ઉનાળામાં આખું કુટુંબ દરિયા કિનારે ફરવા જાય. ઘરનું દરેક સભ્ય અંત: વસ્ત્ર (બિકિની) પહેરી દરીયામાં ન્હાય અને બીચ પર તડકો ખાય. છોકરી નાની હોય ત્યારથી જ મા – બાપ સાથે આવાં કપડાં પહેરી દરિયે જાય. મોટી થતી જાય તો પણ તે ચાલુ રાખે. પ્રથમથી જ શરમ છૂટી જાય.આપણને પણ તેના જેવો અનુભવ થાય છે. દીકરી મોટી થાય અને ટૂંકા વસ્ત્રો પહેરે ત્યારે આપણને ખટકે છે. પણ આપણને એ યાદ નથી રહેતું કે નાની હતી ત્યારે આપણે જ તેવાં કપડાં પહેરાવ્યાં હતાં. આપણે જ તેને ટેવ પાડી હતી. વસ્ત્રોની હોય કે બીજી બાબત જે વર્તન જે પ્રવૃતિ બાળક મોટુ થયા પછી કરે તો ઈચ્છનીય ન ગણાય તેવી બાબતોથી બાળક નાનાપણથી જ દૂર રહે તે જોવા ની મા – બાપની ફરજ છે. નહિતર પાછળથી ઘણું મોડું થઈ જશે.બાળક નાનું હોય ત્યારે આપણને રમતમાં મારે ત્યારે આપણે ખુશ થઈએ છીએ, હસીએ છીએ. બાળક જુઠુ બોલો, કોઈને છેતરે, ઉઠાં ભણાવે ત્યારે આપણે ખુશ થઈએ છીએ. અમારો દીકરો કે દીકરી ખૂબ ચાલાક છે તેનું ગૌરવ લઈએ છીએ. પણ આપણને બાળકને ખોટો સંદેશો આપીએ છીએ.દીકરો કે દીકરી રાતે પ્રથમવાર મોડા આવે ત્યારે આપણે ટોકતા નથી.તેનું ધ્યાન દોરતા નથી.પરંતુ મોડા આવવાની ટેવ પડી જાય પછી રોજનો કકળાડ પણ કોઈ પરિણામ લાવતો નથી.
ખરેખર તો બાળકો નાનાં હોય ત્યારે આપણે પોતે આપણા પોતાની જીવન શૈલી બાબતે એટલાં ગાફેલ હોઈએ છીએ, એવું અસ્તવ્યસ્ત જીવતાં હોઈએ છીએ, મિત્રો, સંબંધો અને વ્યવસાયમાં એટલા ગળાડૂબ હોઈએ છીએ કે બાળકમાં સંસ્કાર સિંચનના આપણી ફરજનું આપણને ભાન જ હોતુ નથી. જયારે ભાન થાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.સારા – નરસા,સાચા – ખોટાનો ભેદ બાળક નાનપણથી જ શીખે તે ખૂબ જરૂરી છે. બચપણમાં શીખેલા સંસ્કારોનાં મૂળ ખૂબ ઊડાં હોય છે. તે જીવનમાં ગમે તેવા ઝંઝાવાત સામે અડીખમ ઉભાં રહી શકે.વાયરની નાની લહેરખીમાં ઝૂકી જતાં નથી. જીવનની કટોકટોભરી પરિસ્થિતિમાં પણ શાશ્વત મૂલ્યોને વળગી રહેનારાં વ્યકિતઓનાં વાલીઓ, વડીલો અને શિક્ષકોએ સાચાં મૂલ્યોનું સિંચન કરેલું હોય છે. પોતે પણ સત્યના પથ પર ચાલી બાળકો માટે દાખલા રૂપ બન્યાં છે, સાચાં રોલ મોડલ પૂરા પડ્યાં હોય છે.
બાળકમાં સાચાં મૂલ્યો સિંચવાની આપણી જવાબદારી અંગે પ્રથમથી જ વાકેફ રહી મૂલ્યનિષ્ઠ તેજસ્વી નાગરિકો ઉછેરીએ.