વધવું છે તેની પૂર્વભૂમિકા પણ બાંધવા લાગશે. કયા ક્ષેત્રમાં વધુ ઊંડા ઊતરવું તે તેઓ નક્કી કરવા લાગશે.
બાળક સાથે ફરવા જાય ત્યારે પશુ પક્ષી વિષેની સમજ, વનસ્પતિની ઓળખ, જંગલની માહિતી વિગેરે આપતા રહીયએ.
સામાન્ય જ્ઞાન આપણી આસપાસના રોજીંદા જીવનમાંથી જ મળી રહે છે, તેના માટે કોઇ ખાસ સમય કાઢવાની જરૂર નથી હોતી. તો આ વાતનો સદુપયોગ કરી બાળકને સામાન્ય જ્ઞાન આપી, તેના બાળ માનસનો સહેલાઇથી વિકાસ કરી શકીએ.