પર્યાવરણ બચાવવા માટે અત્યારે બાળકોને સૌથી વધારે આગ્રહ કરવામાં આવે છે. કારણ કે આજની પેઢી આવતી કાલનું ભવિષ્ય સુધારશે.
આસપાસનાં વૃક્ષો-બગીચાઓથી માંડીને તમામ પર્યાવરણના પ્રશ્ર્નો સુધીની દરેક વાતો બાળકો સાથે કરવી જોઇએ.
કુદરતને ખરેખર મન અને આંખોથી જોતાં અને અનુભવતાં બાળકોને શીખવીએ.
તેમને ખેતરોમાં, હરિયાળા બાગ-બગીચાઓમાં ફુવારા પાસે, પહાડોની ગોદમાં ફરવા લઇ જઇએ. ઊભેલા પાક અંગેની જાણકારી પણ તેમને ઉપયોગી થઇ પડશે.
પાણીની વપરાશ અને અગત્ય અંગે તેમને ઊંડી સમજણ આપીએ. જીવન ઉપયોગી પાણી, હવા, વૃક્ષોને નુકસાન ન પહોંચે અને તેમનું જતન થાય તે માટે કયા રસ્તા અપનાવવા તે બાળકોને જણાવીએ.
પર્યાવરણના જતન માટે આટલુ ખાસ શીખવો :
– વૃક્ષોનું જતન કરીએ, છેદ ન રોકીએ. – પાણીનો બગાડ ન કરીએ.
– આસપાસ ગંદકી ન કરીએ.
– હવા કે વાતાવરણમાં પ્રદૂષણ ન ફેલાવીએ.
– અવાજ કે ઘોંઘાટ ન કરીએ.
– પર્યાવરણને નુકસાન પહોંચાડનાર દરેક તત્વોનો વિરોધ કરીએ.
ફળ, ફૂલ, વૃક્ષો, ઘાસ વગેરેને સ્પર્શ કરી તેમાં રહેલા ‘જીવન’ સાથે બાળકોને પરિચય કરાવીએ.
વૃક્ષો માનવજીવનને મળેલી અમૂલ્ય ભેટ છે. તેમના દ્વારા મનુષ્યજીવનને થતા ફાયદા બાળકોને સમજાવીએ.
લાકડું અને તેના વિવિધ ઉપયોગો, વૃક્ષોને સંભાળવા કયાંથી શરૂઆત કરવી વગેરે તેમને જરૂર બતાવીએ.
પ્રયોગશાળામાં દર્શાવેલા પ્રયોગ જેટલી સરસ રીતે યાદ નહીં રહે તેનાથી પણ વધુ સારી રીતે છોડ વાવીને પ્રત્યક્ષ બતાવીશું તો યાદ રહેશે. આમ કરવાથી તેના વિચારોમાં, આચરણમાં કેટલો ફરક પડે છે.
કદાચ, આપણી આવનાર પેઢીને આપણી ભૂલોના ભોગ ન બનવું પડે અને આ પ્રદૂષીત વાતાવરણ અને જોખમી હવા-પાણીની અસરોથી બચી જાય !