પંચ સરોવર :
૧. બિંદુ સરોવર (સિધ્ધપુર – ગુજરાત)
૨. નારાયણ સરોવર (કચ્છ)
૩. પંપા સરોવર (કર્ણાટક)
૪. પુષ્કર સરોવર (રાજસ્થાન)
૫. માનસ સરોવર (તિબેટ)
૧. બિંદુ સરોવર (સિધ્ધપુર – ગુજરાત):
મહર્ષિ કપિલના સ્વાનુભવસિદ્ધ સુધાસભર સુંદર શબ્દો સાંભળીને કોઇના પણ અંતઃકરણનું અવિદ્યારૂપી આવરણ અકબંધ રહી શકે ખરું ? સૂર્યનો પરમ પવિત્ર પ્રખર પ્રકાશ પડતાં અંધકાર અદૃશ્ય થાય, અનંત ઐશ્વર્યની ઉપલબ્ધિ થતાં જન્મના દરિદ્રીની દરિદ્રતા મટી જાય, અને તૃષાર્તને સરિતાની સંનિધિ સાંપડતાં એની તૃષા ટળી જાય, તેવી રીતે એવી જ્ઞાન વિજ્ઞાનયુક્ત વાણીથી સૌ કોઇ કૃતાર્થ થાય ને મુક્ત બની જાય એ સ્વાભાવિક છે. માતા દેવહુતિનો અંતરાત્મા અસાધારણ હતો. એ ધન્ય બની ઊઠ્યો. એના અવિદ્યારૂપી આવરણનો અંત આવ્યો.
ભગવાન કપિલે કહ્યું કે માતા ! આ સદુપદેશ પ્રમાણે ચાલવાથી તમે સ્વલ્પ સમયમાં જ જીવનમુક્તિની અલૌકિક અવસ્થાની અનુભૂતિ કરશો ને સાચા અર્થમા ધન્ય બનશો.
એવું કહીને માતા દેવહુતિની અનુમતિ મેળવીને મહર્ષિ કપિલ ત્યાંથી ચાલી નીકળ્યા. એમનું કાર્ય પૂરું થયું.
માતા દેવહુતિએ બિંદુ સરોવર પરના એ એકાંત આશ્રમમાં રહીને મનને પરમાત્માપરાયણ કર્યું ને પરમાત્મામાં જોડી દીધું.
બાહ્ય ભોગોપભોગો કે વિષયોમાં એને જરા પણ રસ ના રહ્યો. જીવનનો બધો જ પ્રવાહ બદલાઇ ગયો.
મહર્ષિ કપિલનો વિયોગ એને સાલ્યો તો ખરો જ, તો પણ એણે એના મનને સમજાવીને સાધનામાં જોડી દીધું.
એ સાધનાથી પરમાત્માનો સાક્ષાત્કાર સહજ બન્યો, ક્લેશ કપાઇ ગયા, ને જીવનમુક્તિની પ્રાપ્તિ થઇ.
એ પછી એક ધન્ય દિવસે સ્થૂળ શરીર પણ છૂટી ગયું.
એ પવિત્ર સ્થળ સિદ્ધપદ કહેવાયું.
સિદ્ધપુર ક્ષેત્ર, સરસ્વતી નદી અને બિંદુ સરોવર પોતાના દર્શન કે સ્મરણ માત્રથી જ ભૂતકાળની એ ભવ્ય ઘટના પરંપરાને તાજી કરે છે ને પ્રેરક ઠરે છે એનાથી અનુપ્રાણિત થયેલો આત્મા આજે પણ ઉદ્દગારો કાઢે છે
ઐતિહાસિક ધાર્મિક નગરી સિદ્ધપુરમાં સમગ્ર ભાદરવા માસ દરમિયાન ભારત સહિત દેશ-વિદેશના યાત્રિકોનો બિંદુ સરોવર ખાતે પ્રવાહ વધી રહ્યો છે.
આપણા ધર્મગ્રંથોમાં દર્શાવ્યા પ્રમાણે કારતક, ચૈત્ર અને ભાદરવા માસમાં માતૃશ્રાદ્ધ માટે પવિત્ર માસ ગણવામાં આવે છે આથી ભારત સહિત દેશ વિદેશમાંથી મોટીસંખ્યામાં માતૃશ્રાદ્ધ કરવા બિંદુ સરોવર કપિલ આશ્રમ ખાતે અવિરત યાત્રિકોનો પ્રવાહ વહી રહ્યો છે.
અહીં આવનાર હજારો યાત્રિકો વિદ્વાન બ્રાહ્નણો દ્વારા વેદોકત મંત્રોચ્ચાર સાથે પિંડદાન કરાવી માતૃઋણમાંથી મુકત થવાનો અહેસાસ માણી રહ્યા છે. બિંદુ સરોવરમાં યાત્રિકો સ્નાન કરી ધન્યતા અનુભવે છે. જેમ જેમ ભાદરવા માસના દિવસો પસાર થઇ રહ્યા છે ત્યારે આવનાર યાત્રિકોનો અવિરત પ્રવાહ વધી રહ્યો છે.
વેદકાળ સમયમાં ભગવાન કપીલે તેમજ ભગવાન પરશુરામે પોતાની માતાનો ઉદ્ધાર કરવા બિંદુ સરોવર ખાતે પીંડદાન કરી માતૃઋણમાંથી મુકત થયા હતા. ત્યારથી ધાર્મિક નગરી સિદ્ધપુરમાં સમગ્ર વિશ્વમાંથી માતાના ઉદ્ધાર માટે બિંદુ સરોવર ખાતે યાત્રિકો આવી શ્રાદ્ધ કરાવી માતૃઋણમાંથી મુકત થાય છે.
૨. નારાયણ સરોવર (કચ્છ)
હિંદુઓના પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે. આ સરોવર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે. નારાયણ સરોવર ભુજથી ૨૧૦ કિમી દૂર આવેલ છે. પ્રાચીન કોટેશ્વર મંદિર અહીંથી ચાર કિમી દૂર છે. શ્રીમદ ભાગવતમ્ માં વર્ણવેલા પાંચ પવિત્ર તળાવોમાંનું આ એક સરોવર છે
કચ્છના રણનું આ અતિ પ્રાચીન તીર્થધામ છે. અહી સ્વચ્છ જળનું પવિત્ર તળાવ છે. નારાયણ સરોવરનો અર્થ થાય છે ભગવાન શ્રી વિષ્ણુનું સરોવર. ભગવાન નારાયણે ગંગોત્રીમાંથી પવિત્ર જળ લાવીને આ તળાવનું નિર્માણ કર્યું હતું. ખુદ નારાયણ પણ કેટલોક સમય અહી રહ્યા હતા. સરોવર પાસે આદિ નારાયણ, ગોવર્ધન નાથ અને ત્રિકમજીના સુંદર મંદિરો બન્યા છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુની બેઠક પણ નારાયણ સરોવર પાસે છે. નારાયણ સરોવરથી આશરે ત્રણ કિલોમીટર દૂર કોટેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર છે. કાર્તિકી પૂનમને દિવસે અહી મોટો મેળો ભરાય છે.
કહેવાય છે કે ભગવાન નારાયણના જમણા પગના અંગુઠામાંથી અહીં જળવહન થયું હતું, તે જ પવિત્ર પાણીએ નારાયણ સરોવરનું સ્વરુપ ધારણ કર્યું. સમુદ્ર કિનારે આવેલું આ જળાશય અત્યંત વિશાળ હતું પરંતું વર્ષો પહેલા આવેલા વિનાશક ભૂકંપથી તે મીઠા પાણીમાંથી ખારા પાણીમાં ફેરવાઇ ગયું. બાદમાં હાલ જે સરોવર છે તે બનાવવામાં આવ્યું. અનેક તપસ્વીઓએ અહીં તપ કર્યા હોવાનું જાણવા મળે છે.
એક સમયના મહારાણી બાઇ રાજબાએ નવા બંધાયેલા જળાશય નજીક કેટલાક મંદિરો બનાવડાવી પોતાની ધાર્મિકતાના દર્શન કરાવ્યા હતા. જેમાં ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, ગોવર્ધનનાથજી, દ્વારકાનાથ, આદિત્યનારાયણ, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરોનો સમાવેશ થાય છે. માટે જ ધર્મમાં લીન શ્રદ્ધાળુઓ માટે નારાયણસરોવરની મુસાફરી સાર્થક પુરવાર થાય તેમ છે. અહીંથી કોટેશ્વર મંદિર ખૂબજ નજીક હોવાથી પ્રવાસીઓ ત્યાંના દર્શનનો લાભ લઇ શકે છે.
નારાયણ સરોવર પહોંચવા માટે ભૂજથી દિવસમાં બે વાર ઉપડતી બસની મદદ લઇ શકાય. બાકી તો ખાનગી વાહન લઇને જવા ઇચ્છતા મુસાફરો સડક માર્ગે જઇ શકે છે.
૩. પંપા સરોવર (કર્ણાટક)
પંપા સરોવર ભારતના કર્ણાટક રાજ્યના કોપ્પલ જિલ્લાના હમ્પી નજીક આવેલું એક સરોવર છે. તુંગભદ્રા નદીની દક્ષિણે સ્થિત આ સરોવરને હિંદુઓ પવિત્ર માને છે અને તે પાંચ પવિત્ર સરોવરો પૈકીનું એક છે. હિંદુ ધર્મની પૌરાણિક કથા પ્રમાણે આ સ્થળે ભગવાન શિવની અર્ધાંગિની પંપા (પાર્વતી)એ પોતાનું શિવ પ્રતિ સમર્પણ દર્શાવવા માટે તપસ્યા કરી હતી. આ સરોવરનો ઉલ્લેખ રામાયણમાં પણ જોવા મળે છે. રામાયણમાં આ એ જ સરોવર છે જેના કિનારે શબરીએ ભગવાન રામચંદ્રના આગમનની પ્રતિક્ષા કરતી હતી.
રામાયણમાં પંપા સરોવરનો ઉલ્લેખ એ સ્થળ તરિકે કરવામાં આવ્યો છે જ્યાં માતંગ ઋષીની શિષ્યા શબરીએ ભગવાન રામને સિતાને પાછી લાવવા માટેની તેમની દક્ષિણ તરફની યાત્રામાં દિશાસુચન કર્યું હતું. કથા અનુસાર, શબરી રોજે પ્રાર્થના કરતી હતી કે તેને ભગવાન શ્રી રામના દર્શન કરવાનો મોકો મળે. તે તેના ગુરૂ માતંગના આશ્રમમાં રહેતી હતી, આ આશ્રમ આજના હમ્પીમાં માતંગ પર્વત નામે ઓળખાતા ક્ષેત્રમાં આવેલો હતો. તેના ગુરૂ માતંગે પોતાના અવસાન પહેલા તેને જણાવ્યું હતું કે તે અવશ્ય ભગવાન રામના દર્શન મેળવશે. ગુરૂના નિધન પછી પણ શબરી ભગવાન રામની પ્રતિક્ષામાં આશ્રમમાં રહેતી હતી. ઘણા વર્ષો વીતી ગયા અને શબરી વૃદ્ધ થઈ ગઈ હતી ત્યારે ભગવાન રામ લંકા જતાં રસ્તામાં તેના આશ્રમે પધાર્યા. તેણે રામ અને અનુજ લક્ષ્મણને પ્રેમે ભોજન કરાવ્યું. તેના ઔદાર્યને વશ થઈને રામ અને લક્ષ્મણે તેને પ્રણામ કર્યાં. ત્યાર બાદ તેમણે શબરીને સીતાના અપહરણની કથની કહી સંભળાવી અને શબરીએ તેમને દક્ષિણમાં આવેલા વાનર રાજ્યના હનુમાન અને સુગ્રીવની મદદ લેવા જણાવ્યું જેઓ પંપા સરોવર નજીક રહેતા હતાં.
ભગવાન શ્રી રામે પોતાના નાના ભાઈ લક્ષ્મણ સાથે આ સરોવરના કિનારે આરામ કર્યો હતો.વાલ્મીકિ રામાયણમાં પંપા સરોવરનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. કિષ્કિંધા, ઋષ્યમુક પર્વત, સ્ફટિક શિલા, વગેરે પંપા સરોવરની બાજુમાં આવેલા રામાયણકાલીન ઐતિહાસિક સ્થળો છે. પંપા સરોવરની પાસે પહાડી ઉપર નાના નાના જીર્ણ મંદિરો છે. અહી આવેલી શબરીની ગુફા પાસે એક લક્ષ્મીનારાયણની યુગલમૂર્તિ છે.
૪. પુષ્કર સરોવર (રાજસ્થાન)
પુષ્કર રાજસ્થાન રાજ્યમાં આવેલું વિખ્યાત તીર્થસ્થળ છે. પુષ્કર રાજસ્થાનના અજમેર જિલ્લામાં અવેલું એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. અહિયાં બ્રહ્માનું એક મંદિર આવેલું છે. પુષ્કર અજમેર શહેરથી ૧૪ કિલોમીટર દૂર આવેલું છે.
હજારો હિંદુ શ્રદ્ધાળુ લોકો આ મેળામાં આવે છે. તેઓ પોતાને પવિત્ર કરવાને માટે પુષ્કર સરોવરમાં સ્નાન કરે છે. ભક્તગણો તથા પર્યટકો શ્રી રંગ જી તથા અન્ય મંદિરોમાં દર્શન કરી આધ્યાત્મિક લાભ પ્રાપ્ત કરે છે.
ભારત દેશમાં કોઇપણ પૌરાણિક સ્થળ પર સામાન્ય રીતે જેટલી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે, તેના કરતાં પુષ્કરના મેળામાં આવતા પર્યટકોની સંખ્યા ઘણી વધારે હોય છે. એમાં મોટી સંખ્યા વિદેશી સહેલાણીઓની હોય છે, જેમને પુષ્કર ખાસ તૌર પર પસંદ છે. દર સાલ કાર્તિક મહીનામાં ભરાતા પુષ્કર ઊંટમેળા દ્વારા આ જગ્યાને દુનિયાભરમાં અલગ જ પહેચાન આપી દીધી છે. મેળાના સમયે પુષ્કરમાં કેટલીય સંસ્કૃતિઓનું મિલન થતું જોવા મળે છે.
મહાભારતના વન પર્વમાં ઋષિ પુલત્સ્ય ભીષ્મ સામે અનેક તીર્થોનું વર્ણન કરતી વેળા પુસ્કરને સૌથી વધારે પવિત્ર ગણાવે છે. પુષ્કર તીર્થોમાં શ્રેષ્ઠ છે. વાલ્મીકિ રામાયણમાં પણ પુષ્કરનો મહિમા દર્શાવ્યો છે. સૃષ્ટિના રચયિતા બ્રહ્મા અહી નિરંતર વસે છે. બ્રહ્માએ પુષ્કરની સ્થાપના કરી. અહી એક સરોવર છે. આ પવિત્ર સરોવરમાં સ્નાન કરીને માનવ શાંતિ મેળવે છે. સરોવર પાસે બ્રહ્માજીનું વિશાળ ભવ્ય મંદિર છે. શ્રી બદ્રીનારાયણ મંદિર, વારાહ મંદિર, કપાલેશ્વર મહાદેવ, શ્રીરંગ મંદિર વગેરે અહીના મુખ્ય મંદિરો છે. પુષ્કરને મંદિરોની નગરી કહેવામાં આવે છે.
૫. માનસ સરોવર (તિબેટ)
સરોવર દરિયાની સામાન્ય સપાટીથી ૪૫૫૬ મી.ની ઉંચાઇ પર છે. તે દુનિયાનું સૌથી ઉંચુ પીવાલાયક તાજા પાણીનું સરોવર છે. આકારમાં સરોવર ગોળ છે. તેનો પરિઘ ૮૮ કિ.મી., ઊંડાઇ ૯૦ મી. અને ક્ષેત્રફળ ૩૨૦ ચો. કિ.મી. છે. શિયાળામાં તેનું પાણી થીજી જાય છે અને વસંત ઋતુમાં ઓગળે છે. સતલજ, બ્રહ્મપુત્રા, સિંધૂ અને કર્નાલી નદી સરોવરની આસપાસ થી નીકળે છે.
કૈલાસ પર્વતની માફક, માન સરોવર એક પવિત્ર યાત્રાધામ છે. ભારત, તિબેટ અને બીજા પડોશી દેશોમાંથી ઘણા યાત્રાળુઓ દર વર્ષે અંહિ આવે છે. ખાસ કરીને ભારતમાંથી નિયમિત રીતે યાત્રાઓ ગોઠવાય છે જેમાં કૈલાસ-માનસરોવરની યાત્રા પ્રસિદ્ધ છે જે દર વર્ષે હોય છે. યાત્રાળુંઓ અંહિ આવીને સ્નાન કરે છે જે તેમના પાપ ધોવે છે તેવું મનાય છે.
હિંદુ માન્યતા મુજબ, સરોવરની ઉત્પતિ સૌપ્રથમ બ્રહ્માના મનમાં થઇ હતી, આથી તેને માનસ્+સરોવર = માનસરોવર કહેવામાં આવે છે.
હિમાલય પર્વત પાર કરીને તિબેટ (ત્રિવિષ્ટપ) ના ઠંડા ભાગમાં આવેલું માનસરોવર આદિકાળથી માનવને આમંત્રિત કરતુ આવ્યું છે. યુગોથી લોકો તેને પવિત્ર તથા શાંતિદાયક ક્ષેત્ર ગણીને કૈલાસ-માનસરોવરની યાત્રા કરતા આવ્યા છે. અહી બે સરોવર છે. એક રાક્ષસતાલ કહેવાય છે. રાવણે અહી ઊભા રહીને ભગવાન શંકરની આરાધના કરી હતી. બીજું સરોવર માનસરોવર છે. આ સરોવરનું પાણી અત્યંત સ્વચ્છ અને ભૂરું છે. માનસરોવર ઈંડાકાર છે. આ સરોવરમાં હંસો જોવા મળે છે. માનસરોવરનું પાણી વધુ ઠંડુ ન હોઈ તેમાં આનંદથી સ્નાન કરી શકાય છે.