બાળપણનાં વર્ષો જીવનનાં મૂલ્યવાન વર્ષો છે. આ સમયે બાળકનો માનસિક અને શારીરિક વિકાસ થાય છે. બાળકો સુખ સગવડના સાધનો વિના પણ તેઓ નિજાનંદમાં મસ્ત રહે, મોજમજા કરે તેમાં આપણને વાંધો હોવો જોઈએ નહીં.
ઘણીવાર નાની નાની બાબતોમાં ટોકીને આપણે તેનો આનંદ છીનવી લઈએ છીએ. જેમ કે,
સોફા પર ઠેકડા નહીં માર !
માટીમાં રમવા ન જા !
વરસાદમાં પલળીશ નહીં !
મોટેથી ગીતો ન ગાઈશ !
ચપ્પલ વિના રમવા ન જા !
બાળકોને આપણે આવી રીતે હૂકમ કરીએ તે ગમતું નથી. આના કારણે તેમની જીદ વધે છે.
ઉપરની વાત હૂકમ કે આદેશોની ભાષા વાપર્યા સિવાય પણ કરી શકાય. જેમ કે
બેટા, સોફા પર ઠેકડા ન મરાય, તું પડી જઇશ.
માટીમાં રમીએ તો હાથ-પગ કેવાં ગંદા થાય ? માટીમાં ન રમાય.
વરસાદમાં બહુ પલળીએ તો માંદા પડાય.
મોટેથી ગીતો ન ગવાય, તારો અવાજ બેસી જશે.
ચપ્પલ પહેરીને રમવા જવાય જેથી તને પગમાં વાગે નહીં.
આપણે અકારણ વારંવાર કરેલી રોકટોક તેમનામાં આપણા માટે તિરસ્કાર જન્માવે છે.
તેમના વિકાસ માટે મોકળાશની જરૂર છે. બાળકોની વયમર્યાદા મુજબ અહીં સીમારેખા દોરવી જરૂરી છે.
માતા- પિતા તરીકે આપણે પણ તેમના આનંદમાં ભાગીદાર થઈ શકીએ છીએ. જેમ કે, હસી મજાક કરી તેમને હસાવવાં, અચાનક ઑફિસેથી પાછા ફરીને ફિલ્મની ટિકિટ લાવ્યા હોવાનું જણાવવું.
આપણે બાળકોને અનુભવ કરાવીએ કે આપણે પણ તેમની મજામાં જોડાવા તત્પર છીએ આપણે પણ આનંદી છીએ, આપણને પણ મોજમસ્તી કરવી ગમે છે. પણ મસ્તી સમયે મસ્તી અને કામ વખતે કામ!
એ જ રીતે બાળકોમાં જાણવાની સહજ વૃત્તિ હોય છે, જે અત્યંત જરૂરી છે. કોઈ પણ કપરામાં કપરી બાબત શીખવા માટે જિજ્ઞાસાવૃત્તિ હોવી જરૂરી છે.
બાળકોની જિજ્ઞાસાવૃત્તિ કે કુતૂહલને ક્યારેય દબાવવાં ન જોઈએ. જેમ કે, બાળકોને જાણવું હોય કે હું આ દુનિયામાં કેવી રીતે આવ્યો ? માતા–પિતા આ બાબતને ગૌણ ગણીને જવાબ આપવાનું ટાળે છે. ઘણીવાર માતા-પિતા બાળકને ચૂપ પણ કરી દે છે. આવી નાજુક પરિસ્થિતિમાં બાળકોની સાથે સમય વિતાવીએ. તેમને વિગતે દરેક બાબત સમજાવીએ.
આવી બાબતો અત્યંત સ્વાભાવિક છે. તેઓને આ બાબતો વિશે વિસ્તૃત માહિતી આપીએ અને તેમની જિજ્ઞાસાવૃત્તિને સંતોષીએ. બાળકો જેટલા વધુ સવાલો પૂછશે તેટલું વધુ જ્ઞાન મેળવશે.