પરિચય :
પીલડી (કાકમાચી, મકોચ) ના છોડવા ચોમાસે ઘણા ઉગી આવે છે, જે બારે માસ જોવા મળે છે. તે છોડ ૧ થી ૩ ફીટ ઊંચા વધે છે. તેની શાખાઓ મરચી, રીંગણી કે ધંતુરાની ડાળીઓ પેઠે આડી-અવળી નીકળેલી હોય છે. તેના પાન મરચીના પાનને મળતા, ભમરડા જેવા ૪ થી ૧૦ ઈંચ લાંબા હોય છે. તેની પર ધોળા રંગના, લાલ મરચીને આવે છે તેવા તથા ગુચ્છામાં ફૂલો આવે છે. તેના ફળ ગોળ વટાણા જેવડાં, નાની ગુંદી જેવાં, ચીકણા, રસદાર, કાચા હોય ત્યારે લીલા રંગના પણ પાકે ત્યારે પીળા થઈ કાળા રંગના, ખૂબ બીજવાળા અને સ્વાદિષ્�ટ હોય છે. પીલુડી શરીરના સોજા ઉતારવા માટે ગ્રામ્ય વૈદક તથા આયુર્વેદની માનીતી-પ્રસિદ્ધ ઔષધિ છે. તેના પાન, ફળ, બી, મૂળ, રસ દવામાં લેવાય છે.
ગુણધર્મો :
પીલુડી કડવી, તીખી અને મીઠી, મળભેદક (સારક), શીતળ કે ગરમ નહિ તેવી; મૂત્રલ, પીડાનાશક, કફહર, સ્વેદ લાવનાર, ઝેરનાશક અને કુષ્ઠ (કોઢ), અંગ-સોજા, પરમિયો, મૂત્રાશયનો સોજો, કિડનીનો સોજો, હ્રદયનો સોજો, હરસ, ચળ, તાવ, હેડકી, ઊલટી મટાડનાર છે. તે અવાજ સુધારક, વીર્યવર્ધક, ત્રિદોષનાશક અને રસાયન છે. તેની ખાસ અસર યકૃત (લીવર) પર થાય છે. તેથી પેટનાં અનેક દર્દોમાં તે લાભ કરે છે.
ઔષધિ પ્રયોગ :
(૧) પેટ પર સોજો : પીલુડીના પાન વાટી તેનો રસ પેટ પર વારંવાર ચોપડવો.
(૨) પિત્ત (ગરમી)ની શાંતિ માટે : પીલુડીનાં પાનની ભાજી જીરા વડે ઘીમાં વઘારીને ખાવી. ગરમ ખોરાક બધો ત્યજવો.
(૩) રતવા (કોઠે ગરમી) : પીલડુડીના પાનનાં રસમાં ઘી મેળવીને રતવા પર ચોપડવો તથા પીવો.
(૪) દરેક સોજામાં પીલુડીના પાનના રસમાં સાકર કે મધ મેળવી પીવો અને તેના પાનની ભાજી બનાવી, ભોજનમાં લેવી. ખટાશ-તીખાશ, ગરમ ચીજો લેવી નહિ.
(૫) લૂખી-સૂકી ખાંસી : પીલુડીની ભાજી વધુ તેલમાં રાઈ, મેથી, હિંગથી વઘારીને ખાવી.
(૬) ઉંદરના ઝેરમાં : પીલુડીના રસમાં ગાયનું ઘી પકાવીને, તે રોજ ૧-૧ ચમચી લેવું.
(૭) સફેદ વાળ કાળા કરવા : પીલુડીના બી જેટલા જ કાળા તલ લઈ, તેને પલાળી, તેલ કાઢવું કે પછી તલના તેલમાં પીલુડીના બીનો ભૂકો નાંખી તેલ પકાવો. તે તેલના રોજ નાકમાં ટીપા પાડવાથી સફેદ વાળ ૬-૧૨ મહિને કાળા થાય.
(૮) અંડકોષના સોજા પર : પાનનો રસ કે તેનું પાન ગરમ કરી અંડ ઉપર લગાવવું.
(૯) લીવર (યકૃત) વધવું : પીલુડીનો રસ ૫૦ ગ્રામ જેટલો ગરમ કરી, (રતાશ પડતો ભૂરો થયેથી) ઉતારી ઠંડો પાડી, ગાળીને સવાર સાંજ પીવો.
આ પ્રયોગ ઝાડો-પેશાબ સાફ લાવી, સોજા તથા ત્વચા રોગો પણ મટાડે છે. મૂત્રલ તરીકે તે ગાઉટ, આમવાત, પ્રમેહ અને કફરોગ પણ મટાડે છે.