ખેડબ્રહ્માને પુરાણોમાં બ્રહ્મક્ષેત્ર કહેવામાં આવ્યું છે. વિષ્ણુ ભગવાન અને શિવ મહાદેવની મૂર્તિઓ તો બધે છે.પરંતુ બ્રહ્માજીની મૂર્તિ બે જ ઠેકાણે છે.એક તો પુષ્કરકરાજમાં અને બીજી ખેડબ્રહ્મામાં.ખેડબ્રહ્મા અમદાવાદથી પ્રાંતિજ લાઈન ઉપર અમદાવાદથી ૬૪ કિલોમીટર દૂર આવેલું સ્ટેશન છે.
પુરાણોમાં એક કથા છે. હરણાવ અને હિરણ્યાક્ષી નદીના સંગમ પર ખેડબ્રહ્મા ગામ છે અને ગામમાં બ્રહ્માજીનું મંદિર છે. મૂર્તિને ચાર મુખ છે અને તેમના વાહન હંસની મૂર્તિ પણ સભામંડપમાં છે. બાજુમાં ક્ષીરજાંબાદેવી અને ભૃગુણનાથ મહાદેવ છે. બ્રહ્માના પુત્ર ભૃગુઋષિએ બ્રહ્મા અને રુદ્રનાં અપમાન કર્યાં હતાં, તેથી તેમને શ્રાપ મળ્યો હતો, તેથી તેમણે હિરણ્યાક્ષી નદીમાં સ્નાન કરીને તપ કર્યાં હતાં, અને આથી જ આ ભૃગુક્ષેત્ર કહેવાય છે. અહીં હિરણ્યાક્ષી, કોસંબી અને ભીમાક્ષી ત્રમ નદીઓનો સંગમ થાય છે. બ્રહ્માના મંદિરથી અરધા પોણા કિલોમીટર દૂર અંબાજી માતાનું મંદિર છે. પાસે જ માનસરોવર છે. આ સ્થળ બહુ જ પ્રાચીન ગણાય છે. અહીંથી અંબાજી આરાસુરમાં ગયેલાં એવી દંતકથા છે.
નદી ઊતરીને સામે કિનારે ભૃગુ આશ્રમ છે. ત્રણેક કિલોમીટર દૂર ચામુંડા દેવીનું મંદિર છે. ત્યાંથી બે માઈલ દૂર કોટેશ્વર મહાદેવ છે.
બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણ હિંદુ ધર્મમાં મોટા દેવ છે. વૈદિક મંત્રોમાં અગ્નિ, ઇન્દ્ર, વરુણ, મિત્ર વગેરે દેવોનાં સ્તોત્રો છે. બ્રહ્માનું મૂળ કદાચ વિષ્ણુ અને શિવ કરતાં વધારે વૈદિક લાગે છે. બ્રહ્મ શબ્દ નપુંસકલિંગમાં મંત્રસ્તુતિ જેવા અર્થમાં ઋચાઓમાં વપરાયો છે,અને તે મંત્રોના પતિ બ્રહ્મણસ્પતિ નામના એક અગ્નિ કે સૂર્ય કરતાં વધારે અમૂર્ત દેવની કલ્પના વેદમાં મેળે છે.તેમ જ પ્રજાપતિ અને હિરણ્યગર્ભ નામના બે દેવોનાં નામ વેદના પાછલા થરમાં મળે છે. ઉપનિષદોમાં મૂળમંત્ર વાચક બ્રહ્મ શ્બદ પરમતત્ત્વ વાચક થઈ ગયો,પણ બ્રહ્મમાંથી પુલિંગ બ્રહ્મા શબ્દ થયો તે દેવવાચક તરીકે કવચિત જ વપરાયો છે. બ્રહ્માનું સ્વરૂપ ગણાવેલા બ્રહ્મણસ્પતિ, પ્રજાપતિ અને હિરણ્યગર્ભ- ત્રણેયની ભાવનાઓ એકઠી થઈને આ સ્વરૂપ બંધાયું છે અને આ ત્રણે દેવોની અંતર્ગત અમૂર્તતા બ્રહ્માને પણ વળગી રહી છે. વિષ્ણુ અને શિવ કરતાં બ્રહ્મા વધારે અમૂર્ત દેવ છે.પૌરાણિક ત્રિમૂર્તિમાં વિષ્ણુ સત્ત્વગુણયુકત અને જગતની સ્થિતિ જાળવનાર, રુદ્ર તમોગુમ- યુકત તથા જગતનો પ્રલય કરનાર અને બ્રહ્મા રજોગુણયુકત તથા જગતને ઉત્પન્ન કરનાર ગણાય છે. બ્રહ્મા ચતુર્મુખ છે. સૃષ્ટિની જેમ બ્રહ્માએ વેદો પણ ઉત્પન્ન કર્યા છે. બ્રહ્મામાંથી સૃષ્ટિનો વિસ્તાર થયો છે.
મહાભારત કાળમાં વિષ્ણુ અને શિવની પૂજા જોરમાં આવતી ગઈ અને બ્રહ્માની પૂજાની લોકપ્રિયતા ઘટતી ગઈ. કદાચ શકિતપૂજામાં પણ બ્રહ્માની પૂજાનો અન્તર્ભાવ થયો હોય. વિષ્ણુ, શિવ અને શકિતના મોટા માર્ગો આ દેશમાં ઘણઆ કાળથી ચાલે છે,પરંતુ બ્રહ્માનો કોઈ માર્ગ ચાલતો નથી.પણ પ્રાચીન બ્રહ્માની ભકિતના ચિહનરૂપે આ બ્રહ્માનું આખા ભારતમાં પુષ્કરજીમાં અને ખેડબ્રહ્મામાં તીર્થ રાખ્યું છે.
હિરણ્યાક્ષી નદીના કાંઠે આવેલા મંદિરમાં બ્રહ્માની ચતુર્મુખ મૂર્તિ છે. મંદિરની પાસે એક કુંડ છે. આ જગ્યાએ પહેલાં બ્રહ્માએ યજ્ઞ કર્યો હતો એમ કહેવાય છે.આ સ્થળ માટે જે થોડી દંતકથાઓ સ્થળ માહાત્મ્યમાં મળે છે જે જૂની નહીં હોય. દર મહાશિવરાત્રીએ પંદર દિવસ માટે અહીં મેળો ભરાય છે.